Suspicious deaths of two youths in Ankleshwar Bharuch : ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand) થી 14 પ્યાસીઓના મોતની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ભરૂચના અંકલેશ્વરમાં બે યુવકના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી છે. બંને યુવકનું કાર્ડિયાક એરસ્ટથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. યુવકોએ પેઈન કિલર ઇન્જેક્શનનો ઓવરડોઝ લીધા બાદ આ દુઃખદ ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે (Ankleshwar Rural Police) અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહોને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરના સારંગપુર તેમજ GIDC વિસ્તારમાં લાકડાના પીઠામાં કામ કરતાં ફરમાન મુમ્તાઝઅલી શેખ (ઉ. 22) અને રાહુલ રામેશ્વર સિંઘે (ઉ. 26) થાક ઉતારવાના ઇરાદે પેઈન કિલરનું સેવન કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. બંને મૃતક ફરમાન અને રાહુલના મૃતદેહના વિડીયો સામે આવ્યા છે. જેમાં ફરમાનનો મૃતદેહ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસેલી અવસ્થામાં દેખાય છે અને રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમની સાથે વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના ફરમાન અને રાહુલની સાથે પાર્ટીમાં ગયેલા બે યુવકની પૂછપરછ પોલીસે આરંભી ઘટનાના કારણ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.








