નવજીવન ન્યૂઝ.સુરત: શું તમે કલ્પના કરી શકો છો કે દારૂની મહેફિલથી કંટાળીને કોઈ સસરા પોતાના જ પુત્રવધૂની પાર્ટી પર પોલીસ રેડ પડાવે? સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડુમસ રોડ પરની એક હોટલમાં ચાલી રહેલી દારૂ પાર્ટીનો પર્દાફાશ ખુદ પાર્ટીમાં સામેલ એક આર્ટિસ્ટ યુવતીના સસરાએ પોલીસને જાણ કરીને કરાવ્યો હતો. પોલીસે દરોડો પાડી રૂમમાંથી 2 યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, સુરત પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો હતો. કોલ કરનારે જણાવ્યું કે તેની પુત્રવધૂ પોતાના મિત્રો સાથે ડુમસના ‘વીકેન્ડ એડ્રેસ’ હોટલના રૂમ નંબર 443માં દારૂની મહેફિલ માણી રહી છે. ચોંકાવનારી વાત એ હતી કે આ કોલ બીજું કોઈ નહીં, પણ દારૂ પાર્ટી કરી રહેલી આર્ટિસ્ટ વહુના સસરાનો જ હતો!
‘સાહેબ, મારી પુત્રવધૂ દારૂ પાર્ટી કરી રહી છે’
પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી આ અસામાન્ય ફરિયાદને ગંભીરતાથી લઈ ડુમસ પોલીસની PCR વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખૂલતાં જ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા ફ્લોર પર ગોળાકારમાં બેઠેલા હતા અને દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી.
લાલઘૂમ આંખો અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ
પોલીસ તપાસ દરમિયાન, પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ (ઉંમર 25), સંકલ્પ અજય પટેલ (ઉંમર 24), લોક ભાવેશ દેસાઈ (ઉંમર 23), અને સમકિત કલાપીભાઈ વિમાવાલા (ઉંમર 25) નો સમાવેશ થાય છે. આ તમામની આંખો લાલઘૂમ હતી અને તેઓ નશામાં ધૂત હોવાથી પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવી રહી હતી. જ્યારે દારૂ પીવા માટેના પાસ-પરમિટની માંગણી કરવામાં આવી, ત્યારે કોઈપણ વ્યક્તિ પાસે તે મળી આવ્યા નહોતા.
બે આર્ટિસ્ટ મહિલાઓ પણ પકડાઈ, એકના સસરાએ જ કરી હતી ફરિયાદ
આ દારૂ પાર્ટીમાં 2 મહિલાઓ પણ સામેલ હતી, જે બંને આર્ટિસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવતા, એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ દારૂ પીવા માટેની કોઈ પાસ-પરમિટ નહોતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બે મહિલાઓમાંથી એક એ જ હતી જેના સસરાએ પોલીસને ફોન કરીને આ પાર્ટીની જાણ કરી હતી.
હોટલ મેનેજરે આપી ચોંકાવનારી સ્પષ્ટતા: ‘રૂમ અલગ માલિકીનો, ખોટા ID નો ઉપયોગ’
‘વીકેન્ડ એડ્રેસ’ના મેનેજર ગૌતમ પટેલે આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીના છે, જ્યારે બાકીના 364 રૂમ અલગ-અલગ માલિકોના છે. જે રૂમ નંબર 443માં આ દારૂની મહેફિલ ઝડપાઈ, તે રૂમ હોટલે નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો. નીલમ કેસાને આ રૂમ દર્શન નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો, જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો.
મેનેજરે વધુમાં જણાવ્યું કે આરોપીઓએ હોટલની માઈગેટ નામની એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કરીને રૂમ નંબર 419 માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેઓ રોકાયા રૂમ નંબર 443માં હતા. આ રીતે તેમણે હોટલના નિયમોનો ભંગ કરીને રૂમમાં પ્રવેશ કર્યો હતો. મેનેજરે પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને હોટલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં સામેલ ન હોવાનું જણાવ્યું છે.
ઘટનાસ્થળેથી દારૂ અને મોંઘા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે રૂમની તલાશી લેતાં ત્યાંથી વિદેશી બનાવટની 750 MLની એક દારૂની બોટલ મળી, જેમાં આશરે 350 ML દારૂ ભરેલો હતો, જેની કિંમત રૂ. 1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને 7 મોબાઈલ ફોન પણ મળ્યા, જેની કુલ કિંમત રૂ. 2,55,000 હતી.
ડુમસ પોલીસે તમામ પકડાયેલા આરોપીઓનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું અને ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016) ની કલમ 66 (1) (બી), 65 (એ) (એ), 81, 83(ક) 1(2019)ની અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના અમલ માટે ક્યારેક પરિવારના સભ્યો પણ આગળ આવતા હોય છે.








