Thursday, June 4, 2026
HomeGujaratSuratવીડિયો: પોલીસ છે કે લુખ્ખા તત્વો ? સુરતમાં જાહેરમાં યુવકને ઘસડી-ઘસડીને માર...

વીડિયો: પોલીસ છે કે લુખ્ખા તત્વો ? સુરતમાં જાહેરમાં યુવકને ઘસડી-ઘસડીને માર માર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: કેટલાક પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓની કરતૂત એવી હોય છે કે તેના કારણે સમગ્ર પોલીસ બેડાને લાંછન લાગે છે. તેવી જ પોલીસ વિભાગને શર્મસાર કરતી ઘટના સુરત(Surat)થી સામે આવી છે. જેમાં સુરત ના ઉધના પોલીસ સ્ટેશનના (Surat Police) બે કોન્સ્ટેબલો દ્વારા યુવકને જાહેર માર્ગ પર બર્બરતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સામે ત્યારે આવી જ્યારે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને આ ફૂટેજ વાયરલ થયા હતા. વાયરલ વિડીયો જોઈ લોકો પોલીસના આ કર્મચારીઓને લુખ્ખા તત્વો સાથે સરખાવી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30-31 ડિસેમ્બરની રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન ભાઠે વિસ્તારમાં કથિત રીતે પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને પીયુષ ચૌધરીએ એક યુવકને રોક્યો હતો. યુવકને રોકી કોન્સ્ટેબલે દાદાગીરી કરી અને જાહેર માર્ગ પર યુવકને ફટકાર્યો હતો. વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવકને કોન્સ્ટેબલોએ ઘસડી-ઘસડીને માર માર્યો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવકને ફડાકા અને લાતો મારી કોન્સ્ટેબલને શાંતિ ન થઈ હોય તેમ બીજો કોન્સ્ટેબલ લાકડી લઈ આવે છે અને લાકડીથી ફટકારવા લાગે છે. લાકડી વડે બર્બરતા પૂર્વક એક કોન્સ્ટેબલ યુવકને ફટકારે છે અને બીજો કોન્સ્ટેબલ યુવકને પકડી રાખે છે તે દૃશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આ વિડીયો વાયરલ થતા સુરતના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસની દાદાગીરી પર ફિટકારી વરસી રહી છે.

- Advertisement -

આ મામલે ઉધના પોલીસ સ્ટેશનના પી.આઈ. આચાર્ય સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, 31 ડિસેમ્બરના કારણે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન કથિત ઘટનામાં સંડોવાયેલા કોન્સ્ટેબલોને મોડી રાત્રિના સમયે રિક્ષામાં બેઠેલા બે યુવકો નજરે પડ્યા હતા. જેથી પીસીઆર વાન ત્યાં ઉભી રાખી પુછપરછ માટે ગયા હતા પરંતુ બંને યુવકોએ નાસી જવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન એક યુવક ઝડપાયો જ્યારે બીજો યુવક લાંબી મહેનત બાદ પકડાયો હતો. બાદમાં કોન્સ્ટેબલો આ યુવકને પીસીઆર વાન પાસે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ યુવક સહયોગ કરતો ન હતો. આ દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વધુમાં પી.આઈ. આચાર્ય જણાવે છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ વિભાગને ઘટનાની જાણ થઈ હતી. જેને ગંભીરતાથી લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસના બંને કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને પીયુષ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભોગ બનનાર હજૂ ફરિયાદ કરવા સામે આવ્યા નથી પરંતુ પોલીસ તેના નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરશે.

આ ધટનાને પગલે સુરતમાં રોષ પ્રગટ થયો હતો અને લોકોમુખે પી.આઈ. આચાર્યએ કોન્સ્ટેબલને બચાવવા હવાતીયા માર્યા હોવાની ચર્ચાઓ ચાલી હતી. સાથે જ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, બંને કોન્સ્ટેબલે ભોગ બનનાર યુવકને એટીએમ પર લઈ જઈ બળજબરી પૂર્વક રુપિયા 5 હજાર કઢાવી લઈ લીધા હતા. આ મામલે ભોગ બનનારના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપી કોન્સ્ટેબલો વિરૂધ્ધ તપાસ કરી તથ્ય સામે લાવવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે સવાલ લોકોને સતાવી રહ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular