નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં હત્યા, બળાત્કાર તેમજ ચરસ ગાંજાની ફેરાફેરી જેવી ગંભીર ઘટનાઓ છાશવારે સામે આવે છે. પણ આ બધી બાબતોની વચ્ચે એવું તો શું હોય છે જે કોઈની હત્યાનું કારણ બની જાય છે. આજથી ચાર દિવસ અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરતાં યુવકની હત્યા થયાનો ખુલાસો થયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી ચાર દિવસ અગાઉ રાત્રિના સમય દરમિયાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોહીથી લથપથ યુવકને પોલીસે તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના રિપોર્ટ મુજબ યુવકને માથાને ભાગે ફટકા મારવામાં આવ્યા હોવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.
આરોપીને પકડવા પોલીસે મદનલાલ ધીંગરા ગાર્ડનના CCTV ચેક કર્યા હતા. CCTVમાં બે યુવકો સાથે હોવાનું સામે આવ્યું હતું. CCTVમાં મૃતક કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદ સાથે તેનો મિત્ર અમાવસ રામ પરવેશ મહંતો ગાર્ડનમાં બેઠા હોવાનું સામે આવતા પોલીસે અમાવસ રામ પરવેશ મહંતોની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા હ્યુમન રિસોર્સનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં આરોપી અમાવસ રામ પરવેશે પોતાના જ મિત્રની હત્યા કરવાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, મૃતક કલ્લુ જાગરૂપ અને અમાવસ રામ પરવેશ મિત્રો હતા તથા લૂમ્સ ખાતામાં સાથે નોકરી કરતા હતા. 18 તારીખે સાંજના સમયે બંને મિત્રો મદનલાલ ધીંગરા ગાર્ડનમાં બેઠા હતા, તે દરમિયાન મૃતક કલ્લુ જગરૂપે આરોપી અમાવસ રામ પરવેશને સિગારેટ લઈ આવવા કહ્યું હતું. અમાવસ રામ પરવેશે સિગારેટ લાવવાનો ઈનકાર કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીથી અમાવસ રામ પરવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બાજુમાં પડેલી લાકડી વડે મૃતક કલ્લુ જગરૂપ પર હુમલો કર્યો હતો. માથાને ભાગે લાકડીના ફટકા મારી આરોપી અમાવસ રામ પરવેશ ત્યાંથી ભાગી ગયો હતો. કલ્લુ જગરૂપ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓથી મૃત્યુ પામ્યો હતો. આરોપીની કબૂલાતને આધારે પોલીસે આરોપી સામે હત્યા મુજબનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








