હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): સુરતમાં છેલ્લા ચારેક વર્ષથી મહાકાળ શીર્ષક તળે એક ટીમ સક્રિય બની છે. આ ટીમ શહેરના બિલ્ડરો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્લેકમેઇલ કરી પોતાનું ધાર્યું નિશાન પાર પાડવામાં પાવરધી છે. આ ટીમને પોલીસ કમિશનરની અંગત ગણાતી એક બ્રાન્ચના અધિકારીનું પૂરતા પ્રમાણમાં પીઠબળ હોવાથી આ ટીમ ભલભલાને પોતાની માયાજાળમાં ફસાવવામાં સફળ રહે છે.
આ ટીમની કેટલીક વિગતો તરફ દૃષ્ટિપાત કરીએ તો પોલીસ બેડામાં તેમજ બિલ્ડર લોબીમાં ચાલતી ચર્ચા મુજબ આ ટીમે બે-ત્રણ વર્ષ પૂર્વે આ જ રીતે બે મોટા ગજાના બિલ્ડરોને પોતાના સાણસામાં લીધા હતા અને સમાધાનના રૂપમાં ખૂબ મોટી રકમ ગજવે ઘાલી લીધી હતી. આ ટીમના એક સભ્યએ થોડા સમય પૂર્વે એક તબીબને અને એક ઉદ્યોગપતિને સાણસામાં લઈ મોટી રકમ ખંખેરી લીધી હોવાની ચર્ચા પણ મોટા પ્રમાણમાં ચાલી રહી છે.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી જોઇએ તો કોઇ પણ એક જમીનનો વિવાદ શોખી લેવાનો. આ વિવાદમાં જે વ્યક્તિ કાયદાકીય રીતે થોડી ફાઇટ આપી શકે તેવી વ્યક્તિને લાલચ આપી કાયદાકીય ફાઇટ આપવા તૈયાર કરે છે. પછી અખબારોમાં જાહેર નોટિસના રૂપમાં બ્લેકમેઇલ કરવાનો પ્રારંભ કરે છે. સામાન્ય સંજોગોમાં બિલ્ડરો બદનામ થવાના ડરે પોલીસ કેસ કર્યા પૂર્વે જ મામલો સમાધાનના રૂપમાં પૈસા આપી પૂરો કરવામાં માને છે. જેથી આ ટીમ ધાર્યું નિશાન પાર પાડે છે.
આ ટીમને એક મોટા ગજાના બિલ્ડરનું પીઠબળ છે. એમ કહેવાય છે કે આ બિલ્ડરની પહોંચ છેક દિલ્હી સુધી છે. જેથી તેના પીઠબળના જોરે આ ટીમ કૂદી રહી છે. જરૂર પડ્યે આ મોટા ગજાના બિલ્ડર ચિત્રમાં આવે છે. ત્યાં સુધી આ ટીમ કામ કર્યા કરે છે. આટલું અધૂરું હોય તેમ પોલીસ કમિશનરની ખાસ ગણાતી બ્રાન્ચના એક અધિકારી પણ કોઇ જાતના ડર વગર આ ટીમને પીઠબળ પૂરું પાડતા હોવાથી મોટા ભાગના સમાધામ આ અધિકારીની ચેમ્બરમાં જ થઈ જાય છે. ત્યાં બોલાવી પોલીસની ભાષામાં દમ મારવામાં આવે છે. ગુનો નોંધાયા પછી કઈ કઈ સ્થિતિનો સમાનો કરવો પડે છે તેના વિશેની માહિતી આપી બિલ્ડરને બરાબરના ડરાવી દેવામાં આવે છે. પરિણામે ગુનો નોંધાયા પૂર્વે જ સમાધાન થઈ જાય છે.
પોલીસ બેડામાં અને બિલ્ડર લોબીમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પોલીસ કમિશનર અજયકુમાર તોમર આ ટીમને ચલાવી લેવા માગતી નથી. તેમની પાસે એવું ચિત્ર ખડું કરવામાં આવ્યું છે કે આ ટીમ હાલમાં નિષ્ક્રિય છે. પણ, પોલીસ કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવવામાં આ ટીમ અને ટીમ સાથે સંકળાયેલા પોલીસ કમિશનરની જ ખાસ ગણાતી બ્રાન્ચના અધિકારી સફળ રહ્યા છે. જો પોલીસ કમિશનરના ધ્યાન પર આ વાત આવે તો તે આ ટીમને કાર્યરત રહેવા ન દે અ નક્કી છે. તેવા સંજોગોમાં પોલીસ કમિશનર આ ટીમને કાબૂમાં રાખે તે અત્યંત આવશ્યક છે.
એક વાત એ પણ છે કે કોરોનાકાળ વખતે આ ટીમે સેવાકીય પ્રવૃત્તિ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરી હતી. અનેક ભૂખ્યજનોનો જઠરાગ્નિ ઠાર્યો હતો. તેમના આ મોટાપાયા પર કરેલા સદ્ કાર્યની નોંધ લેવી પણ એટલી જ આવશ્યક છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












