Monday, April 20, 2026
HomeGujaratSuratબહુ ચર્ચિત બીટકોઇન કેસઃ શૈલેષ ભટ્ટને સુપ્રીમમાંથી મળી મોટી રાહત

બહુ ચર્ચિત બીટકોઇન કેસઃ શૈલેષ ભટ્ટને સુપ્રીમમાંથી મળી મોટી રાહત

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): Surat Bitcoin Case: વર્ષ 2018ની આ વાત છે. ત્યારે સી.આઈ.ડી. ક્રાઇમમાં (CID Crime Gujarat) એક ગુનો એવો નોંધાયો કે એવો ગુનો ભૂતકાળમાં ગુજરાતમાં જ નહીં પૂરા દેશમાં ક્યાંય નોંધાયો ન હતો. આ કેસ એટલે અપહરણ, ખંડણી, માર મારવાનો કેસ. જેમાં આરોપીઓ હતા તત્કાલીન પોલીસ અધિક્ષક, પૂર્વ ધારાસભ્ય વગેરે. પોલીસે આ ગુનો તો નોંધ્યો જ પણ સામે કાઉન્ટર બ્લાસ્ટ એફ.આઈ.આર. પણ નોંધી જેમાં એક આરોપી તરીકે જેનું નામ હતું તે શૈલેષ ભટ્ટે (Shailesh Bhatt) કાનૂનનું શરણે જઈ ન્યાય માગ્યો હતો. પાંચ વર્ષના કાનૂની જંગ બાદ આખરે શૈલેષ ભટ્ટની કાયમી ધોરણે ધરપકડ ન કરવા તેમજ ચાર્જશીટ ન કરવાનો સુપ્રીમ કોર્ટે (Supreme Court)હુકમ કર્યો છે.

આજથી પાંચ વર્ષ પૂર્વે એટલે કે તા. 19-05-2018ના રોજ સી.આઈ.ડી. ક્રાઇમની સુરત કચેરી ખાતે એક ગુનો નોંધાયો હતો. જેમાં સી.આઈ.ડી. ક્રાઇમમાં તે વખતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જવારસિંહ હોંશિયારસિંહ દહિયા (જે.એચ. દહિયા- હાલ સસ્પેન્ડ)એ ફરિયાદી બની શૈલેષ ભટ્ટ, જિગ્નેશ મોરડિયા, કિરીટ વાળા, નિકંજ ભટ્ટ, જિગ્નેશ ખેની, ઉમેશ ઉર્ફે ઉમલો ઉર્ફે બાવાજી, જે.કે. રાજપૂત, દિલીપ કાનાણી અને હિતેશ જોટાસણાને આરોપી દર્શાવ્યા હતા.

- Advertisement -

ફરિયાદમાં જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓએ પીયૂષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરી ગોંધી રાખી શસ્ત્રો બતાવી ધાક ધમકી આપી રૂ. 131.07 કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત રોકડા રૂ. 14.05 કરોડ આંગડિયા મારફતે મેળવી લીધા હતા. આટલું જ નહીં પણ ભોગ બનનારા બન્નેને ભારત છોડી જતા રહેવાની ધમકી આપી હતી. આ કેસ દાખલ થયો એ સાથે જ શૈલેષ ભટ્ટે કાનૂનનું શરણું ગ્રહણ કરકી પોતાની ધરપકડ પર સ્ટે મેળવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં. પહેલા તબક્કામાં ધરપકડ પર સ્ટે મળી ગયો હતો.

ત્યાર પછી પણ તેમણે કાનૂની જંગ ચાલુ રાખી સ્ટેને કાયમી બનાવવાની લડત ચાલુ રાખી હતી. પાંચ વર્ષના કાનૂની જંગના અંતે આખરે કોર્ટે ચૂકાદો આપ્યો છે અને, શૈલેષ ભટ્ટની ધરપકડ કાયમી ધોરણે ન કરવા તેમજ ચાર્જશીટ દાખલ ન કરવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. પરિણામે હવે આ ગુનામાં સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ શૈલેષ ભટ્ટની ધરપકડ કરી શકશે નહીં. આ કેસમાં શૈલેષ ભટ્ટ વતી એડવોકેટ મુકુલ રોહતિંગી, સિદ્ધાર્થ દવે, કિશન દહિયા, મોહિત રામ, મોનિશા હાન્ડા, સૌમ્યા ગુપ્તા રોકાયા હતા.

શું છે કાઉન્ટર બ્લાસ્ટ એફ.આઈ.આર.?

બીટ કોઈન સંદર્ભે જ્યારે પોલીસને પણ સમજ પડતી ન હતી તે વખતે શૈલેષ ભટ્ટે નિવૃત્ત ડી.જી.પી. આશિષ ભાટિયા (તે વખતે સી.આઈ.ડી. ક્રાઇમના વડા)નો સંપર્ક કર્યો હતો. પૂરા અભ્યાસ બાદ સી.આઈ.ડી. ક્રાઇમે શૈલેષ ભટ્ટની ફરિયાદ લીધી. જેમાં આરોપી તરીકે અમરેલીના તત્કાલીન પોલીસ વડા જગદીશ પટેલ, અમરેલીના પૂર્વે ધારાસભ્ય નલીન કોટડિયા સહિતનાં મોટાં માથાં હતાં. એ તમામની ધરપકડ થઈ ચૂકી છે. આ ગુનો નોંધાયો તેની સામે કાઉન્ટર બ્લાસ્ટ તરીકે શૈલેષ ભટ્ટ સહિતના લોકો સામે ખંડણી અપહરણ વગેરેનો ગુનો નોંધાયો હતો. આ રીતે કાઉન્ટર બ્લાસ્ટ એફ.આઈ.આર. હોવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular