નવજીવન ન્યૂઝ.સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક યુવક દ્વારા પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કરવામાં આવતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને સમગ્ર એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, એક યુવકે એરપોર્ટ સ્ટાફને જણાવ્યું હતું કે તેની પાસે બોમ્બ છે. આ માહિતી મળતા જ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો અને તરત જ સીઆઈએસએફ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર એરપોર્ટ પર સુરક્ષા ચકાસણી વધારી દેવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ યુવકની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન યુવક પાસેથી કોઈપણ પ્રકારની વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ મામલે ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક દ્વારા કરાયેલ બોમ્બ અંગેનો દાવો માત્ર અફવા હતો.
અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આવા બોમ્બ સંબંધિત ખોટા કોલ અને અફવાઓના બનાવો સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.








