Monday, June 1, 2026
HomeNationalદેશમાં લોકડાઉન નહીં લાગે: નિર્મલા સીતારમણનું સ્પષ્ટીકરણ, અફવાઓને ખોટી ગણાવી

દેશમાં લોકડાઉન નહીં લાગે: નિર્મલા સીતારમણનું સ્પષ્ટીકરણ, અફવાઓને ખોટી ગણાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: દેશમાં લોકડાઉન લાગવાની અફવાઓ વચ્ચે કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કોવિડ સમયની જેમ કોઈ લોકડાઉન લાગશે નહીં. તેમણે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હાલ આવી કોઈ સ્થિતિ નથી અને સરકાર તરફથી કોઈ પ્રતિબંધ લાદવાનો વિચાર પણ નથી.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેટલીક રાજકીય વ્યક્તિઓ દ્વારા લોકડાઉન અને ઇંધણની અછત અંગે કરવામાં આવતા દાવા બિનઆધારભૂત છે. તેમણે કહ્યું કે આવી અફવાઓ ચિંતાજનક છે અને લોકોમાં અનાવશ્યક ભય પેદા કરે છે. “દેશમાં કોવિડ જેવી પરિસ્થિતિ ફરી સર્જાશે અને લોકડાઉન લાગશે તેવી કોઈ શક્યતા નથી,” એમ તેમણે જણાવ્યું.

- Advertisement -

આ પહેલાં કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હર્દીપ સિંહ પુરીએ પણ આ પ્રકારની અફવાઓને નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશમાં લોકડાઉન લગાડવાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ નથી. આવા અફવાઓ ફેલાવવી ગેરજવાબદાર અને નુકસાનકારક છે તેવો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

પુરીએ જણાવ્યું કે સરકાર ઊર્જા, સપ્લાય ચેઇન અને જરૂરી વસ્તુઓની ઉપલબ્ધી અંગે સતત નજર રાખી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ પાસે પૂરતા સ્ત્રોતો છે અને આવનારી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સરકાર તૈયાર છે.

નિર્મલા સીતારમણે ઇંધણના ભાવ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય કાચા તેલના ભાવમાં થયેલા વધારાના કારણે ભારત પર અસર થઈ રહી છે. પરંતુ સરકારે ગ્રાહકો પર ભાર ન પડે તે માટે પગલાં લીધાં છે.

- Advertisement -

સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને પ્રતિ લિટર ₹3 કરી છે, જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી શૂન્ય સુધી લાવવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધતા આંતરરાષ્ટ્રીય તેલના ભાવનો સીધો અસર સામાન્ય લોકો પર ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.

વધુમાં, સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સહાય આપવા પણ નિર્ણય કર્યો છે જેથી વધેલા ખર્ચનો ભાર ગ્રાહકો પર ન પડે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ જળમાર્ગ પર અસરને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ સર્જાયું છે, જેના કારણે આ પગલાં લેવાયા છે.

આ રીતે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશમાં લોકડાઉન લાગવાની કોઈ શક્યતા નથી અને ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular