નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ સુપ્રીમ કોર્ટમાં 9 જજોની સંવિધાનિક બેંચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન ધર્મ અને બંધારણ વચ્ચેની સીમા ક્યાં સુધી જાય તે મુદ્દે ગંભીર ચર્ચા થઈ રહી છે. કોર્ટરૂમમાં દલીલો દરમિયાન વાત માત્ર એક કેસ સુધી સીમિત રહી નથી, પરંતુ મોટા સિદ્ધાંતો તરફ વળી ગઈ છે. જજોએ ‘મોરાલિટી’ વિશે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આ કોઈ સ્થિર માપદંડ નથી, સમય સાથે સમાજના ધોરણો બદલાય છે, તો પછી કોર્ટ કયા ધોરણને આધારે નિર્ણય લે તે પણ મહત્વનું બની જાય છે.
ધર્મ અને અધિકાર ટકરાવ
સુનાવણી દરમિયાન મુખ્ય ચર્ચા એ મુદ્દે કેન્દ્રિત રહી કે જો કોઈ ધાર્મિક પ્રથા વ્યક્તિના મૂળભૂત અધિકારો સાથે ટકરાય તો પ્રાથમિકતા કોને આપવી. દલીલો એવી દિશામાં આગળ વધી કે ધર્મિક પરંપરા અને બંધારણીય હકો વચ્ચેનું સંતુલન કોર્ટને નક્કી કરવું પડે છે કે નહીં, અને જો કરે તો તેની મર્યાદા શું હોવી જોઈએ. સરકાર તરફથી રજૂઆતમાં પણ આ જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે ‘constitutional morality’ એક સ્પષ્ટ અને માપી શકાય તેવી બાબત નથી, તેથી કોર્ટએ ધાર્મિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
કેસનો મૂળ સંદર્ભ
આ સમગ્ર ચર્ચાનો આધાર સબરિમલા કેસ સાથે જોડાયેલો છે, પરંતુ હવે કોર્ટ આ મુદ્દાને માત્ર એક મંદિર કે એક પરંપરા સુધી સીમિત રાખવા માંગતી નથી. સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું કે આ નિર્ણય દેશભરના અન્ય ધાર્મિક મુદ્દાઓ માટે પણ માર્ગદર્શન બની શકે છે. એટલે હવે પ્રશ્ન માત્ર એટલો નથી કે કોઈ પરંપરા સાચી કે ખોટી, પરંતુ એ છે કે બંધારણ અને ધર્મ વચ્ચેની લાઇન ક્યાં ખેંચાય.
આગળ શું નિણર્ય
હાલ સુનાવણી ચાલુ છે અને કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી, પરંતુ કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા એ દિશામાં ઈશારો કરે છે કે આ કેસનો પરિણામ દૂર સુધી અસર કરનાર બનશે. ધર્મ, કાયદો અને વ્યક્તિગત અધિકાર વચ્ચેનું સંતુલન કેવી રીતે બેસાડવું તે હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે.








