નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત (Western Disturbance Impact in Gujarat) માં ઠેકઠેકાણે ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની હાલત વધુ કપરી બની છે. રાજ્યભરના ખેડૂતોને ઓછાવત્તા અંશે માવઠાના કારણે ખેતીમાં નુકસાન થયું છે. સોમવારે ભારે પવન સાથે આવેલા માવઠાએ ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના માણસા એપીએમસી (APMC Market Mansa) ના વેપારીઓને આર્થિક નુકસાનમાં ધકેલી દીધા છે.
આણંદ જિલ્લા (Anand District) ના ચાર તાલુકામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેતરમાં કાપેલી તમાકુના પાન ઉડી ગયા હતા. વરસાદનું પાણી તમાકુના પાન પર પડતાં તે કાળા પડી જતાં ભાવ નહીં મળવાની ચિંતા વ્યાપી છે. દેશી કેરીના આંબા પરથી કેરી ગળી જતા નુકસાનની સંભાવના છે. ચિકોરીનો પાક (Chicory Crop) પલળી જતાં માલની ગુણવત્તા પર સીધી અસર પડશે. આ ચિકોરીમાંથી કૉફી બને છે. જ્યારે તૈયાર થયેલા ઉનાળુ ડાંગરનો પાક પવનના કારણે પડી જતાં નુકસાનની સંભાવના વર્તાઈ રહી છે. સોજિત્રા વિસ્તારમાં કેળના પાકને પણ નુકસાન થયું છે. કઠોળના પાકને પણ નુકસાન થયું છે.
કમોસમી વરસાદે ફક્ત ખેડૂતોને નુકસાન નથી પહોંચાડ્યું. માવઠાના કારણે માણસા APMC Market માં વેપારીઓને પણ લાખોનું નુકસાન થયું છે. માણસા APMC માર્કેટમાં સોમવારે અચાનક વરસેલા વરસાદથી અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટમાં વેચાણ માટે લવાયેલા અને વેપારીઓએ ખરીદેલા ઘઉં અને એરંડાની આશરે 30 હજાર બોરીઓ પાણીમાં તણાઈ જતા વેપારીઓને પણ લાખોનું નુકસાન થયું છે.








