જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Story Inside: અમદાવાદમાં (Ahmedabad) અગાઉ લૂંટની અનેક ઘટના પ્રકાશમાં આવી છે; પરંતુ તાજેતરમાં જ લૂંટના પ્રયાસની એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં લૂંટનો પ્રયાસ કરનારાની નિયત તો ખોટી જ હતી; પરંતુ એનું દિલ ઇમાનદારીથી ભરેલું હતું. આ વાત છે બહુચર્ચિત મણિનગરની લૂંટ અને ફાયરિંગની ઘટનાની ((Maninagar Loot and Firing Case) .
15મી ઓગસ્ટના રોજ અમદાવાદનાં મણિનગરમાં એક ફાયરિંગની ઘટના સામે આવી હતી. રજાનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો બજારમાં ખરીદી કરવા અને ફરવા માટે નીકળ્યા હતા. જોકે મણિનગરના જાહેર રસ્તા પર બંદૂક લઈને દોડતા માણસને જોઈને બધા જ ભયભીત થઈ ગયા હતા. કારણ કે, આ માણસની પાછળ કેટલાક અન્ય લોકો પણ દોડતા હતા અને ચોર… ચોર…ની બૂમો પાડી રહ્યા હતા. બંદૂક લઈને દોડી રહેલા માણસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું, છતાં તેનો પીછો કરી રહેલા ટોળાએ આ માણસને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધો. હાથમાં બંદૂક લઈને દોડી રહેલો માણસ કોણ હતો અને આવું એણે શું કામ કર્યું? જાણીએ સમાચાર પાછળની સમગ્ર ઘટના વિગતવાર.
હાલ મણિનગર પોલીસની (Maninagar Police) કસ્ટડીમાં દેખાઈ રહેલા આરોપીનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે. લોકેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો વતની છે. એ જયપુરની ભવાની કોલેજમાં એન્જિનિઅરિંગનો અભ્યાસ કરતો હતો. પરંતુ અભ્યાસના ત્રીજા વર્ષ દરમિયાન લોકેન્દ્રસિંહને ટેરિટોરીયલ આર્મીમાં નોકરી મળી જતાં 2018માં અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. ત્યારબાદ કર્ણાટકના બેલગામમાં તેણે એક વર્ષની તાલીમ લીધી હતી અને તાલીમ બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરજ પર બજાવતો હતો. ટેરિટોરીયલ આર્મીમાં બ્રેક લીધા બાદ એ પરત પોતાના વતન રાજસ્થાનમાં આવ્યો હતો.
આ દરમિયાન લોકેન્દ્રસિંહે 12 લાખ રૂપિયાની બેંકલોન લીધી હતી. જેની ભરપાઈ કરવા માટે લોકેન્દ્રસિંહ પાસે પૈસા ન હોવાથી એણે પૈસા કમાવવાનો શોર્ટ રસ્તો વિચાર્યો હતો. જેના માટે સૌથી પહેલા લોકેન્દ્રસિંહે યુટ્યૂબમાં બેંક લૂંટવા માટેના કેટલાક વિડિયો જોયા. પરંતુ લોકેન્દ્રને સમજાયું કે બેંકમાં સિક્યૂરિટી ગાર્ડ અને ગ્રાહકો હોય, જેથી એક માણસ બેંક લૂંટી શકે નહીં. જેથી પ્લાન બદલીને કોઈ જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ કરવાનો વિચાર કર્યો. લોકેન્દ્રસિંહ એવી જ્વેલર્સની દુકાનની શોધમાં હતો; જ્યાં લૂંટ કરવાથી તેને 12 લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી જાય.
આવી જ્વેલર્સની દુકાન માટે તેણે સૌથી પહેલા દિલ્હીનો વિચાર કર્યો. પરંતું દિલ્હીમાં લોકોની વધુ પડતી અવરજવર અને શહેર ખૂબ ભરચક હોવાના કારણે પકડાઈ જવાની બીકે દિલ્હીમાં લૂંટ કરવાનું માંડી વાળ્યું. ત્યારબાદ તેણે પાડોશી રાજ્ય ગુજરાતની પસંદગી કરી અને ટ્રેન મારફતે 15મી ઓગસ્ટે રાજસ્થાનથી અમદાવાદના કાલુપર રેલવેસ્ટેશને આવી પહોંચ્યો. અમદાવાદમાં તેણે ખોખરા વિસ્તારમાં આવેલી ‘હેપી સ્ટે’ હોટલમાં રોકાણ કર્યું.
અમદાવાદ આવીને લોકેન્દ્રસિંહ આખો દિવસ કાંકરિયા વિસ્તારમાં ફર્યો. ત્યારબાદ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે ગૂગલનો સહારો લીધો અને તેના પર જ્વેલર્સની દુકાનો સર્ચ કરવા લાગ્યો. તેના ધ્યાનમાં મણિનગરમાં રામબાગ ચાર રસ્તા પાસે આવેલી ‘વૃંદાવન’ નામની જ્વેલર્સની દુકાન આવી. જેમાં લૂંટ કરવા માટે તેણે પ્લાન કર્યો.
જ્વેલર્સની દુકાન નક્કી કર્યા બાદ રાત્રે આઠ વાગ્યાની આસપાસ વૃંદાવન જ્વેલર્સે પહોંચી ગયો. સી.સી.ટી.વી. કેમેરાથી બચવા લોકેન્દ્રસિંહે મોઢાં પર કાળો રૂમાલ બાંધી દીધો અને જ્વેલર્સની દુકાનમાં બંદૂક લઈને પહોંચી ગયો. એ સમયે દુકાનમાં એક જ માણસ હાજર હતો. તેને બંદૂક બતાવીને લોકેન્દ્રસિંહે પૈસાની માગણી કરી. દુકાનમાં રહેલો માણસ પણ બંદૂક જોઈને ગભરાઈ ગયો.
એ માણસ દુકાનનો માલિક જ હતો. તેણે બચવા માટે પ્રતિકાર કર્યો અને બુમાબુમ કરી મૂકી. જેથી દુકાનનો બીજો કર્મી પણ આવી ગયો. એ વોશરૂમમાં ગયો હતો. લોકેન્દ્રસિંહ પાસે બંદૂક હતી જ; જો તે ઇચ્છે તો બંનેને ગોળી મારીને લૂંટ કરી શકતો હતો. પરંતુ તેને માત્ર પોતાની લોન ભરપાઈ કરવાની ચિંતા હતી, જેથી ગોળી ચલાવવા કરતાં સ્થળ પરથી ભાગી જવાનું નક્કી કરીને એ જાહેર રસ્તા પર બંદૂક લઈને દોડવા લાગે છે.
આ સ્થળ પર એક ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો શો–રૂમ હતો. વળી નજીકમાં જ જાણીતી L.G હોસ્પિટલ પણ આવેલી છે. જેથી ત્યાં લોકોની ભારે અવરજવર હતી. જ્વેલર્સના માલિકે ચોર-ચોરની બુમો પાડતાં લોકેન્દ્રસિંહની પાછળ ટોળું દોડ્યું હતું. જોકે લોકેન્દ્રસિંહે ટોળાથી બચવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. તેમ છતાં ટોળાએ લોકેન્દ્રસિંહનો પીછો કરીને ઝડપી પાડ્યો અને મણિનગર પોલીસના હવાલે કરી દીધો.
આ મામલે લૂંટ અને હથિયાર સહિતની કલમ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના મામલે પોલીસે લોકેન્દ્રસિંહની પુછપરછ શરૂ કરી. જેમાં લોકેન્દ્રસિંહે લોન અંગેની તમામ વિગતો પોલીસને જણાવી અને શા માટે અમદાવાદ આવ્યો હતો તથા બનાવ બન્યા સુધીની તમામ હકીકત પણ પોલીસને જણાવી.
તપાસ દરમિયાન લોકેન્દ્રસિંહે પોલીસને એ પણ જણાવ્યું કે, “મારે તો માત્ર 12 લાખ રૂપિયાની જ જરૂર હતી. મેં જે લોન લીધી છે તેની ભરપાઈ કરવા માટે જ જોઈતા હતા. કદાચ હું લૂંટ કરવામાં સફળ રહ્યો હોત અને મારી પાસે 12 લાખથી વધુ રકમ આવી જાત; તો પણ હું લોનના 12 લાખ રૂપિયા ભરીને બાકીની રકમ હું જ્વેલર્સનાં પ્રાગંણમાં મૂકી દેત.”
નોંધઃ નવજીવન ન્યૂઝ કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતું નથી. આ સમાચારનો હેતુ માત્ર પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત આપના સુધી પહોંચાડવાનો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796