નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Umesh Pal murder case: સાબરમતી જેલમાં (Sabarmati Jail)બંધ અતીક અહેમદને (Atique Ahmed) ઉમેશ પાલ હત્યા કેસ મામલાની તપાસ માટે ઉત્તર પ્રદેશ લઈ જવા UP પોલીસ (UP Police) અમદાવાદની સાબરમતી જેલ ખાતે પહોંચી છે. તાજેતરમાં જ અતીક અહેમદને કોર્ટમાં હાજર રાખવા માટે અતીકને લઈ જવામાં આવ્યો હતો. આ સમયે એન્કાઉન્ટરની આશંકાઓ વચ્ચે મીડિયાના વાહનનો કાફલો પણ પોલીસ સાથે પ્રયાગરાજ (Prayagraj) સુધી ગયો હતો. ત્યારે ફરી એકવાર પ્રિઝરવાન સાથે અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રયાગરાજ લઈ જવાશે. અતીકને અગાઉની માફક ફરી બાયરોડ પ્રયાગરાજ લઈ જઈ ઉમેશ પાલ હત્યા કેસ મામલે પોલીસ તપાસ કરશે
ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદને (Gangster Atiq Ahmed) સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સુરક્ષાના કારણોસર પ્રયાગરાજની નૈની જેલમાંથી અમદાવાની સાબરમતી સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP- MLA કોર્ટમાં રજૂ કરાયો હતો. જે કેસમાં કોર્ટે અતીકને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ફરી અતીકને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
મહત્વની છે કે અતીકને સાબરમતી જેલમાં આજીવન કેદની સજા બાદ હાઈ સિક્યોરીટી સેલમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના ગુનેગારો સાથે રાખવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સવારના અરસામાં UP પોલીસ ફરી એકવાર ઉમેશ પાલ હત્યા કેસ મામલે મુખ્ય આરોપીની ભૂમિકાની તપાસ માટે અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે આવી હતી. હાલ STFની ટીમ અતીકને લઈ જવા માટે લગભગ પુરી તૈયારી કરી ચૂકી હોવાના અહેવાલ છે. માટે આજે જ અતીકને યુપી લઈ જવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અતીક અહેમદ ઉત્તર પ્રદેશથી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યો છે. તેમજ અતીકનો ઈથિહાસ પણ ગુનાહિત રહ્યો છે. જેમાં ખંડણી સહિત 150 જેટલા ગુના તેના પર દાખલ થયેલા છે.








