પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): આપણે ત્યાં બાળકને સ્કૂલમાં મુકવાની ઉમંર પાંચ વર્ષની છે, હમણાં જે બાળકો સ્કૂલમાં જઈ રહ્યા છે કદાચ તેમના માટે સ્લેટ શબ્દ એકદમ અજાણ્યો છે કદાચ તેમણે સ્લેટ જોઈ જ નથી, મારી પેઢીના લોકો અને મારા બાળકો સુધ્ધાએ સ્લેટ ઉપર બારાખડી અને એકડો ઘુંટયો છે, પણ આપણું મન પણ સ્લેટ જેવું હોય છે, જેમ આપણે આપણે સ્લેટ ઉપર લખતા ગયા અને ભુસતા ગયા અનેક વખત આપણે ખોટું લખ્યું અને ખોટું લખવાને કારણે આપણા શિક્ષક અને મા બાપની સોટી પણ ખાધી હતી અને સાચુ શું અને ખોટું શું છે તેની આપણને ખબર પડી, પરંતુ આપણે જીવનને થોડું સમજતા થયા તે પહેલા આપણી મનની સ્લેટ ઉપર અનેક લોકો અનેક બાબતો લખી ગયા જે આપણને સાચુ માની લીધુ અને જેના કારણે મનની સ્લેટ ઉપર લખેલુ ભુંસી ફરી લખવાનો આપણને કયારેય વિચાર આવ્યો જ નહીં. આપણું મન આપણું છે આપણા મનની સ્લેટ ઉપર જે લખ્યું છે તે આપણું પોતાનું હોવુ જોઈએ.
આપણી જે ધારણા, આપણો મત આપણી ગ્રંથીઓ મોટા ભાગની આપણી હોતી નથી, આપણા મનની સ્લેટ ઉપર આપણી જાણ બહાર આપણા ઘરના સભ્યો, આપણા મિત્રો અને આપણે જેમની સાથે રહીએ છીએ તેવા આપણા જ નજીકના લખી જાય છે, હવેનો તબ્બકો બહુ નાજુક છે કારણ આપણે વાંચવાનું અને સમજવાનું ઓછું કરી દીધું છે. તેનું કારણ આપણી જાણ બહાર સોશીયલ મીડિયા આપણા જીવન અને મન ઉપર હાવી થઈ ગયું છે, પહેલા આપણા મનની સ્લેટ ઉપર કોઈક નજીકનું લખતું હતું, હવે સોશીયલ મીડિયા આપણો મત નક્કી કરે છે, આપણે આપણા જીવનની સમસ્યા અને તેનો ઉત્તર શોધવા માટે સોશીયલ મીડિયાનો ટેકો લઈએ છીએ અને સોશીયલ મીડિયા હવે આપણા મનની સ્લેટ ઉપર લખવા માંડયુ છે, જેના કારણે આપણું મન કલુષીત થવા લાગ્યું છે, આ સ્થિતિમાં આપણે બીજા ઉપર શંકા અને ગુસ્સો કરવા લાગ્યા છીએ કારણ આપણામાં ભરોસાની તંગી ઉભી થઈ છે.
પોતાની ઉપર ભરોસો કરવો બહુ જરૂરી છે. આપણને પોતાની ઉપર ભરોસો નથી એટલે આપણે બીજા ઉપર ભરોસો કરી શકતા નથી, આવુ થવાનું કારણ આપણા મનની સ્લેટ ઉપર એટલુ બધુ લખાઈ ગયું છે જેના કારણે મનની સ્લેટને વાંચવા જઈએ તો બધુ ગરબડયુ વંચાય છે, જેના કારણે આપણુ મન અસ્પષ્ટ થઈ ગયુ છે, મોટા ભાગના લોકોની સ્થિતિ એવી છે કે પહેલા તો શુ કરવુ તેની ખબર નથી જેના કારણે મનમાં અસંતોષનો જન્મ થાય છે, આપણે પાસે જે છે અને આપણે જે મેળવ્યુ છે તેનાથી આપણને અસંતોષ છે આપણે કઈક વધારે મેળવવા માંગીએ છીએ પણ શું જોઈએ છે તેની પણ ખબર નથી એટલે આપણું મન સતત ભટકતું રહે છે કયારેક આપણને લાગે છે આ કરીશ તો મઝા આવશે, કયારેક લાગે છે પેલુ કરીશ તો સારૂ લાગશે પણ બધુ જ કર્યા પછી પાછું લાગે છે કે મઝા આવતી નથી, એટલે મનમાં એક પ્રકારનો કચવાટ રહે છે .
આપણે આપણા મનને સમજવું પડશે, સૌથી પહેલા આપણી જાણ અને ઈચ્છા બહાર આપણા મનની સ્લેટ ઉપર જે લખાયું છે તેને ભુંસી નાખવુ પડશે અને આપણી મનની સ્લેટ ઉપર આપણને પસંદ છે તેવું ચિત્ર- તેવો નિબંધ અને કવિતા લખવી પડશે આપણને ગમતુ સ્વર્ગ આપણું પોતાનું હોવુ જોઈએ, કોઈના સુખના સ્વર્ગમાં આપણે રહેવું નથી, આપણે કેવી જીંદગી જોઈએ છે તે આપણે નક્કી કરવાની છે કોઈની જીંદગીની નકલ પણ કરવાની નથી અને કોઈને કેવી જીંદગી ગમશે તેવું વિચારી આપણે આપણી જીંદગીને આકાર આપવાનો નથી, જે છે તે આપણું પોતાનું હોવુ જોઈએ જેના માટે એક શબ્દ છે સ્લેફ ક્રીએશન, જો આપણી મનની સ્લેટ ઉપર આપણે પોતે જ લખેલુ હશે તો આપણી જીંદગી પણ આપણી ઈચ્છા પ્રમાણેની હશે, આ આખી પ્રક્રિયામાં આપણે પોતાની સાથે જ વાત કરવી પડશે શરત એટલી કે કઈ પણ છુપાવ્યા વગર પોતાની સામે જ પોતાને ખુલ્લા મને કહેવું પડશે.
સંભવ છે કે પોતાના મનની સ્લેટ ઉપર પોતાનું ગમતુ ચિત્ર દોરતી વખતે ચિત્ર બગડી જવાનો પણ ડર છે પણ કઈ વાંધો નહીં ભુલ થવાની પુરી શકયતા છે ભુલ તો આપણે રોજ કરીએ છીએ, પણ આપણે દિવસ દરમિયાન શું ભુલ કરી તો રાત્રે સુઈ જતી વખતે આપણે ચેક કરતા નથી, જયારે આપણી શરત અને આપણને પસંદ જીંદગીને ઘડવાની શરૂઆત કરીએ ત્યારે આપણે, સેલ્ફ કરેકશન પણ કરવું એટલુ જરૂરી હોય છે જો સેલ્ફ કરેકશન કરીશું નહીં તો રોજ ભુલ ઉપર ભુલ દોહરાતી રહેશે આપણા મનની સ્લેટ ઉપર આપણે જે લખ્યું તે સાચુ છે કે ખોટું તે તપાસનાર પરિક્ષક પણ આપણે બનવુ પડશે અને જો આપણે જેને સાચુ માનતા હતા તે ખોટું લાગે તો તેને ભુંસી નાખવામાં સંકોચ પણ રાખવો જોઈએ નહીં. આપણે ત્યાં સેલ્ફ કરેકશનની તાલીમ મળતી નથી એટલે આપણા મનમાં એક પ્રકારની બરડતા આવી જાય છે અને સમય સાથે બદલાવ કરવા આપણે તૈયાર જ થતાં નથી અને આપણા મનની સ્લેટ ઉપર જે લખાયુ છે તે જ લખાણ આપણે બીજાના અથવા આવનાર પેઢીના મનની સ્લેટ ઉપર લખી નાખીએ છીએ.
![]() |
![]() |
![]() |











