પેપર સિલ્વર સોદાના રોકાણકારો સોદા પોઝિશનનું પૂન:મૂલ્યાંકન કરવા ઉતાવળા થયા
પેપર ટ્રેડરો માનતા થઇ ગયા છે કે, તેમના હાથમાં રહેલી ફિઝિકલ ચાંદી, તેના ભાવનું સાચુ મૂલ્યાંકન દાખવતી નથી
લંડન સામે ચીનમાં હાજર ચાંદીના ભાવમાં વિક્રમ 8/10 ડીલરના પ્રિમિયમ
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : લોકોનો કાગળિયા નાણાંમાં વિશ્વાસ ઉઠી જાય ત્યારે તેઓ એવી અસ્ક્યામતની શોધમાં નીકળી પડે છે, જ્યાથી તેને પ્રિન્ટ ના કરી શકાય. આ વર્ષે ચાંદીના ભાવમાં 165 ટકાનો ઉછાળો આવ્યો તે એવા સંકેત આપે છે કે હજુ મોટી તેજી ધરબાયેલી પડી છે. તમેં જુઓ આજે 1 ઔંસ ફિઝિકલ (હાજર) ચાંદી સામે, સિલ્વર ઇટીએફ, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ જેવી (ઈલેક્ટ્રોનિક) પેપર અસ્ક્યામત ટ્રેડિંગનો રેશિયો 408નો છે, આ તારણ અમેરિકન ડેટ ક્લોક એ કાઢ્યું છે. ટૂંકમાં 1 ઔંસ ફીઝીકલ ચાંદી સામે 408 ઔંસના પેપર સોદા થયા છે. એનાલિસ્ટો ચાંદીની વર્તમાન છંમ્ક છલ્લું ઉછળકૂદ સામે ચેતવણી આપી રહયા છે. પુરવઠા અછત અને માંગનું ગણિત અસ્તવ્યસ્ત થઇ જવાને પગલે ભાવમાં આવડું મોટું પરિવર્તન આવ્યું છે. પેપર માર્કેટમાં આવેલી આવડી મોટી પ્રવાહીતાએ ચાંદીની જબબર પુરવઠા અછત ખુલ્લી પાડી દીધી છે.
મોટા ભાગના ટ્રેડરો હવે એવું માનતા થઇ ગયા છે કે, તેમના હાથમાં રહેલી ફિઝિકલ ચાંદી, તેના ભાવનું સાચુ મૂલ્યાંકન દાખવતી નથી. ખાસ કરીને ચીનમાં તો હાજર ચાંદી ખરીદવા માટે જબરું પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ જોઈને જગતભરના સંસ્થાગત રોકાણકારો, પેપર સિલ્વર સોદાના વાસ્તવિક મૂલ્યને શોધવા અને સોદા પોઝિશનનું પૂન:મૂલ્યાંકન કરવા ઉતાવળા થયા છે. તેઓ ફિઝિકલ ચાંદી પુરવઠા અછત જોઈને, કાઉન્ટર પાર્ટી (વળતા સોદા લેનાર કે વેચનાર) સોદાના સામે ઉભા થયેલા જોખમથી ખુબ ચિંતિત બન્યા છે. તેઓ હવે પેપર માર્કેટની પ્રવાહિતા અને લીવરેજ (જોખમ) હળવું કરવા સોદા ફેંકી દેવાની ઉતાવળ કરવા લાગ્યા છે. પરિણામે સોમવારે હાજર ચાંદી એક તબક્કે પ્રતિ ટ્રોય ઔંસ (31.10347 ગ્રામ) ભાવ 83.98 ડોલર ની ઐતિહાસિક ઊંચાઈએ ઇન્ત્રાડેમાં પહોંચી ગયા બાદ મંગળવારે એશિયન બજારમાં ભાવ 71.17 ડોલરે ટ્રેડ થયો હતો. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં, ચાંદીના ભાવ 25.25 ટકા વધ્યા હતા, આથી નફો બુક કરવાનો સમય પણ પાકી ગયો હતો.
ભાવ 83.98 ડોલરની ઊંચાઈએ પહોંચવાનું એક કારણ, ચીનમાં ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ માંગમાં ઉછાળો આવ્યો તે પણ હતું. ચીને 2024માં મેક્સિકો પછી વિશ્વમાં બીજા નંબરે 3300 ટન ચાંદીનું ઉત્પાદન કર્યું હતું. ત્યાર પછીના ઉત્પાદક અને સપ્લાયર તરીકે પેરુ, ઓસ્ટ્રેલિયા, ચીલી, અમેરિકા, બોલિવિયા, અને રશિયાનો નંબર આવે છે. અમેરિકાની તુલનાએ ચીન ત્રણ ગણું વધુ ચાંદી ઉત્પાદન કરે છે. લંડનના ભાવ સામે ચીનમાં હાજર ચાંદીના ભાવ, વિક્રમ 8/10 ડીલરના પ્રિમિયમ તફાવતથી બોલાય છે. અલબત્ત, ચાંદીના ભાવમાં 10 ટકાનું ગાબડું એ ફેબ્રુઆરી 2021 પછીની આ એક દિવસીય ઘટના છે.
1979 પછીની આ પહેલી એવી ઘટના છે, જેમાં ચીને ચાંદી નિકાસ પર પ્રતિબંધ મૂકીને મોટી તેજીનું ઉંબાડિયું કર્યું હતું. રિચ ડેડ પૂઅર ડેડ પુસ્તકના લેખક કિયોસાકી કહે છે કે સોના ચાંદીના રોકાણકારો માટે અત્યારે સુવર્ણ દિવસો ચાલે છે, પણ જેઓ કાગળિયું નાણું લઈને બઠા છે, તેમના માટે વર્તમાન બજારમાં ખરાબ સમાચાર છે. ફેક કરન્સી હાથમાં રાખવાથી મૂલ્ય ગુમાવી રહી છે, 70/80 ડોલર ચાંદીના ભાવ મારા માટે ચિંતાનો વિષય છે, પણ તે અર્થતંત્રમાં છેલ્લા પાંચ વર્ષના સૌથી ઊંચા ફુગાવાના સંકેત પણ આપે છે. કિયોસાકી ચાંદીના ભાવની આગાહી બમણી કરીને કહે છે કે ફેક ડોલર, ખરીદ શક્તિ સતત ઘટાડી રહ્યો છે, એ જોતા તેઓ 2026માં ચાંદીના ભાવ 200 ડોલર થવાની આગાહી કરી રહયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ વર્તમાન વર્ષે 154 ટકા વધ્યા છે, બીજી તરફ વૈશ્વિક બજારની સાથે, સ્થાનિક મુંબઈ બજારમાં હાજર ચાંદી અત્યાર સુધીમાં 167 ટકા વધીને કિલો દીઠ રૂ. 2,35,000 ચાલી રહયા છે.
કોયોસાકી તો ત્યાં સુધી કહે છે કે વ્યાજ કપાત અને હળવી નાણાંનીતિ, મૂળભૂત રીતે વધુ નાણાં છાપી નાખવા સરકારને લીલી ઝંડી આપે છે. તેથી તેઓ માને છે કે આ એક વધુ પડતા ઊંચા ફુગાવાનો વેપાર શરુ કરવાના સંકેત છે. આમ સોના અને ચાંદીમાં લાંબાગાળાની તેજીની સાયકલ શરુ થઇ ગઈ છે. સમયાંતરે ચાંદીના ભાવ 100 ડોલર વટાવી જશે, એવું એનાલિસ્ટો માનવા લાગ્યા છે. આમ થાય તો ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોના સામે ખરીદ શકાતી ચાંદી) વધુ નીચે જવાની સંભાવના વધી ગઈ છે. જે તમને ફિઝિકલ ચાંદી હાથવગી રાખવા માટે આગોતરા સંકેત આપે છે. ચીને જે ગોબાચારી કરી છે, તેના લીધે તો જાગતિક માંગ પુરવઠાની ભયકંર અસમતુલા સર્જાઈ છે. એક તરફ ઇન્વેસ્ટમેન્ટ અને ઔદ્યોગિક ગ્રાહકોની ફિઝિકલ ચાંદીની માંગ વેગથી વધી રહી છે બીજી તરફ વૈશ્વિક સિલ્વર ખાણ ડિપોઝિટમાં ઘટાડો થવા લાગ્યો છે.
કોમેક્સમાં અત્યારે 10,119 કોન્ટ્રેકટ (506 લાખ ઔંસ) ડિલિવરી માટે ઉભા છે. શક્ય છે કે આ બધા ઉભા ઓળિયા સુલટાવા, પડદા પાછળ સાટાદોઢા રમાય છે, ઓળીયા કાપવા મોટી કિંમત આપવી કે સોદાને રોલઓવર કરવા. તેની માથામણ ચાલી રહી છે. જેપી મોર્ગન જેવી બેન્કને 134 લાખ ઔંસ ડિલિવરેબલ સોદા સરભર કરવાના છે, જોવાનું એ છે કે આ સોદા ડિલિવરી કે નોન-ડિલિવરેબલ ગણી કાપવામાં આવશે કે નહિ. બજારમાં એવી અફવા છે કે આ સોદા જ હવે પછી હાજર ચાંદીની પુરવઠા અછતને વધુ વકરાવે છે કે નહિ તે પણ દાખવશે. ઐતિહાસિક રીતે પણ ચાંદી એ નાનકડી સટ્ટાકીય કોમોડિટી છે. વર્ષો સુધી શાંત બેસી રહયા પછી હવે કોઈએ કલ્પના પણ ના કરી હોય તેવા ઊંચા ભાવે સોદા થવા લાગ્યા છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જયારે ચાંદી, તેજીની ભેખડે ભરાય ત્યારે મોટા અવાજ સાથે બૂમ પાડતી હોય છે. બજારમાં અત્યારે એવી હવા ચાલી રહી છે કે કેટલાય ટ્રેડરો, જેઓ સોદા સાંભળી નથી શકતા, સિંગાપુર એકસચેન્જમાં સ્થળાંતરિત થઇ રહયા છે. યાદ રાખો અત્યારની બધીજ અફવાઓ કઇંકને કૈક સંકેત આપતી હોય છે, પણ તમારે ખુબ સાવચેતી પૂર્વક આકલન કરીને સોદા ગોઠવવાના છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








