અરવલ્લી(જય અમીન. નવજીવન ન્યૂઝ): ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ કર્મચારીઓ જ હવે બુટલેગર બની બેઠા હોવાની ચોંકાવનારી ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. શામળાજી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને અંકલેશ્વર SRP ગ્રુપ-૧૦ના જવાનને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ વિદેશી દારૂનું કટિંગ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે અને ખાખી પર વધુ એક વખત કલંક લાગ્યું છે.

મળતી વિગતો મુજબ, શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ પોપટ કાળા ભરવાડ અને અણસોલના ભણાતફળીમાં રહેતા સુરેશ ઉર્ફે મામુ રણછોડ નિનામાએ તેના ઘરના વરંડામાં અને રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. આ દારૂનું કટિંગ કરી તેને સ્વિફ્ટ કારમાં ભરવામાં આવી રહ્યો હતો, ત્યારે જ બાતમીના આધારે LCB પોલીસની ટીમે ત્રાટકીને ખેલ પાડી દીધો હતો. પોલીસની રેડ પડતા જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. એલસીબીએ ઘટનાસ્થળેથી કોન્સ્ટેબલ પોપટ કાળા ભરવાડ અને સ્વિફ્ટ કાર લઈને આવેલા SRP જવાન રાહુલ ઉર્ફે જયેશ લીલા દેસાઈ (SRP ગ્રુપ-૧૦, અંકલેશ્વર) ને દબોચી લીધા હતા. જોકે, અણસોલનો બુટલેગર સુરેશ નિનામા અને ધનસુરાનો કુખ્યાત બુટલેગર રાહુલ દામજી વાળંદ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.
મુદ્દામાલની વિગત: પોલીસે રેડ દરમિયાન ૩.૭૫ લાખની કિંમતનો વિદેશી દારૂ, સ્વિફ્ટ કાર અને રિક્ષા સહિત કુલ ૧૦.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને ખાખીધારી બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારની ચર્ચા: રાજસ્થાન સરહદ નજીક હોવાથી શામળાજી પંથકમાં દારૂની હેરાફેરી અટકાવવી એ મોટી પડકાર છે, પરંતુ અહીં તો પોલીસ જ દારૂના ધંધામાં ભાગીદાર બની રહી છે. સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે કે, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પકડાયેલો દારૂ સરકારી ચોપડે નોંધવાને બદલે બારોબાર બુટલેગરોને પધરાવી દેતા હોય છે. એક તરફ નિષ્ઠાવાન અધિકારીઓ દારૂબંધી માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવા પોલીસકર્મીઓને કારણે પ્રામાણિક જવાનોએ શરમજનક સ્થિતિ અનુભવવી પડી રહી છે. હાલ પોલીસે ફરાર થયેલા અન્ય બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








