એક વર્ષમાં ચાંદીએ ૪૦.૫ ટકા સમૃધ્ધ વળતર આપ્યું સોનાએ ૩૩.૫ ટકા
૨૦૨૩મા ૬૫૪૦ લાખ ઔંસ ચાંદીની ઔધ્યોગિક માંગે અગાઉના તમામ વિક્રમો તોડી નાખ્યા
ચાંદીના ભાવ ૪૦ ટકા વધુ હોવા છતાં ભારતમાં માંગ ઉછળીને ૩૦થી ૩૫ ટકાએ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગત ધનતેરસથી અત્યાર સુધીમાં ચાંદીએ (Silver)૪૦.૫ ટકાનું સમૃધ્ધ વળતર આપ્યું છે, સોનાએ ૩૩.૫ ટકા. આમ પણ છેલ્લા બે વર્ષથી સોના (Gold) કરતાં ચાંદી વધુ વળતર આપી રહી છે. કેડિયા એડવાઈઝરીસના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે અમે આગામી ત્રણ વર્ષ માટે સોના કરતાં ચાંદીમાં વધુ તેજી જોઈ રહ્યા છીએ. ભૂભૌગોલિક સમસ્યા, યુધ્ધ, વેગથી વધી રહેલી પુરવઠા અછત, ઇલેક્ટ્રિક વહીકલ, સોલાર પેનલ અને ફોટોવૉલટીકની ઝડપી ઔધ્યોગિક માંગ જેવા ફંડામેન્ટલ્સને ધ્યાનમાં લેતા આગામી બે-ત્રણ વર્ષમાં, આપણે ચાંદીને ૭૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ને ટચ કરવા, દોડ લગાવતા જઈશું.
વધતાં ફુગાવાને એડજસ્ટ કરવા સપ્તાહ દર સપ્તાહ સોનું નવી નવી ઐતિહાસિક ઊંચાઈ ધારણ કરી રહ્યું છે, પણ ચાંદીએ હજુ સુધી સામાન્ય તેજીનો પથ કંડારવાનું શરૂ નથી કર્યું. અને ફુગાવાનું હેજિંગ (સલામતી) પણ નથી આપી રહી. દરમ્યાન ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદી) હજુ પણ, ઐતિહાસિક ઊંચાઈ આસપાસ ૧:૮૪ જેટલો વધુ છે. આ સૂચવે છે કે સોનાની તુલનાએ ચાંદીનું મૂલ્ય ઐતિહાસિક રીતે પણ ઓછું છે.
અહી સવાલ એ થાય છે કે રોકાણકારોએ હજુ પણ ચાંદીમાં રોકાણ શા માટે કરવું જોઈએ? ચાંદીને કીમતી ધાતુ ગણીને રોકાણકારોમાં સૌથી વધુ વેપાર થાય છે. વર્તમાનમાં ચાંદીને કરન્સી મૂલ્ય પ્રાપ્ત થયું છે, સાથે જ તેને ઐતિહાસિક રીતે સંગ્રહ મૂલ્ય પણ પ્રાપ્ત થવા લાગ્યું છે. અલબત્ત, સોના કરતાં ચાંદીને નબળી ધાતુ ગણવામાં આવે છે, પણ રોકાણકારો હવે તેને વૈવિધયકૃત રોકાણ પોર્ટફોલિયોમાં સામેલ કરતાં થયા છે. તેઓ માને છે કે ચાંદીને પણ કીમતી ધાતુ ગણીને ફુગાવા સમયના હેજ તરીકે ગણવામાં આવે છે.
તાજેતરમાં મિયામી ખાતે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન અને લંડન પ્લેટિનમ એન્ડ પેલેડિયમ માર્કેટના સંયુક્ત નેજા હેઠળ મળેલી ગ્લોબલ પ્રેસિયસ મેટલ કોન્ફરન્સમાં, ચાંદીની વૈશ્વિક બજારમાં તંદુરસ્તી કેવી છે, તેનું માપ કાઢવામાં આવ્યું હતું. એવું નક્કી થયું હતું કે જાગતિક સપ્લાય અને માંગ બંને ચાંદીને ટેકો આપે છે. છેલ્લા ત્રણ વર્ષથી એક તરફ ચાંદી ખાણનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, બીજી તરફ માંગ ઝડપથી વધી રહી છે, આ વર્ષે પણ આ જ સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
પુરવઠા સ્થિતિની વાત કરીએ તો એનાલીસ્ટો ખાણ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે ૨૦૧૬મા તેની સર્વોચ્ચ ઊંચાઈએ હતું. હાલમાં ચાંદીના સ્ક્રેપ પ્લાય સ્ત્રોત સૌથી વધુ છે. છેલ્લા કેટલાંક વર્ષથી ઔધ્યોગિક ચાંદી માંગ નવી નવી ઊંચાઈ સર કરવા લાગી છે. ૨૦૨૩મા ચાંદીની ઔધ્યોગિક માંગે ૬૫૪૦ લાખ ઔંસ, અગાઉના તમામ વિક્રમો તોડી નાખ્યા હતા. ૨૦૨૪મા આથી વધુ માંગની ધારણા રાખવામાં આવી છે. મેટલ ફોકસ કહે છે કે અમેરિકામાં ઔધ્યોગિક માંગ આસમાને ગઈ છે, સોલાર એનર્જીની માંગ જ આ વર્ષે નવા વિક્રમ સર્જાશે.
ગત વર્ષ કરતાં ચાંદીના ભાવ ૪૦ ટકા વધુ હોવા છતાં, ભારતમાં માંગ ઉછળીને ૩૦થી ૩૫ ટકાએ ગઈ છે. ઇંડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે રોકાણકારોને હવે સંજાવા લાગ્યું છે કે ચાંદીમાં રોકાણ કરવાથી વાસ્તવમાં વધી વળતર મળી શકે છે. ભારતમાં ચાંદીની આટલી મોટી માંગ અમે પહેલી વખત જોઈ રહ્યા છીએ, અમે તેના આંકડા મેળવવાનું શરૂ કરી દીધું છે.
સુરેન્દ્ર મહેતા કહે છે કે ગત ધનતેરસની મોસમમાં સોનાની માંગ ૪૨ ટન જોવાઈ હતી, જે આ વર્ષે ૧૫ ટકા ઘાટીને ૩૫થી ૩૬ ટન થયાનો અંદાજ છે. અલબત્ત, સોનાના ભાવ ૩૦ ટકા જેટલા વધ્યા તે પણ માંગ ઘટાડનું એક કારણ છે. સોનાના ભાવમાં અસામાન્ય તેજી આવાવને લીધે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે ભારતમાં સોનાની માંગ છેલ્લા ચાર વર્ષમા સૌથી ઓછી જોવા મળી રહી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796