કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): તમિલ સિનેમામાં (Tamil Cinema) નાયકની ભૂમિકા ભજવતો જોસેફ વિજય ચંદ્રશેખર જે ‘થાલપથી વિજય’ના નામથી ઓળખાય છે તેની ચર્ચા આજકાલ માત્ર દક્ષિણ ભારતમાં નહીં, બલકે દેશભરમાં ચર્ચા જગાવી છે. દક્ષિણની ફિલ્મ જોનારા સૌ કોઈ ‘થાલાપથી વિજય’ને ઓળખતા હશે. તે અભિનેતા છે અને ગાયક તરીકે પણ તેણે પોતાની જાતને સ્થાપિત કરી છે. અત્યાર સુધી તેણે 68 ફિલ્મોમાં કામ કર્યું છે અને પચાસ વર્ષની આયુમાં તેણે ત્રણ દાયકા ફિલ્મીદુનિયામાં વીતાવ્યા છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં થાય છે તેમ વિજય પણ હાલમાં રાજનીતિમાં પ્રવેશ્યો છે. તેની પાર્ટીનું નામ છે : ‘તમિલનાડુ વિક્ટરી ફેડરેશન’. તમિલ ભાષામાં તેનું નામ ‘તમિલગા વેત્રી કાઝગમ’ (Tamilaga Vettri Kazhagam) છે. આ પાર્ટીની સ્થાપના આઠ મહિના અગાઉ થઈ હતી અને તેના એક્ટિવ સભ્યોની સંખ્યા આ દરમિયાન પચાસ લાખ સુધી પહોંચી ચૂકી છે. 2026માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં વિજય આ તમામ બેઠકો પર લડશે. આઠ મહિનામાં આટલી મોટી સંખ્યા ઊભી કરનારા વિજય જમીની સ્તરે પણ લોકોને જોડી શકે છે, તેનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેની પાર્ટીના પ્રથમ મેળાવડામાં દસ લાખ જેટલાં લોકો સામેલ થયા. આ લોકો માત્ર ને માત્ર વિજયના નામે એકઠા થયા હતા. ન તેઓને અહીં ખેંચી લાવવા માટે નાણાંની લાલચ આપવામાં આવી, ન તો ફૂડ પેકેટ. બસ, વિજયનું નામ આવ્યું અને દસ લાખ લોકો એકઠા થયા. જોકે ઘણાં લોકો આ ભીડનો આંકડો પાંચ લાખનોય આપે છે. અત્યારે રાજકીય ગલિયારામાં વિજયની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે અને તેની અસર છેક દિલ્હી સુધી થઈ છે.

તમિલ સિનેમાના અભિનેતાઓની માત્ર દક્ષિણમાં નહીં, બલકે દેશભરમાં તેમની નામના રહી છે. આ અભિનેતાઓમાં કમલ હસન, રજનીકાંત, આર. માધવન અને વિજય સેતુપથીનું નામ લઈ શકાય. આ બધા અભિનેતાઓ તમિલ ફિલ્મની એન્ટ્રી બાદ હિંદી ફિલ્મોમાં પણ પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. પરંતુ આ તમામનો રેકોર્ડ તોડનાર ‘થાલાપથી વિજય’ છે. ‘થાલાપથી વિજય’એ હાલમાં ‘થાલાપથી 69’ નામની ફિલ્મ સાઇન કરી છે, તે માટે તેણે 275 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એવું કહેવાય છે કે કોઈ એક ફિલ્મ માટે ભારતમાં અભિનેતાએ કરેલી આ સૌથી વધુ ફીસ છે. ઘણી જગ્યાએ એવા પણ દાવા થયા છે કે પૂરા એશિયામાં કોઈ એક અભિનેતાએ એક ફિલ્મ માટે આટલી ફીસ મેળવી નથી. ‘થાલાપથી વિજય’ની રાજકીય પાર્ટીમાં સામેલ થયેલા લોકોની સંખ્યા અને તેણે ચાર્જ કરેલી રકમથી ખ્યાલ આવી શકે કે અભિનેતાની તામિલ સિનેમામાં કેટલી બોલબાલા હશે. જોકે એક રિપોર્ટ અનુસાર ‘થાલાપથી 69’નું પૂરું બજેટ 275 કરોડ રૂપિયા દર્શાવાયું છે!

‘થાલાપથી વિજય’નો પ્રોફાઇલ તપાસીએ તો તેના નામમાં ‘‘થાલાપથી’ ક્યાંય આવતું નથી; પણ તે નામથી ઓળખાય છે, તે તેના અર્થના કારણે. ‘થાલાપથી’નો અર્થ થાય છે ‘યંગ કમાંડર’. વિજયે મેળવેલી સફળતા અદ્વિતિય છે અને તેનું કારણ તેની અથાગ મહેનત છે, પણ તમિલ લોકોનો મળેલો અપાર પ્રેમ પણ છે. વિજયની ‘થુપ્પકી’, ‘કથથી’, ‘મેર્સલ’, ‘સરકાર’, ‘માસ્ટર’, ‘લિઓ’ અને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ નામની ફિલ્મો સફળ ફિલ્મોમાંની થોડીક છે. વિજયની આ સફરની શરૂઆત દસ વર્ષની ઉંમરે થઈ હતી, જ્યારે તે બાળભૂમિકામાં આવતો હતો. કેમેરા સામે એક્ટિંગ કરવું તેના માટે ખૂબ સરળ હતું અને તેનો લાભ તેને યુવાનવયે મળ્યો, જ્યારે તે એક સ્થાપિત અભિનેતા બન્યો. પરંતુ છેલ્લા એક દાયકામાં તેની ફિલ્મો પ્રોડ્યૂસર માટે સોનાનો ખજાનો બની ગઈ. અને માત્ર ને માત્ર ‘થાલાપથી વિજય’ને ધ્યાનમાં રાખીને ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવામાં આવી. ફિલ્મ કથાવસ્તુ કહેવાની કળા કરતાં બિઝનેસ વધારે છે અને જ્યારે વિજયની ફિલ્મોનો નફો સતત વધતો ગયો એટલે તેના પર રોકાણનો સ્કેલ સતત વધતો ગયો. તેના આધારે આખરે તે અત્યારે પોણા ત્રણસો કરોડના આંકડા પર પહોંચી ચૂક્યો છે. જોકે આ ફિલ્મ પછી તેણે સિનેમાની દુનિયાથી વિદાયની જાહેરાત કરી છે અને પૂર્ણ પણે તે રાજકીય દુનિયામાં પ્રવેશશે તેવું વિજયે જાહેર કરી કર્યું છે.
વિજયને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવાનો લાભ તેના પિતા એસ. ચંદ્રશેખરના કારણે મળ્યો, જેઓ પોતે એક સફળ ડિરેક્ટર છે. તેમણે દક્ષિણ ભારતની સિત્તેરથી વધુ ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. વિજયની કારકિર્દીની ટેક ઓફ તેના પિતાએ કરાવ્યો પણ તે પછી વિજય લાર્જર ધેન લાઈફ બન્યો તેનું કારણ તે પોતે છે. એવું કહેવાય છે કે અત્યારે વિજયની કુલ નેટવર્થનો આંકડો પાંચસો કરોડની આસપાસ પહોંચ્યો છે. 2020માં તેના ઘરે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પણ પાડ્યા છે. વિજય પોતાની કેટલીક સંપત્તિ છુપાવી છે તેઓ તેના પર આરોપ છે.
વિજયે પોતાની પાર્ટીના મેળવડામાં વક્તવ્યમાં જે કહ્યું તેના કારણે પણ તેની અસર દિલ્હી સુધી થઈ છે. વિજયે વક્તવ્યમાં કહ્યું કે, તેની પાર્ટી ડાબેરી વિચારધારા ધરાવનારી પાર્ટી છે. કોર્ટમાં તમિલ ભાષાને માન્યતા મળે તે માંગણી પણ આ વક્તવ્યમાં થઈ. એટલું જ નહીં તેણે આવેલી ભીડ સામે લાગણીસભર થઈને કહ્યું કે હું મારું કરિયર છોડીને આવ્યો છું. ઉપરાંત તેણે ભાજપ સાથે વૈચારિક અને સ્થાનિક પક્ષ ડિએમકે સાથે રાજકીય વિચારભેદ હોવાનું પણ જણાવ્યું હતું. વિજયે એ પણ કહ્યું કે, ડીએમકેને સ્વાર્થી પાર્ટી છે. આ પાર્ટી અંડરગ્રાઉન્ડ ડિલ કરીને લોકોને લૂટી રહી છે. આ પાર્ટીનું જૂથ આવનારા દરેક વ્યક્તિને ભગવામાં રંગવા માંગે છે. તમિલનાડુના લોકો સદ્ભાવ અને એક થઈને રહે છે. પરંતુ આ લોકો બહુમતિ અને લઘુમતિમાં ભય જન્માવે છે. વિજયે તેના ત્રણ આદર્શોને આ વક્તવ્ય દરમિયાન યાદ કર્યા, તેમાં એક દ્રવિડયન આદર્શ ઇ. વી. રામાસ્વામી પેરિયાર, પૂર્વ મુખ્યમત્રી કે. કામરાજ અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર.
વિજયના પાર્ટીનું ઘોષણાપત્ર જોઈએ તો તેમાં મહદંશે મુદ્દા ભાજપની સામેના લાગે છે. વિજયની અત્યાર સુધીની છબિ સાફસુધરી રહી છે અને તેના ભાષણમાં લોકોની આશા દેખાઈ છે અને તે બીબાઠાળ રાજનીતિથી લોકોને મુક્ત કરાવવા માંગે છે. પરંતુ છેલ્લા રાજકીય પક્ષોનો આ ઇતિહાસ રહ્યો છે, તેના સ્થાપકો પ્રજાહિતની વાત કરતા હતા, અને તે પછી જ્યારે જમીની સ્તરે તે પક્ષોનું કાર્ય જોઈએ તો મહદંશે તેમાં પ્રજાની બાદબાકી થાય છે. વિજયે જે ગ્રાન્ડ સ્કેલ પર રાજનીતિમાં આગમન કર્યું છે તેમાં પ્રજાહિત કરતાં પોતાની છબિને મોટી કરવાની વાત વધુ દૃશ્યમાન થાય છે.
વિજયે પોતાની આ છબિ બનાવી છે તેમાં ક્યાંય મીડિયાની ભૂમિકા આવતી નથી, કારણ કે ઘણાં વર્ષોથી વિજય મીડિયામાં ક્યાંય ઇન્ટરવ્યૂ આપ્યા નથી. બે વર્ષ પહેલાં જ્યારે દક્ષિણ ભારતની સન ટીવી પર વિજયની એક ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ થયો ત્યારે તેમણે કેટલાંક સવાલોના જવાબ આપ્યા હતા. એ પહેલાં તેમણે દસ વર્ષ અગાઉ થલૈયા નામની ફિલ્મ વેળાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પણ તે મુલાકાત દરમિયાન થયેલી વાતોથી તત્કાલીન તમિલનાડુ સરકાર અને કેટલાંક લોકો ખૂબ નારાજ થયા હતા. તે પછી વિજયે મુલાકાત આપવાનું હંમેશા ટાળ્યું છે. બે વર્ષ પહેલાં તેણે આપેલી એક મુલાકાતમાં તેમને પ્રથમ પ્રશ્ન એ પૂછાયો કે તમે આટલાં વખત સુધી ઇન્ટરવ્યૂ કેમ ન આપ્યાં? વિજયે જવાબ આપતાં કહ્યું કે, ‘એવું નથી કે હું ઇન્ટરવ્યૂ નથી આપવા માંગતો, પરંતુ મારા દસ વર્ષ પહેલાંના ઇન્ટરવ્યૂમાં મેં કેટલીક ગંભીર વાતો કહી હતી. એટલે ત્યારથી હું ચેતી ગયો છું.’ આ ઉપરાંત વિજયના ગુસ્સાને લઈને ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું હતું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, મને ગુસ્સો આવે છે પણ હું ક્યારેય તે દર્શાવતો નથી. આટલી મોટી સેલિબ્રિટીને જ્યારે ઇશ્વર વિશે સવાલ કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘હું ઇશ્વરમાં માનું છું અને ચર્ચની સાથે સાથે હું મંદિર અને દરગાહમાં પણ જવું છું. મારી માતા હિંદુ છે અને પિતા ઈસાઇ. મને કોઈએ ક્યારેય અહીં જાવ કે ત્યાં ન જાવ તેવું કહ્યું નથી અને હું મારા બાળકોને એ જ શીખવી રહ્યો છું’ થાલાપથી વિજયની એન્ટ્રીની નોંધ દિલ્હી સુધ્ધામાં લેવામાં આવી છે. એક વ્યક્તિ જ્યારે આટલી મોટી બની જાય ત્યારે તેણે એક સાથે અનેક આવરણો પોતાના ચહેરા પણ ચડાવવા પડે છે, વિજય પણ અત્યારે એમ કરી રહ્યો છે તેમ લાગે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








