કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):પળે પળે બદલાઈ રહેલા આજના સમયમાં કોઈ નવી વાત કે વિચાર મૂકવો પડાકરજનક છે; પણ આ પડકાર ઝીલીને ભવિષ્યવેતા યુવાલ નોઆ હરારી (Yuval Noah Harari) સહજતાથી સમયાંતરે નવી વાત-વિચાર મૂકતા રહ્યા છે. વિશ્વભરમાં યુવાલ નોઆ હરારી જાણીતું નામ છે. તેઓ મૂળ ઇઝરાયલના છે અને ઇઝરાયલ સ્થિત ‘હિબ્રૂ યુનિવર્સિટી’ના ઇતિહાસ વિભાગના અધ્યાપક છે. છેલ્લા એક દાયકાથી તેઓ પોતાના વિચારોથી દુનિયાને ચોંકાવી રહ્યા છે. 2011માં ‘સેપિયન્સ: અ બ્રિફ હિસ્ટરી ઓફ હ્યુમનકાઇન્ડ’, તે પછી ‘હોમો ડિઅસ : અ બ્રિફ હિસ્ટરી ઓફ ટુમોરો’ અને છ વર્ષ પહેલાં ‘21 લેસન્સ ફોર 21 સેન્ચુરી’ નામના તેમના પુસ્તકોને વિશ્વભરમાં લાખો વાચકો મળ્યા છે; અને તેમના પુસ્તકો ભારતની સ્થાનિક ભાષામાં સુધ્ધા અનુવાદિત થયા છે. વર્તમાન સમયને ટેક્નોલોજી અને રાજકરણ સંબંધે સમજવો હોય તો નોઆલ હરારી વિશ્વ પરિપ્રેક્ષ્યમાં રજૂઆત કરી શકે છે અને તેમાં તેઓ થોકબંધ માહિતી પીરસે છે. વિચાર-માહિતીને સાંકળીને તેઓ એ રીતે વાત રજૂ કરે છે કે, વિશ્વમાં થઈ રહેલાં ઝડપફેર પરિવર્તનને જાણી–સમજી શકાય. હાલમાં તેમનું ‘નેક્સસ : અ બ્રિફ હિસ્ટરી ઓફ ઇન્ફોર્મેશન નેટવર્ક્સ ફ્રોમ ધ સ્ટોન એજ ટુ એઆઈ’ નામનું પુસ્તક આવ્યું છે. પુસ્તકના નામ પરથી ખ્યાલ આવી શકે કે તેમાં માહિતી યુગનો ઇતિહાસ – પાષાણ યુગથી વર્તમાન ‘એઆઈ’-ના સમય સુધી સમાવિષ્ટ છે.
યુઆલ નોઆ હરારી આ પુસ્તકમાં જે દલીલ મૂકે છે તે અનુસાર ‘આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’[એઆઈ] દ્વારા માનવીય સભ્યતામાં ધરમૂળથી પરિવર્તન આવશે. તેમના મતે ‘એઆઈ’ ભાષા, સંસ્કૃતિ અને સમાજમાં ભેળસેળ કરશે. એટલું જ નહીં માણસના હાથમાંથી શાસન સરકીને આંકડા અને ગણતરીના ભયાનક પંજામાં ફસાઈ જશે. અહીં ‘એલ્ગોરિદમ’ની હૂકુમત હશે. જોખમ એ વાતનું છે કે ‘એઆઈ’માં વધુને વધુ રોકાણ થશે અને તે સરખામણીએ માનવીય લાગણીને ધ્યાને ઓછી લેવાશે. તદ્ઉપરાંત, વિકસિત ‘એઆઈ’ વ્યક્તિની પહેલાંથી જ રહેલી મૂર્ખતાને વધુ તાકાતવાન બનાવશે. ‘નેક્સસ’નો અર્થ જોડાણ થાય છે અને પુસ્તકમાં જે વાત થઈ છે તે માત્ર માહિતીના ઇતિહાસ સંબંધિત સાંકળ-જોડાણની નથી. બલકે, આજના યુગમાં ઝડપથી માહિતીનું નેટવર્ક પ્રસરી રહ્યું છે તે અતિજોખમી છે- તે સંબંધિત છે. ‘એઆઈ’ અને ડિજિટલ ટેક્નોલોજીના અન્ય સ્વરૂપ આપણી પર ઝડપથી લાદવામાં આવી રહ્યા છે. આખરે તે માહિતી ‘એલિયયન ઇન્ટેલિજન્સી’- એટલે કે ‘પરગ્રહવાસી બૌદ્ધિકક્ષમતા’ ધરાવનારી બની જશે; પરિણામે ટેક્નોલોજી માણસના અંકુશમાં નહીં રહી શકે.
એક મુલાકાતમાં યુવાલ નોઆ હરારીને એમ પૂછવામાં આવ્યું કે ‘નેક્સસ’ પુસ્તકની મૂળ વાર્તા શું છે? એ અંગે તેઓ કહે છે કે ‘આ પુસ્તકની પાયાની વાર્તા એવી છે કે માનવી ખૂબ જ હોશિયાર છે; તો આપણે કેમ મૂર્ખાની જેમ વર્તીએ છીએ? સ્વાભાવિક છે કે આપણે પૃથ્વી પરના સૌથી હોશિયાર પ્રાણી છીએ. આપણે વિમાન બનાવ્યું, એટમ બોમ્બ અને કમ્પ્યૂટર પણ બનાવ્યા. પણ હવે આપણે એ કગારે આવીને ઊભા છીએ કે આપણે જાતે જ આપણી જાતને નેસ્તનાબૂદ કરીએ. આપણી સભ્યતાને ખતમ કરીએ અને નિર્માણ પામેલી વ્યવસ્થાને નાશ કરીએ. આ વિરોધાભાસી ચિત્ર છે કે આપણે વિશ્વ વિશે અને દૂરસૂદર અંતરે આવેલા ગેલેક્સી વિશે અને માનવીના ડિએનએ વિશે જાણતા હોઈએ તો આપણે પોતાને નુકસાન પહોંચાડે તેવી અનેક બાબતો કેમ કરી રહ્યા છીએ? આ બાબતનો સર્વસામાન્ય ઉત્તર આપણને અઢળક પૌરાણિક કથાઓ અને ધર્મશાસ્ત્રોમાં મેળવતા રહ્યા છીએ; જો માનવી કશુંક ભયંકર ભૂલ કરે તો તેથી આપણે ઈશ્વર જેવા બાહ્ય આધારની જરૂર રહે, જે પોતાને સ્વથી બચાવશે. પરંતુ આ ઉત્તર ખોટો છે. આ જોખમી ઉત્તર પણ છે; કારણ કે તેનાથી આપણે જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ. તેનો સાચો ઉત્તર એ છે કે માનવી સાથે કશુંય ખોટું થયું નથી. ખરેખર સમસ્યા આપણી આસપાસની માહિતી છે. મહદંશે લોકો સારાં છે. તેઓ જાતને નુકસાને પહોંચાડે તેવા નથી. પરંતુ જો તમે સારાં લોકોને ખોટી માહિતી આપો તો તેઓ ખોટા નિર્ણય લેશે. આપણે ઇતિહાસમાં આ જોયું છે, આપણે વ્યાપક પ્રમાણમાં માહિતી એકઠી કરીને વધુને વધુ સારાં બનતા ગયા છીએ. આપણે વિશ્વ વિશે ઘણી બાબતથી પરિચિત છીએ. પરંતુ મોટા ભાગની માહિતી કામની નથી. માહિતી એ સત્ય નથી. માહિતીનું મુખ્ય કાર્ય જોડાણ કરાવવાનું છે. સમાજમાં માહિતીનું કાર્ય સરળતાથી લોકોને ધર્મથી, સંગઠનથી, સૈન્યથી જોડવાનું છે. માહિતી દ્વારા જોડાણ સાધવું તે સરળમાં સરળ માર્ગ છે. પણ તે તમને સત્ય સાથે જોડતું નથી.’
‘એઆઈ’ના ઇન્ફોર્મેશન નેટવર્ક દ્વારા સમાજ તેમાં બંધાઈ જશે તેવી અટકળો થઈ રહી છે અને તે સાચી છે કે ખોટી તે અંગે નોઆલ હરારી વિગતે વાત કરતા કહે છે : ‘આવું થશે તેમ માનવું આવશ્યક નથી. તે ટાળી શકાય. આપણે સાવચેત અને વિચારતા રહેવું પડશે. બીજું એ સમજવું જોઈએ કે તે માત્ર સાધન નથી, તે એજન્ટ્સ જેવું કામ કરે છે. એટલે જો આપણે સાવચેત નહીં રહીએ તો તે આપણા અંકુશમાં નહીં રહે. આ કંઈ એક સુપરકમ્પ્યૂટર નથી જે પૂરા વિશ્વ પર કબજો કરશે. પરંતુ શાળાઓ, ફેક્ટરીઓમાં અને સમગ્ર રીતે લાખો ‘એઆઈ’ એવા નિર્ણય લેશે, જે આપણે સમજી નહીં શકીએ.’
ઘણી વાર એવું પણ લાગે કે યુવાલ નોઆ હરારી આપણી સામે આભાસી દુનિયા ઊભી કરીને વધુ પડતાં ડરાવતા તો નથી ને? પણ એવું નથી તેઓ જે ભવિષ્યવાણી કરે છે તેનો અમલ કોઈને કોઈ રીતે વિશ્વમાં જોવા મળે છે. અને એટલે તેમણે લોકશાહી પર ‘એઆઈ’ના પ્રભાવ અંગે પણ પુસ્તકમાં વિગતે લખ્યું છે. તેઓ મુલાકાતમાં આ મુદ્દા પર વાત કરતા કહે છે ‘લોકશાહી વ્યાપક રીતે આપણી જવાબદારી નિર્ધારીત કરે છે. જવાબદારીનો આધાર નિર્ણય લેવાની ક્ષમતા પર છે. આ વાતને એક દાખલા દ્વારા સમજીએ. તમે લોન માટે બેન્કમાં અરજી મૂકો અને બેન્ક તમારી લોન નામંજૂર કરે ત્યારે તમે પૂછો છો ‘કેમ મને લોન નહીં મળે?’ અને બેન્ક પાસેથી ઉત્તર મળે છે : ‘અમે જાણતા નથી. અમારી પાસે રહેલી માહિતીના આધારે અલ્ગોરિદમ એવું કહે છે કે તમને લોન ન મળી શકે. અમે અમારી માહિતી પર વિશ્વાસ રાખીએ છીએ. લોકશાહીનું આ વિસ્તરેલું સ્વરૂપ છે. હજુ પણ આપણે ત્યાં ચૂંટણી થાય છે અને આપણે ઇચ્છીએ તે વ્યક્તિને ચૂંટીએ છીએ. પરંતુ જો માનવી તેના જીવનના કેટલાંક પાયાના નિર્ણયોને નહીં ઓળખી શકે તો કોઈની જ જવાબદારી નિશ્ચિત રહેશે નહીં.’’ યુવાલનો કહેવાનો અર્થ છે કે કોઈ વ્યક્તિને લોન ન મળે તે માટેની માહિતી તેની આસપાસમાંથી જ એકઠી કરીને મૂકાય છે.
યુવાલ એવું પણ કહે છે કે વીસમી સદીમાં રાજકીય બાબતોને સમજવી સરળ હતી, પણ એકવીસમી સદીમાં તે સમજવું સરળ નથી. કારણ કે હવે આપણું જીવન નિયંત્રિત કરવા અર્થે અમલદારો માત્ર નથી, બલકે નવું એલ્ગોરીદમ હશે. આપણે ‘હ્યુમન નેટવર્ક’થી ‘ઇનોઓર્ગેનિક નેટવર્ક્સ’ના સમયમાં પ્રવેશી ચૂક્યા છે. હરારી એમ પણ કહે છે કે, પ્રિન્ટિંગ પ્રેસ અને રેડિયોની દુનિયા ‘એઆઈ’ના સરખામણીએ ખૂબ મર્યાદિત જોખમો ધરાવનારી દુનિયા હતી. રેડિયોનો ઉપયોગ કોઈ પણ પ્રકારની વક્તવ્ય આપવા માટે કરવામાં આવતો, પરંતુ રેડિયો ક્યારેય વક્તવ્ય તૈયાર કરવા સુધી ન પહોંચ્યો. તે એક ‘પેસિવ ટૂલ’ હતું. તે કશુંય ઉત્પાદન ન કરી શકે, પરંતુ હવે ‘એઆઈ’નું કામ બિલકુલ વિપરીત છે. તે ન મત્રા કન્ટેન્ટ તૈયાર કર શકે છે બલકે તે પોતાના નિર્ધારીત ઉદ્દેશ્ય અર્થે નિર્ણય લઈને કન્ટેન્ટ નિર્માણ કરી શકે છે. હવે આ ટૂલ્સને અખબાર, રેડિયો, ટીવીની જેમ અવગણી ન શકીએ. તે સર્વત્ર છે. આના કારણે સર્વેલન્સ એટલું સરળ બની ચૂક્યું છે કે ખુદ લોકો જ જાસૂસી માટે તેમનો હાથો બની રહ્યા છે. લોકો પોતે પોતાના જીવનના બધા જ સ્વરૂપ આ ટુલ્સ દ્વારા ઉજાગર કરી રહ્યા છે.
યુવાલ નોઆ હરારી ભવિષ્યવેતા છે અને આ વાતો સંભવત્ સમજવામાં મુશ્કેલી લાગે, પરંતુ આવનારા સમયમાં આ વાતોનું મહત્ત્વ એટલું હશે કે જીવનની પાયાની આવશ્યકતા માટે સૌએ આ વાતો સમજવી પડશે. વ્યક્તિ પોતે એક ‘એઆઈ’ ટુલ ન બની જાય અને ‘એઆઈ’ તેમના પર લદાઈ ન જાય તેનું ધ્યાન સૌએ રાખવું પડશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796