નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સોમવારે ઉન્માદમાં આવી ગયેલા ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‘ના રચયિતા બંકિમચંદ્ર ચેટરજીના સ્થાને રવિન્દ્રનાથ ટાગોરનું નામ બોલીને જગદીશભાઈએ મોટો બફાટ કરતા વિવાદ (BJP Leader Jagdish Vishwakarma Sparks Row) થયો છે. જાહેરમાં થયેલી આ ભૂલને લઈને કૉંગ્રેસના નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ‘વંદે માતરમ્’ના નામે રાજનીતિ કરનારા ભારતીય જનતા પક્ષના નેતાના અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશની આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.
ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં મોટો ભાંગરો વાટતા વિવાદ સર્જાયો છે. વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્”ની રચના કરી હતી. હકીકતમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પર આકરા પ્રહાર કરતાં કૉંગ્રેસ નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે, “સૌપ્રથમ તો જગદીશ વિશ્વકર્મા પાસેથી વારંવાર આવા બફાટની જનતા અપેક્ષા જ રાખી રહી છે, એટલે આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમની બોલવાની શૈલી પર ઘણાં વિવેચનો થયા છે. મુખ્ય વાત એ છે કે, જે ભાજપ સમગ્ર દેશમાં ‘વંદે માતરમ્’ ગીત પર રાજનીતિ કરતી હોય, તેના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈને એ જ નથી ખબર કે તેની રચના કોણે કરી (Controversy over the authorship of the Vande Mataram song) હતી.








