Wednesday, November 18, 2026
HomeGujaratદિનેશ બાંભણિયાએ ના લીધું હાર્દિક પટેલનું નામઃ 'હું, અલ્પેશ, વરુણ સહીતના આનંદીબેનની...

દિનેશ બાંભણિયાએ ના લીધું હાર્દિક પટેલનું નામઃ ‘હું, અલ્પેશ, વરુણ સહીતના આનંદીબેનની માફી માગવા UP જવા પણ તૈયાર’

- Advertisement -

Anandiben Patel Patidar Andolan Dinesh Bambhaniya statment Anar Patel CM Gujarat: 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના રાજકીય નિવેદનો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટના જસદણ સ્થિત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે 16 નવેમ્બરે સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય સખી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાટીદાર આંદોલનના આગેવાન દિનેશ બાંભણિયાએ જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું તેનો તેમને આજે પણ વસવસો છે. બીજી તરફ અનાર પટેલે જણાવ્યું હતું કે તેમની માતા આનંદીબેનના મનમાં કોઈના માટે કશું નથી અને તેઓ ટૂંક સમયમાં દિનેશ બાંભણિયાની મુલાકાત કરાવશે. જોકે આ સમગ્ર મામલામાં તેમણે રંજ વ્યક્ત તો કર્યો અને પોતે વરુણ પટેલ અને અલ્પેશ સહિતના આંદોલનકારીઓ આનંદીબેન પટેલની માફી માગવા માગીએ છીએ અને જો તે સમય આપે તો તે ઉત્તરપ્રદેશ જઈને પણ માફી માગશે તેવી વાત કરી હતી, પણ અહીં સૂચક રીતે આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલનું નામ તેમણે કેમ ના લીધું તે સવાલ સહુના મનમાં ઊભો થયો હતો.

જાહેર મંચ પર પોતાની લાગણી વ્યક્ત કર્યા બાદ દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં તેઓ માત્ર એક જ વખત પાટણના કાર્યક્રમમાં આનંદીબેન પટેલને થોડા સમય માટે મળ્યા હતા. ત્યારે તેમણે આનંદીબેનને કહ્યું હતું કે, ‘બેન, તમે મારાથી નારાજ જરૂર હશો.’ જોકે, આનંદીબેને જવાબ આપ્યો હતો કે તેઓ તેમનાથી નારાજ નથી. બાંભણિયાએ કહ્યું કે આજે તેમને આ બાબતનો ચોક્કસ રંજ છે અને તેમણે અનાર પટેલને આનંદીબેન પાસે માફી માગવા માટે સમય અપાવવાની વિનંતી કરી છે. આનંદીબેન ગુજરાત આવે ત્યારે અથવા તો તેઓ ઉત્તર પ્રદેશ જઈને પણ માફી માગવા તૈયાર છે. જો સમય મળશે તો તેઓ અલ્પેશ, વરુણ સહિત અનુકૂળતા ધરાવતા અન્ય આંદોલનકારીઓ સાથે જઈને માફી માગશે. જોકે જ્યારે મીડિયાએ હાર્દિક પટેલને બાંભણિયાના આ નિવેદન પર સવાલ કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો.

- Advertisement -

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ આંદોલન કોઈને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા માટેનું નહોતું. દિનેશ બાંભણિયાએ કરેલી ટિપ્પણી તેમની અંગત ટિપ્પણી છે. આ આંદોલનને કારણે ઘણા લોકોને અનામત મળ્યું છે, EWS ના કારણે સમાજના કેટલાય લોકોને ફાયદો થયો તે લોકો જાણે છે. ફરી કહું છું આ આંદોલન કોઈને હટાવવાનું નથી. પાટીદાર અનામત આંદોલન એ સમાજના હિત માટે હતું અને એ બાબતનો કોઈ રંજ નથી.

બાંભણિયાએ સમારોહમાં કહ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી આ બાબતે વિચારી રહ્યા છે. પાટીદાર આંદોલનથી સમાજને 10 ટકા અનામત, EWS અને યુવાનોને નોકરી જેવી બાબતોમાં લાભ મળ્યો છે, પરંતુ આ આંદોલન દરમિયાન એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા તેનો તેમને આજે પણ અફસોસ છે. તેમણે કહ્યું હતું કે આવા સારા મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવા માટે આંદોલનકારીઓ એક બહાનું બન્યા હતા. શું કારણ હતું અને આનંદીબેનને શા માટે હટાવવામાં આવ્યાં તે સૌ જાણે છે, પરંતુ તેમને આ બાબતનું દિલથી દુઃખ છે.

તેમણે સામાજિક મંચ પરથી સમાજના લોકોને સંદેશ આપતાં કહ્યું હતું કે રાજકીય અસ્તિત્વ અને રાજકીય પ્રતિનિધિત્વ માટે અલગ-અલગ રીતે વિચારણા થતી હોય છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન સમાજે જે ભોગવ્યું છે અને ભવિષ્યમાં પણ જે મુશ્કેલીઓ આવી શકે છે, તેનો ભોગ સમાજ ન બને તે માટે તકેદારી રાખવી જરૂરી છે. પાટીદાર આંદોલનમાં સમાજના લોકોએ ભારે મહેનત કરી હતી અને લાઠીચાર્જ સહિતની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેના પરિણામે 10 ટકા અનામતની જોગવાઈ થઈ અને આજે તેના કારણે સમાજના ઘણા લોકો અધિકારી બન્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

સમારોહમાં અનાર પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આંદોલન દરમિયાન તેમના ઘરે સમાજની સેવા અંગે ચર્ચા થતી હતી. સમાજને ક્યારે તેમની સેવાની જરૂર પડે તે કહી શકાય નહીં, તેવી વાત થતી હતી. અનાર પટેલે જણાવ્યું હતું કે તેમના 35 વર્ષના જીવનમાં તેમણે દરેક સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, પરંતુ જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે તેમને લાગ્યું હતું કે હવે તેમના પોતાના સમાજને તેમની જરૂર છે અને તેમણે એ દિશામાં આગળ વધવું જોઈએ. આ વિચાર ચાલી રહ્યો હતો ત્યારે નરેશભાઈનો ફોન આવ્યો હતો. દિનેશ બાંભણિયાની માફી માગવાની ઇચ્છા અંગે તેમણે કહ્યું હતું કે તેઓ તેમને ખાસ વિનંતી કરશે કે કોઈ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી, કારણ કે તેમની માતા આનંદીબેનના હૃદયમાં કોઈના માટે કશું નથી. તેઓ ટૂંક સમયમાં બંનેની મુલાકાત કરાવશે.

આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યાં તેનો સમાજના તમામ લોકોને રંજ છે અને પાટીદાર સમાજના દીકરા તરીકે તેમને પણ દુઃખ છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાટીદાર આંદોલન આનંદીબેન પટેલની વિરુદ્ધ નહોતું, પરંતુ સમાજની માંગણીઓ અને લાગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે હતું. વસોયાના મતે આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવા પાછળ આંદોલન નહીં, પરંતુ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હતો. કોઈ પણ આંદોલનકારીના મનમાં આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાનો વિચાર નહોતો.

આ નિવદન પછી પાટીદાર નેતાઓએ પોત પોતના મતો વ્યક્ત કર્યા હતા.

- Advertisement -

SPG ના પૂર્વ પ્રવક્તા અને પાટીદાર અગ્રણી વરુણ પટેલ કહ્યું કે…

https://x.com/varunpateloffic/status/2122587878790443151

https://x.com/varunpateloffic/status/2122587878790443151

લાલજી પટેલ (SPG અધ્યક્ષ) એ શું કહ્યું?

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular