Saturday, September 19, 2026
HomeGujaratગુજરાતના CM નું વધતું જતું કદ પાર્ટીના કદાવર નેતાઓને પણ ચુપ કરી...

ગુજરાતના CM નું વધતું જતું કદ પાર્ટીના કદાવર નેતાઓને પણ ચુપ કરી દેતું | શતરંજ-33

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-33, નવજીવન ન્યૂઝ): ગુરૂવારનો દિવસ હતો. ઍરપૉર્ટથી લઈ પાલડી સુધી રસ્તા ઉપર ઠેર ઠેર પોલીસ હતી. પાલડી ઝવેરી હૉલમાં કિરણ ત્રિવેદીનું બેસણું રાખવામાં આવ્યું હતું. સવારથી કાર્યકર અને મતદારો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા. કિરણના જે મતદારો હતા, તે પૈકી સાઠ ટકા મતદારોને ખુદ કિરણ નામથી બોલાવતા હતા. તેમના બેસણામાં જે સંખ્યા આવી રહી હતી, તે અમર ઠાકોર અને ગોવિંદરાય મહેતા માટે એક પ્રકારની ચિંતાનો વિષય હતી, કારણ કે કિરણની લોકપ્રિયતા કોઈ પણ હરીફ રાજકારણીને ખટકે તેવી હતી. ઝવેરી હૉલ બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ હતી. દેશી જનતા પાર્ટીના કાર્યકરો પણ આવી રહ્યા હતા. અમદાવાદ ઍર ટ્રાફિક કંટ્રોલરે દિલ્હી અને કાનપુરથી આવતાં વિમાનોને લૅન્ડિંગની પરમિશન આપી દીધી હતી. અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ફરજ ઉપરના સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીએ તરત ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમને દિલ્હી અને કાનપુરથી આવી રહેલા મહાનુભાવોની જાણકારી આપી. તરત તેનો સંદેશો મુખ્યમંત્રીના બંગલાના સુરક્ષા-અધિકારીઓને પણ મળી ગયો અને મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતાનો રસાલો, અમદાવાદ પાલડી તરફ જવા રવાના થયો. ઍરપૉર્ટની બહાર પણ પ્રોટોકૉલ પ્રમાણે પોલીસની પાયલોટ કારો ઊભી હતી, ગાંધીનગરથી મુખ્યમંત્રી નીકળ્યા છે તેવી સૂચના અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને મળતાં સાબરમતીથી પોલીસની વૉર્નિંગ કાર પાલડી તરફ સાઇરન વગાડતી નીકળી હતી. મુખ્યમંત્રી ઉપર થનાર આતંકવાદી હુમલાને ધ્યાનમાં લઈ તેમને જે પ્રકારની સુરક્ષા ફાળવવામાં આવી હતી, તેમાં વૉર્નિંગ કારનો પણ સમાવેશ થતો હતો. આ કાર ફરજ ઉપરના પોલીસ-અધિકારીઓને સાવચેત કરતી હતી કે મુખ્યમંત્રીનો કાફલો આવી રહ્યો છે, તેથી જ્યાંથી પણ આ કાર પસાર થાય તેને જોડતા તમામ ચાર રસ્તાઓ પોલીસ-વાહન વ્યવહાર માટે બંધ કરાવી દેતા હતા.

ઍરપૉર્ટથી નીકળેલા મહાનુભાવો પણ પાલડી તરફ જઈ રહ્યા હતા. લગભગ પંદરવીસ મિનિટ સુધી આશ્રમ રોડનો ટ્રાફિક થંભી ગયો હતો. ઍરપૉર્ટથી કાફલો ઝવેરી હૉલ પહોંચી ગયો હતો. કેટલાક કાર્યકરો બેસણામાં જઈ આવ્યા હતા. તે ગોવિંદરાયની એક ઝલક જોવા માટે અને જો નસીબ હોય તો મુખ્યમંત્રીની નજર આપણી ઉપર પડી જાય તેવી ઇચ્છા સાથે પણ હૉલની બહાર ઊભા હતા. બેસણામાં કિરણની પત્ની કેતકી, પુત્ર મુશ્કાન અને પરિવારના સભ્યો હતાં. મુખ્યમંત્રી ગોવિંદરાય ઝવેરી હૉલ પહોંચતાં તેમણે ત્યાં હાજર પાર્ટીના સિનિયર નેતાને રાજાભાઉ પહોંચ્યા કે નહીં તે અંગે પૂછ્યું. રાજાભાઉ નજીકમાં જ હતા. તેઓ પાર્ટીના સિનિયર માર્ગદર્શક હતા અને કાનપુરમાં તેમના આદેશનું કોઈ ઉલ્લંઘન કરી શકતું ન હતું. ગોવિંદરાય પણ ગંભીર ચહેરે તેમની રાહ જોવા લાગ્યા. ત્યાં પાઇલોટ કાર આવી અને પાછળ રાજાભાઉની કાર આવી. ગોવિંદરાય પોતે કાર સુધી ગયા અને તેમણે રાજાભાઉ બેઠા હતા તે તરફનો દરવાજો ખોલ્યો. ત્યાં હાજર લોકો મુખ્યમંત્રીની નમ્રતા જોઈ ગદ્ગદિત થઈ ગયા. આ જ તો મુખ્યમંત્રીની ખાસિયત હતી. જેવા રાજાભાઉ કારમાંથી નીચે ઊતર્યા કે તરત તેમણે ઉચ્ચ પોલીસ-અધિકારીઓ અને લોકોની મેદની વચ્ચે રાજાભાઉને નમીને ચરણ સ્પર્શ કર્યા. તેમણે તેમના માથા ઉપર હાથ મૂક્યો. થોડાં પગલાં ચાલીને તે રાજાભાઉનો હાથ પકડી તેમને હૉલ તરફ લઈ ગયા. જેવું ફોટોગ્રાફરોનું ફોટોસેશન પૂરું થયું તેની સાથે તેમણે હાથ છોડી દીધો. આ રીતે મુખ્યમંત્રી કરસનજી પટેલને પણ જાહેરમાં પગે લાગતા હતા. પછી તેમનો કાંટો એટલી સિફતપૂર્વક કાઢી નાખ્યો કે ખુદ કરસનજીને પણ તેની ખબર પડી નહીં.

- Advertisement -

હૉલની વચ્ચોવચ કિરણ ત્રિવેદીની મોટી તસવીર હતી. બેસણામાં આવેલા લોકો, ફોટા ઉપર ફૂલો ચઢાવી રહ્યા હતા. હૉલમાં દાખલ થતાં મુખ્યમંત્રી થોડા ખસી ગયા. તેમણે રાજાભાઉને આગળ જવાની સૂચના આપી. રાજાભાઉએ પહેલાં કેતકી અને પછી મુશ્કાનને વંદન કર્યાં, પછી કિરણના ફોટા ઉપર ફૂલો ચઢાવ્યાં, પછી મુખ્યમંત્રીએ પણ તે જ પ્રમાણે કર્યું. પછી બંને નેતાઓ કેતકીની બાજુમાં બેઠા. ગોવિંદરાયે બાજુમાં બેઠેલા મુશ્કાનનો હાથ પકડી કંઈ પણ બોલ્યા વગર તેને આશ્વાસન આપ્યું. મુશ્કાનને થતું હતું કે તે પોતાનો હાથ છોડાવી લે પણ તે તેવું કરી શક્યો નહીં. કદાચ તેને લાગ્યું કે આ યોગ્ય સમય નથી. દસ મિનિટ પછી બંને નેતાઓ વંદન કરી ઊભા થયા ત્યારે ગોવિંદરાયની નજર કેતકી તરફ ગઈ. બંનેની આંખો મળી. ગોવિંદરાયે તરત પોતાની નજર હટાવી લીધી. કારણ કે આજે કેતકીની નજર કંઈક જુદું જ કહી રહી હતી. ગોવિંદરાયને લાગ્યું કે, તેની નજરમાં જાણે ગોવિંદરાય જ ખૂની હોય તેવો ભાવ હતો.

બંને નેતાઓ ત્યાંથી નીકળી અમદાવાદ સર્કિટહાઉસ તરફ રવાના થયા. મુખ્યમંત્રી અને રાજાભાઉ બંને એક જ કારમાં હતા. સર્કિટહાઉસ પહોંચ્યા પછી રાજાભાઉને મુખ્યમંત્રીએ કેવી રીતે આ બન્યું, શું બન્યું, પોલીસની તપાસમાં કઈ કઈ બાબતો આવી છે તેની જાણકારી આપી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોર પણ હાજર હતા. જોકે તે સાક્ષીભાવે બધું સાંભળી રહ્યા હતા. અડધા કલાકના રોકાણ પછી રાજાભાઉ પાછા કાનપુર જવા રવાના થયા ત્યારે તેમને ઍરપૉર્ટ સુધી મૂકવા માટે અમર ઠાકોર તેમની સાથે હતા. જોકે રાજાભાઉ કંઈક વિચારમાં હતા. કિરણ ત્રિવેદીની હત્યાએ તેમને વિચારતા કરી મૂક્યા હતા. થોડા મહિના પહેલાં જ કિરણે તેમને ગોવિંદરાયના કથિત ભ્રષ્ટાચારની ફાઈલ મોકલી હતી, જે અંગે તેમણે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. જોકે અમર ઠાકોર અને ઉદ્યોગપતિ નૌતમ ભાલાણી તેમને મળી ગયા પછી તેમણે લગભગ કિરણની ફરિયાદ ઉપર સાંભળવાનું બંધ જ કરી દીધું હતું. આ સંજોગોમાં કિરણની હત્યા થવી ઘણી બધી શંકાઓ ઉત્પન્ન કરતી હતી, પણ હમણાં તેમની પાસે કોઈ આધાર ન હતો, તેમજ ગોવિંદરાયનું પાર્ટીમાં જે રીતે કદ વધી રહ્યું હતું તે જોતાં રાજાભાઉ પાસે મૌન રહેવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો.

શુક્રવારનો દિવસ હતો. વછરાજાનીએ જતાં પહેલાં કેતકીને ફોન કરી દીધો હતો. તેણે ઘરે આવવાની પરવાનગી આપી હતી, એટલે વછરાજાની, દિનેશ નાયર અને વિનય તોમર તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરનું વાતાવરણ હજી ગમગીન હતું. કિરણની હત્યાને હજી પાંચ જ દિવસ થયા હતા. ઘરમાં કિરણના ફોટો સામે દીવો સળગતો હતો. કેતકી સફેદ સાડીમાં હતી. મુશ્કાન પણ સફેદ લેંઘા-ઝભ્ભામાં હતો. ઘરનો નોકર પાણી લઈ આવ્યો. પણ બધા જ અધિકારીઓએ ના પાડી. વછરાજાનીને સૂજતું ન હતું કે કઈ રીતે વાતની શરૂઆત કરવી. કેતકીને તેનો ખ્યાલ આવી ગયો હતો. કેતકી મંત્રીની પત્ની રહી ચૂકી હતી. તેના ઘરે અનેક મોટા નેતાઓ અને પોલીસની અવરજવર રહેતી હતી, તેના કારણે તેના મનમાં સંકોચ કે ડર ન હતો, તેણે સામેથી કહ્યું : “બોલો સાહેબ, શું વાત કરવાની છે?” વછરાજાનીને થોડી રાહત થઈ કે વાત થઈ શકશે. તેઓ સોફામાં થોડા આગળ થયા. તેમણે કહ્યું, “અમારી તો તપાસ ચાલુ છે, પણ તમને કંઈ ખબર હોય, કોઈના તરફથી ધમકી મળતી હોય, અથવા કોઈની તરફ શંકા હોય તો મને કહેશો.” કેતકી કંઈ જવાબ આપે તે પહેલાં જ મુશ્કાને વછરાજાની સામે જોતાં પૂછ્યું, “સાહેબ, અમે જેનું નામ આપીશું તેની પૂછપરછ કરવાની હિંમત છે?” કેતકીએ તરત મુશ્કાનના પગ ઉપર હાથ મૂકતાં તેને વાળ્યો. વછરાજાની સહિતના બધા જ અધિકારીઓ સમજી ગયા હતા કે મુશ્કાન નામ લીધા વગર કોના અંગે વાત કરી રહ્યો છે. વછરાજાનીએ મુશ્કાન સામે જોઈ કહ્યું : “જો બેટા, ખાલી શંકા કરવાથી કંઈ થાય નહીં. જેણે પણ કર્યું છે અને કરાવ્યું છે તેના સુધી અમે જવા માગીએ છીએ. પણ તે અંગે મજબૂત પુરાવા જોઈએ. કારણ કે કોર્ટ લાગણીઓ ઉપર ચાલતી નથી.” કેતકીએ તરત કહ્યું, “જુઓ ઑફિસર, આ બધી મને પણ ખબર છે. મારે કોઈનાં નામ આપવાં નથી, કારણ કે મને ખબર પણ નથી. તેમને કોઈએ ધમકી આપી હોય તેવું મારા ધ્યાનમાં પણ નથી. પણ એટલું જરૂર કહીશ કે જે રીતે તેમના રાજકીય પ્રૉબ્લેમ ચાલી રહ્યા હતા તે તમારા ધ્યાનમાં હશે જ. તેને પણ તમારી તપાસનો ભાગ બનાવશો તેવી મારી વિનંતી છે.”

- Advertisement -

પછી એકદમ શાંતિ છવાઈ ગઈ. વછરાજાનીને હતું કે કદાચ કોઈ અંગત કારણ પણ હત્યા પાછળનું હોઈ શકે. પણ તેવું કંઈ મળ્યું ન હતું. છેલ્લા પંદર દિવસમાં કિરણને મળવા માટે કોણ કોણ ઘરે આવ્યું હતું, તેમનાં નામ પૂછ્યાં હતાં. કેતકી જેટલાને ઓળખતી હતી અને યાદ હતા તેમનાં નામ પણ તોમરે નોંધી લીધાં હતાં, કોઈની ઉપર શંકા થાય તેવું એક પણ નામ કેતકી તરફથી મળ્યું ન હતું. લગભગ એકાદ કલાક બેસી ત્રણે ઑફિસરો નીકળી રહ્યા હતા, ત્યારે દરવાજામાં પહોંચ્યા પછી વછરાજાનીએ એક મિનિટ માટે રોકાઈને પૂછ્યું , “તમે કોઈ કરિશ્મા શાહને ઓળખો છો?” કેતકીએ વિચાર કર્યો અને કહ્યું, “ના.” વછરાજાનીએ કહ્યું, “વાંધો નહીં.” તરત જ કેતકીએ સામો સવાલ કર્યો “કોણ છે કરિશ્મા શાહ!” વછરાજાનીએ વાતને વાળી લેતાં કહ્યું, “કંઈ નહીં; ખાસ કંઈ નથી. આ તો અમે કિરણભાઈ ફોન કૉલ્સ જોઈ રહ્યા હતા, તેમાં તેમનો નંબર હતો. જોકે કિરણભાઈ સાથે તો અનેક લોકો વાત કરતા હતા, તેમાનું જ કોઈ હશે.” બહાર નીકળ્યા બાદ વછરાજાની થોડી વાર માટે દિનેશ અને વિનયથી થોડા દૂર ગયા. તેમણે મંત્રી અમર ઠાકોરને ફોન લગાવ્યો હતો. કેતકીએ શું કહ્યું તેની અને મુશ્કાનના ગુસ્સાની વાત કરી વછરાજાનીએ તેમને અક્ષરસહ શું વાત થઈ તે બધી જ કરી હતી. કારણ કે અમરને ચિંતા હતી કે હવે કેતકી કઈ તરફ જઈ રહી છે તે જાણવું જરૂરી હતું. અમરે છેલ્લે સવાલ પૂછ્યો, “મા-દીકરાએ મારા માટે કંઈ કહ્યું?” વછરાજાનીએ ના પાડતાં કહ્યું : “ના સાહેબ, તમારો તો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો.”

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular