નવજીવન ન્યૂઝ. અમદાવાદ: હાલ ઉત્તર ભારતમાં મેઘરાજાએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોને ધમરોળી નાખ્યા છે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આવા ખરાબ વાતવરણ વચ્ચે ગુજરાતના (Gujarat) 14 જેટલા યુવાનો થોડા સમય પહેલા મોટરસાયકલથી ટેલરમેઈડ ટ્રીપ (Motorcycle Tours) પર મનાલી ગયા હતા. જે છેલ્લા ત્રણ દિવસથી ચંદ્રતાલથી સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈ યુવાનોના પરિવાર ચિંતામાં ગરકાવ થયા છે. આ બાબતની જાણ પરિવારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને (Shaktisinh Gohil) કરતા તેમણે એક વીડિયોના માધ્યમથી ગુજરાતના જે યુવાનો સંપર્ક વિહોણા બન્યા છે. તેમની શોધખોળ માટે CMO અને PMOને ટેગ કરી યુવકોની ત્વરિત શોધખોળ માટે રજૂઆત કરી છે. તેમજ કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને પણ આ યુવકોની તપાસ કરવા અને તેમને કોઈ તકલીફ હોય તો તેમને મદદરૂપ બનવા વિનંતી કરી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વીડિયોમાં જણાવ્યું છે કે, આપણા 14 જેટલા ગુજરાતીઓ જે મનાલીથી ત્રિલોકનાથ સુધીના એક ટ્રેક માટે સ્પીતી 2023ની એક ટ્રીપ બનાવીને મોટરસાયકલ પર પ્રવાસે નીકળ્યા હતા. ચિંતાની વાત છે કે 9 તારીખે યુવાનોનો છેલ્લી વખત સંપર્ક થયો હતો, ત્યારથી યુવાનોનો સંપર્ક થઈ શક્યો નથી. આ બાબતે યુવાનોના પરિવારે શક્તિસિંહ ગોહિલને સંપર્ક કરતા તેમણે આ બાબતે સંપર્ક વિહોણા બનેલા લોકો અંગેની જાણકારી વડાપ્રધાન ઓફિસને ઈ-મેઈલ કરી માહિતી પહોંચાડી છે. તેમજ NDRFને આ બાબતે મેઈલ કર્યો છે. છતાં હજુ સુધી કોઈ સકારત્મક પ્રતિભાવ ન મળ્યો હોવાનું તેમણે જણાવ્યું છે, જે ચિંતાનો વિષય છે.
તેમણે જણાવ્યું છે કે, આ તમામ યુવાનો મોટર સાયકલ ભાડે લઈ મનાલી ખાતે સુરક્ષિત પહોંચ્યા હતા. ત્યાર બાદ 8 જુલાઈના રોજ મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ એ લોકો પહોંચ્યા હતા. 9 જુલાઈએ ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા નીકળ્યા હતા. ત્યારથી લઈને હજી સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેના કારણે યુવાનોનો પરિવાર ચિંતાતુર બન્યો છે. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રી રજૂઆત કરતા આ મામલે તપાસ કરી ત્યાંની NDRFની ટીમ અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક આ બધા ગુજરાતીઓની શોધખોળ શરૂ કરી તપાસ કરે તેવી માગ કરી છે. તેમણે આ વિસ્તારોમા કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓને પણ આ બાબતની જાણ કરી છે. ગુજરાતના યુવાનોની ભાળ મળે તો આ બાબતે જાણવવા વિનંતી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








