નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગુજરાતમાં ઘણા સમયથી પ્રામાણિક પણે પરીક્ષાઓ અપાય તેની રાહ લોકો જોઈ રહ્યા છે. જે લોકો ધનીક છે અને જેઓ ઓળખાણો ધરાવે છે તેવા ઘણા લોકો મનપસંદ પરિણામ મેળવી લે અને મહેનત કરી આગળ આવનારા વિદ્યાર્થીઓને આ પેપર લીકનો ભોગ બનવું પડે છે. જોકે આ કારણે ખુદ સરકાર પણ એટલી પરેશાન છે કારણ કે પેપર લીક થઈ ગયા પછી એક્શન લેવાય છે પહેલાથી સચોટ વ્યવસ્થામાં પણ અહીં ઘણા લોકો છીંડુ પાડી દેતા હોય છે. હાલમાં સૌરાષ્ટ્ર યનિવર્સિટીના બીબીએ અને બીકોમની પરીક્ષાના પેપર લીક થઈ ગયા હોવાનુ સામે આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીકોમ અને બીબીએના સેમેસ્ટર- 5 ના પરીક્ષા પહેલા જ પેપર લીક થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. તંત્રની બેદરકારીને લઈ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીબીએ સેમેસ્ટર- 5ના ડાયરેક્ટ ટેક્સેસન વિષયનું અને બીકોમના સેમેસ્ટર- 5ના ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું એક્ઝામ પેપર પહેલા જ બહાર આવી ગયું હતું. આ કારણે તેના ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે તેવું જણાઈ રહ્યું છે.
એક તરફ આમ પણ અગાઉ ગુજરાતની ભાજપ સરકાર પર પેપર લીકેજ મામલે વિપક્ષે ભારે માથાનો દુખાવો કરી નાખ્યો હતો. જેને કારણે હવે જ્યારે ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આ પેપર લીક મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રની સાથે સાથે સરકારને પણ પરેશાન કરનારો બની શકે છે કારણ કે વિપક્ષ આ મુદ્દાને ટાર્ગેટ કરે તેની સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ કોલેજમાં પણ પેપર પહોંચી ગયા હતા. જોકે બંને પરીક્ષાઓના પેપર છેક માર્કેટ સુધી પહોંચી ગયા હતા, જોકે સવાલ એ છે કે કેવી રીતે અને કોના દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું હશે. આ મામલે ભક્તિનગર પોલીસ મથકે યુનિવર્સિટીના નિયામક નિલેશ સોની દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે.








