નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સાબરમતી નદીમાં ઠાલવાતા પ્રદૂષિત પાણીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. સાબરમતી નદીના શુધ્ધીકરણના નામે કરોડો રૂપિયાના ધૂમાડા બાદ પણ સ્થિતી ઠેરના ઠેર હોય તેવું જણાય છે. સાબરમતી નદી પ્રદૂષિત (Sabarmati River Pollution Ahmedabad) ન થાય માટે ઉદ્યોગોમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી ન ઠાલવાય માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટી વાત પણ અમદાવાદ મહાનગરપાલિકા કરી ચૂકી છે. પરંતુ હાલ જે દૃષ્યો સામે આવી રહ્યા છે તે સરકારના પોકળ દાવાની ચાડી ખાઈ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ (Congress MLA Arjun Modhwadia) ટ્વિટ કરી આ મામલે સરકારને નિંદ્રામાંથી જગાડવા પ્રયાસ કર્યો છે.
અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઈ સરકારની નીરસતા ઉડીને આંખે વળગી રહી છે. અગાઉ પણ આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને ફટકાર લાગવી હતી. હાઈકોર્ટે સુઓમોટો લઈ સાબરમતી નદી મામલે સરકારને ઢંઢોળી હતી. ત્યારે ઉદ્યોગોના ઝેરી કેમિકલ યુક્ત ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ઠાલવવાની મહાનગરપાલિકાએ વાત કરી હતી. પરંતુ હાલ જે દૃષ્યો સાબરમતી નદીના જોવા મળે છે તેના પરથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્રને માત્ર વાતોના વડાં હોય તેમ જણાય છે. એવામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડીયાએ સાબરમતીમાં ઠલવાતી ગંદકીનો વિડીયો પોસ્ટ કરી સરકાર પર પ્રહાર કર્યા છે.
ટ્વિટર પર અર્જૂન મોઢવાડીયાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે 3 વર્ષમાં 282 કરોડનો ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ સ્થિતી આવી છે. બેરોકટોક ફેક્ટરીઓમાંથી નિકળતું કેમિકલ યુક્ત પાણી સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે, પણ પ્રદૂષણ માફિયાઓ સામે ભાજપ સરકાર નતમસ્તક છે.’
ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીમાં ઠલાવતા ગંદા પાણીને અટકાવવા તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી 17 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 7 કૉમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. છતાં પણ સાબરમતી નદીમાં પ્રદૂષીત પાણીનો પ્રવાહ જોવા મળતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણી સાબરમતીમાં ઠલાવતું હોય ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફ પણ આંગળી ચીંધાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે હવે સરકારની આંખ ઉઘડે છે કે સ્થિતી યથાવત રહેશે.
Tag: Sabarmati River Pollution Ahmedabad
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








