નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં દારૂબંધી(Liquor Ban)ના કાયદાની અમલવારીના ફરી એક વખત લીરા ઉડ્યા છે. વડોદરા(Vadodara)માં રસ્તા પરથી પસાર થઈ રહેલી રીક્ષાના અકસ્માતના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે ગોરવા પોલીસે મને કમને કાર્યવાહી કરવી પડી હતી. વડોદરામાં થયેલી આ ઘટનાનો વિડીયો સામે આવતા લોકો પોલીસની કાર્યવાહી પર સવાલ કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોરવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત 10 જાન્યુઆરીના રોજ ગોરવા પોલીસ મથકમાં હાજર હતા. આ સમયે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી કૉલ મળ્યો હતો. કન્ટ્રોલમાંથી મળેલી વર્ધીમાં જણાવાયું હતું કે, વડોદરાના રેષકોર્ષ નજીક ઈલોરાપાર્ક પાસે આવેલા અદાણી સીએનજી પંપ સામે બે રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. તેમજ રીક્ષા આસપાસ પ્રવાહી ઢોળાયું છે જેમાંથી દારૂ જેવી ગંધ આવી રહી છે. આ કોલ મળતા પોલીસ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ગોરવા પોલીસ મથકમાં રીક્ષામાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ કબ્જે કરી રીક્ષા ચાલક લાલચંદ લક્ષ્મણદાસ નેભવાણી તેમજ દિપક ઉર્ફે કલાલ જયસ્વાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરોક્ત ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પરથી પસાર થઈ રહેલી બે રિક્ષા એકબીજા સાથે અથડાઈ છે. રીક્ષા અથડાતા જ એક રીક્ષામાંથી પેસેન્જર જમીન પર ઢળી પડે છે. જ્યારે એક રીક્ષામાંથી દારૂનો જથ્થો ઢળી પડે છે. આ જથ્થો રસ્તા પર ઢોળાતા ગંધ પ્રસરી હતી અને જેના કારણે દારૂની હેરાફેરીનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796