મજબૂત અમેરિકન ડોલર અને વધતાં ક્રૂડ ઓઇલ ભાવ સામે રૂપિયો ઝીંક ઝીલી નહી શકે
ટ્રમ્પ ટ્રેડ વોર: ચીને કહ્યું યુઆનને ૨૦૨૫મા અમે નબળો પડતો નહીં રોકી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વિદેશોમાં મજબૂત થતી અમેરિકન કરન્સી અને વિદેશી રોકાણકારો પોતાનું ફંડ પાછું ખેચવા લાગતાં ભારતીય રૂપિયાની હકારાત્મક પ્રતિભા ઝંખવાણી થઈ છે. શુક્રવારે શેરબજાર નીચેથી પાછું ફરતા અમેરિકન ડોલર (US Dollar)સામે રૂપિયો (Indian rupee) મામૂલી ૧૦ પૈસા સુધારીને બંધ થવા અગાઉ, રૂ. ૮૪.૭૮ના ઐતિહાસિક નીચલા સ્તરે જઇ બેઠો હતો. કરન્સી ટ્રેડરો કહે છે કે, આમતો ગુરુવારે જ રૂપિયો ૮૪.૮૮ના સ્તરે ઊંધેકાંધ પડ્યો હતો. છેલ્લા એક દાયકામાં રૂપિયાએ ૬૩ની મજબૂતાઈથી શરૂ કરેલી નબળાઇ, આજે રૂ. ૮૫ના તળિયાને ટચ કરવાની ઉતાવળમાં પડ્યો છે. ટ્રેડરો માને છે કે મજબૂત અમેરિકન ડોલર અને વધતાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ભાવ સામે રૂપિયો ઝીંક ઝીલી નહી શકે.
૨૦૨૩મા રૂપિયો કઈક સ્થિર થયો હતો, પણ આ વર્ષે લીપસપટ્ટી પર બેઠેલા રૂપિયાને જોઈ રિઝર્વ બેન્ક ચિંતામાં પડી છે. રૂપિયાને લપસતો ખાળવા રિઝર્વ બેંકે હબ્બેસ ડોલર બજારમાં ઠાલવ્યા હતા. અહેવાલ એવા મળે છે કે છેલ્લા કેટલાક દિવસથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એનડીએફ (નોન ડિલીવરેબલ ફોરવર્ડ), જેને આપણે કબાલા બજાર તરીકે ઓળખીએ છીએ તેમાં, દૈનિક સરેરાશ લગભગ બે અબજ ડોલર ઠાલવીને મંદીનો ખેલો પાથરીને બેઠી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મળીને ફોરવર્ડ અને ફ્યુચર્સમાં કુલ મંદીનો પથારો ૪૯ અબજ ડોલર પાઠર્યો હતો.
કબાલા બજારએ એવું પ્રવાહી માર્કેટ છે, જ્યાં કરન્સી સામે રોજ ઊભા થતાં નવા જોખમને ખાળવા સેન્ટ્રલ બેન્કોને હેજર (સલામતી) બનીને પ્રથમ પાળ બાંધવી પડતી હોય છે. આગામી દિવસોમાં આ કબાલા બજાર ભારતીય રૂપિયા સામે વધુ રોળા નાંખશે. રૂપિયો સતત નવી નવી બોટમ બનાવે છે. છતાં વાસ્તવિકતા એ છે કે ભારતીય અર્થતંત્રમાં રૂપિયાને મજબૂત થવાના ઘણા બધા હકારાત્મક ફંડામેન્ટલ્સ અસ્તિવામાં છે. જો કે રિઝર્વ બેન્ક યોજનાબધ્ધ રીતે કબાલા બજારમાં મોટી ઉથલપાથલ રોકવા ઉગ્ર પગલાં લઈ રહી છે.
અલબત્ત, ભારત પાસે રૂપિયાને નબળો પડતો અટકાવવાના સાધનો અને ક્ષમતા મર્યાદિત છે. વિદેશી રોકાણકારો અને એનઆરઆઈ (બિનરહેવાસી ભારતીય)ને વધુ વળતર આપી તેમની પાસેથી વધુ ફંડ મેળવવા, રિઝર્વ બેન્કે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટ પર સુધારેલા માળખાગત વ્યાજ વૃધ્ધિની સીલિંગ વધારી છે. આ નવા વ્યાજદરની સીલિંગથી બેન્કોને નવી એફસીએનઆર ડિપોઝિટ આકર્ષવાની તક રહેશે.
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ સામે પણ કાઇ ઓછી મુસીબતો નથી, તેમની સામે વધુ પડતા મજબૂત થઇ રહેલા ડોલરને ઠંડો પાડવાનો પડકાર છે. તેમના ઈરાદાઓ તો ડોલરને નબળો પાડીને અમેરિકન નિકાસ વધારી, વધાતી વેપારખાધ ઓછી કરવાના છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તેમણે સૂચિત વેપારનીતિ વિષે બણગાં ફૂંકવાનું શરૂ કરતાં પરોક્ષ રીતે ડોલર મજબૂત થવા લાગ્યો છે. લંડન સ્થિત ચેઠામ હાઉસના સિનિયર રિસર્ચર એક નોંધમાં કહે છે કે જુઓ શું થયું, એક તરફ ટ્રમ્પની સદિચ્છા નબળા ડોલરની છે, પણ તેઓ પ્રમુખપદે બેસ્યા પહેલા જ ટ્રેડ વોરની ધમકીઓ આપી, તેથી વગર મફતનો ડોલર મજબૂત થવા લાગ્યો.
અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનિથ યેલીને બુધવારે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે જો કોઈ દેશ, ગોબાચારી કરીને કરન્સી બજારમા મધ્યસ્થી કરી ખોટી સ્પર્ધા ઊભી કરીને લાભ લેવાનો પ્રયાસ કરશે તો, અમે શાંખી નહીં લઈએ, તેનો મજબૂત જવાબ આપશુ. જો કે યેલીને કોઈ દેશનું નામ લઈને કહ્યું ના હતું પણ તેમનો ઈશારો ચીન તરફ હતો. ચીન સત્તાવાળાઓએ બુધવવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ૨૦૨૫મા ચીની યુઆન નબળો પડશે તો પણ, અમે તેમ થતું નહીં રોકીએ. તેમનું નિશાન ટ્રમ્પ સત્તાવાળા પર હતું. જકાતોમાં વૃધ્ધિ કરી ટ્રેડ વોરનો આરંભ કરવાના અમેરિકન સંકેત સામે, ચીને પહેલો ઘા રાણાંનો કરી નાખ્યો હતો. ટ્રમ્પએ પણ ખાંડાનો ખેલ પાડવા એમ કહ્યું હતું કે, અમે ચીનથી આયાત થતાં તમામ માલો પર ૬૦ ટકા આયાત જકાત નાખવા સજ્જ છીએ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








