નવજીવન ન્યૂઝ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કૌભાંડનો પર્યાય બનતો હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે જે માટી કૌભાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University Soil Scam) તપાસ સમિતિએ તત્કાલીન કાર્યકારી રજીસ્ટ્રાર જતીન સોનીને ક્લિનચિટ આપી છે તેમાં ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) ફરી તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ માટી કૌભાંડની(Soil Scam) ફરી તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને (Saurashtra University)આદેશ કર્યો છે. ત્યારે ફરી એક વખત માટી કૌભાંડનું ભૂત ધુણતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૌભાંડીઓમાં ભય જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષના બ્યુટીફિકેશનના કામમાં ગરબડના આક્ષેપ સામે આવ્યા હતા. જેમાં તત્કાલીન કાર્યકારી રજીસ્ટ્રાર જતીન સોનીની બેદરકારીને કારણે માટી કૌભાંડ થયું હોવાની વાત સામે આવી હતી. આરોપ મુજબ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 963 માટીના ફેરા માટે રૂપિયા 7.20 લાખનું ચૂકવણું થયું હતું. પરંતુ આ માટીના ફેરા ખરેખર નાખવામાં જ નથી આવ્યા અને બિલ ચૂકવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ કામ આપી દઈ કૌભાંડ કર્યાનો આ મામલો પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે ઓડિટ વિભાગના ધ્યાને આવ્યું હતું કે માટી નાખવા માટે મુકેલા બીલમાં જે ટ્રેક્ટરના નંબર લખવામાં આવ્યા છે ખરેખર કારના નંબર છે.
આ મામલે રાજકોટ એન.એસ.યુ.આઈ. દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. બાદમાં આ સમિતિએ કૌભાંડ મામલે જતીન સોનીને ક્લિન ચીટ આપી દીધી હતી અને જતીન સોનીએ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતું. તેમજ માટીના કૌભાંડ મામલે કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરી દેવાની કાર્યવાહી પણ થઈ હતી. પરંતુ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા હવે ગુજરાત હાઈકોર્ટે આદેશ કરી આ મામલાની ફરી તપાસ કરી રિપોર્ટ 28 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટને સોંપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભિમાણીના લાખેણા આઈફોનનો મામલો પણ સામે આવ્યો હતો. તેમજ યુનિવર્સિટીના પેપર લીકનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. આમ સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર અને તંત્ર વાહકો પર લોકો શંકા પેદા કરતા જોવા મળે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








