નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકીય નેતાઓ અને પોલીસ વચ્ચેની ગરમા ગરમીનો માહોલ મોટા ભાગે ફિલ્મમાં જોવા મળતો હોય છે. અભણ નેતાઓ પણ સત્તાના જોરે ભણેલા-ગણેલા અધિકારીઓને હાથ નીચે દબાવીને રાખતા હોય છે. આવો જ કઈક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકીય આગેવાનના બનેવીને જેલના સળિયા પકડાવી દેતા પોલીસ અધિકારીએ નેતા પર હેરાન પરેશાન કરતાં હોવાનો આરોપ મૂક્યો છે.
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલા ભારે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરી રાજકીય નેતા પર આક્ષેપ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો છે. જો કે નેતા અંગે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોસ્ટ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ સસ્પેન્ડ ઓર્ડર હાથમાં પકડાવી દીધો હતો. જો કે પોલીસકર્મીએ કરેલી પોસ્ટ બાદ વિવાદ થતાં પોસ્ટ દૂર કરી દીધી હતી અને મિત્રને મોકલવાની જગ્યાએ ફેસબુક પર પોસ્ટ થઈ ગઈ હોવાનો બચાવ કર્યો હતો.
ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુકમાં પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે, એક નેતાને તેની અસલિયત કહી તો બદલીની ધમકી આપને કહ્યું હતું કે એવી જગ્યાએ બદલી કરાવી દઇશ કે પાણી પણ નહીં મળે, છેલ્લા વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે બદલીઓ કરાવે છે, જ્યારે નેતાનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, મારી તૈયારી છે જુકે ગા નહીં સાલા મેં, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને જુગારની રેડ કરી હતી, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહિ અન્યાય સામે.








