Sunday, June 7, 2026
HomeGujaratરાજકોટની દીકરી બસ છેલ્લું પગલું ભરવાની હતી અને કર્યો એક કોલ, જાણો...

રાજકોટની દીકરી બસ છેલ્લું પગલું ભરવાની હતી અને કર્યો એક કોલ, જાણો જીંદગી કેવી રીતે બચી ગઈ

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): હું 10 મીનીટ મોડી પહોંચી હોત તો કદાચ આ દીકરીએ અંતિમ પગલું ભરી લીધું હોત અને મારા જીવનમાં અફસોસનો પાર ન રહેતો. આ શબ્દો છે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના દુર્ગા શક્તિ ટીમના જાગૃતીબહેન ચાવડાના. (અહેવાલ અંગેનો વીડિયો અંતમાં દર્શાવ્યો છે)

ઘટનાની વિગત એવી છે કે, રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દુર્ગા શક્તિ ટીમમાં ફરજ બજાવતા જાગૃતિબહેનનો ફોન રણકે છે. ફોન ઉઠાવતા સામે બાજુથી એક સગીર દીકરી રડતા અવાજે બોલે છે બહેન મને તમારા નંબર કોલેજમાં પોલીસે કરેલા એક કાર્યક્રમમાં મળ્યા હતા. મને એક છોકરો ખુબ હેરાન કરે છે, કેટલાય મહિનાથી મારો પીછો કરે છે અને સળગતી સિગરેટ ફેંકી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરે છે. ભયભીત અવાજે વાત કરતી આ દીકરીને જાગૃતિબહેને કહ્યું દીકરી તે તારા મમ્મી-પપ્પાને આ વિશે કહ્યું છે ? પણ કદાચ ગભરાયેલી દીકરી પાસે આ વાતો કરવાનો જરા પણ સમય ન હતો.

- Advertisement -

ફોન પર પિડીત દીકરી જાગૃતિબહેનને કહે છે તમે કંઈક જલ્દી કરો નહીં તો હું મરી જઈશ. હું ઘરે આ કહીશ તો મારું શિક્ષણ અટકાવી દેવાશે મારે ભણવું છે. પણ આ વાત ખબર પડે તો મને કોલેજમાં નહીં જવા દેવામાં આવે. આ શબ્દો પાછળની ગંભીરતાનો ભેદ પારખવાની કુનેહ ધરાવતા જાગૃતિબહેને સમજી ગયા કે હવે મારી પાસે સમય નથી. અને બસ તેમણે પિડીતાને કહ્યું બેટા અમે (પોલીસ) છીએ બધું થઈ જશે તું ક્યાં છે એટલું કહી દે.

જાગૃતિબહેનના અવાજમાં ખરેખર માં દુર્ગાનો અવાજ હતો, સામે પક્ષે પિડીત દીકરી કરીએ કહ્યું હું ભક્તિનગર સર્કલ પાસે છું 10 મીનીટમાં તમે નહીં આવો તો હું નહીં જીવું. પણ ઈશ્વરે પણ જાગૃતિબહેનની પરિક્ષા લેવાનું નક્કી કર્યું હતું તેમ દુર્ગાશક્તિ ટીમની કાર ખરાબ હતી માટે વાહન હતું નહીં. બીજી તરફ મોડું થાય તે કોઈપણ ભોગે પરવડે તેમ ન હતું. જાગૃતિબહેને તુરંત પોતાના ટુ વ્હિલર પર નીકળી જવાનો નિર્ણય કર્યો અને પીડિતાને ફોન પર વ્યસ્ત રાખી ભક્તિનગર સર્કલ પર પહોંચી ગયા.

પિડીતાને સમજાવટ કરી અને પોલીસની સાચી ઓળખ આપી આરોપીનો ભય દુર કરી જાગૃતિબહેન પિડીતાને ભક્તિનગર પોલીસ સ્ટેશન લાવ્યા. જાગૃતિબહેન જણાવે છે કે, પિડીતા પોલીસ સ્ટેશનના પગથીયા ચઢતા પહેલા જ રડવા લાગી, પણ બાદમાં પોલીસ સ્ટેશનના પીઆઈ. અને પીએસઆઈ સહિતના સ્ટાફે દીકરીને હુંફ આપી. બાદમાં દુર્ગાશક્તિ ટીમના મહિલા સ્ટાફે પિડીતાનું તેમજ માતા-પિતાનું કાઉન્સેલીંગ કરતી સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.

- Advertisement -

ભાંગી પડેલી પિડીતાએ પોલીસને સઘળી હકિકત જણાવી કે, લવરમુછીયો યુવક પિડીતાને છેલ્લા 3 મહિનાથી પરેશાન કરતો હતો. એટલું જ નહીં પણ પિડીતની બહેનપણીઓને પણ તેનાથી દુર કરવા ધમકાવતો હતો. પીછો કરી પિડીતાને અપશબ્દો કહી અને સળગતી સિગારેટ ફેંકી ફ્રેન્ડશીપ કર નહીં તો બદનામ કરી મુકીશ તેવી ધમકી આપતો હતો. ડરી ગયેલી પિડીતાના મૌનને આરોપી પોતાની શક્તિ બનાવતો ગયો અને 11 ઈન્સ્ટાગ્રામના ફેક આઈડી બનાવી પિડીતાના નાના ભાઈને પણ ધમકાવતો હતો.

હદ્દ બહાર પરેશાન પિડીતાને અચાનક કોલેજમાં પોલીસે કરેલા કાર્યક્રમમાં દુર્ગાશક્તિની સમજ આપી દુર્ગાશક્તિ ટીમના નંબર આપ્યા હતા તે યાદ આવ્યા. મદદ મળશે તે આશાએ જાગૃતિબહેનને કોલ કર્યો અને જાગૃતિબહેને ખરા અર્થમાં દુર્ગાશક્તિને યથાર્થ સાબિત કરી દીધી હતી. પોલીસે આ મામલે આરોપી યુવક વિરુધ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ). આ ઉપરાંત પોલીસનો સંપર્ક કરવો પણ હિતાવહ છે.]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular