નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં માતાના પગ નીચે આવી ગયેલા 40 દિવસના બાળકનું ગુંગળાઇ જવાથી મોત નીપજયું છે. માતાને શરદી થઈ હોવાથી બાળકને ચેપ ન લાગે તે માટે થઈને પગ પાસે સુવડાઈને શરદીની દવા પીને સૂઈ ગઈ હતી. તે દરમિયાન માતાના પગ નીચે બાળક આવી જતાં માસૂમએ જીવ ગુમાવ્યો હતો. બાળક માટે આટલી ચિંતિત માતાને ક્યાં ખબર હતી કે તેના જ ભારના કારણે તેના બાળકને દુનિયામાંથી અલવિદા કહેવું પડશે.
માહિતી અનુસાર, રાજકોટમાં કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા કાજલબેને ચાલીસ દિવસ અગાઉ પુત્રને જન્મ આપ્યો હતો. કાજલબેને શરદી થતાં શરદીની દવા પીધી હતી અને પોતાના વહાલસોયા દીકરાને શરદીનો ચેપ ન લાગે તે માટે થઈને મોઢાથી દૂર પગ પાસે સુવડાવ્યો હતો. કાજલબેન તથા તેનો પુત્ર વેદ સૂઇ ગયા હતા. તે દરમિયાન વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિ રવિભાઇ જાગ્યા હતા ત્યારે પત્ની પાસે સૂતેલા પુત્રની સ્થિતિ જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પુત્ર વેદ તેની જ માતા કાજલબેનના પગ નીચે દબાયેલો હતો. રવિભાઇએ પત્નીને ઉઠાડી પુત્રને પગ નીચેથી બહાર કાઢ્યો હતો. પરંતુ પુત્ર બેભાન અવસ્થામાં હતો, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પૂઠા બનાવવાનું કારખાનું ધરાવતા રવિભાઇ જાનિયાણીને ઘરે ચાલીસ દિવસ પહેલા જ પુત્ર આવ્યો હતો. પુત્રના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. પરંતુ આ ખુશી થોડા દિવસ માટેની જ હતી. કાજલબેનને બે દિવસથી શરદી થઇ હોવાથી પોતાની શરદીનો એકના એક દીકરાને ન લાગે તે માટે સતત ઘ્યાન રાખતા હતા. પરંતુ માતાની એક ભૂલના કારણે બાળકનો જીવ જતો રહ્યો.
![]() |
![]() |
![]() |











