નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટ ગ્રામ્યના જસદણમાં તાજેતરમાં ATM મશીનને ખોલીને રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે લૂંટ કરવા આવેલા ભેજાભાજે પોલીસને ચકમો આપવા CCTVમાં ઓળખ છતી ન થાય તે માટે માથામાં ટોપી, માસ્ક અને ફિંગરપ્રિન્ટ ન રહી જાય તે માટે હાથમાં મોજા પહેરીને માત્ર 2 મિનિટમાં જ મશીન ખોલી પાસવર્ડ નાખીને લાખોની લૂંટને અંજામ આપ્યો હતો.
ATMમાં જે રીતે ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપ્યો હતો તે જોતા નજીકના માણસે કાવતરું ઘડ્યું હોવાની પોલીસને શંકા હતી. કારણ કે જે 12 આંકડાનો પારવર્ડ નાખવામાં આવ્યો હતો તે પૈસા ભરનારા ત્રણ લોકો પાસે જ રહેતો હતો. જેથી શંકાના આધારે રાજકોટ પોલીસ દ્વારા ATMમાં પૈસા ભરનાર જયપુરી ગોસ્વામીને પોલીસ સ્ટેશને બોલાવીને પુછપરછ કરવામાં આવી હતી. જોકે જયપુરી આજે આપઘાત કરી લેતા પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ દ્વારા ટોર્ચર કરવાના કારણે તેણે જીવન ટૂંકાવ્યું છે.
મૃતકના પરિવારજનોના આક્ષેપ મુજબ, જયપુરીને કંપનીના કોન્ટ્રાક્ટર રવિન્દ્રને 16 તારીખે બોલાવ્યો હતો અને કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં નિવેદના આપવા માટે જવાનું છે. જોકે પોલીસ સ્ટેશન પહોંચતા જ રૂપિયા ક્યાં છે તે બાબતે પોલીસે ટોર્ચર કરીને માર માર્યો હતો. જયપુરી કઈ પણ જાણતો ન હોવા છતાં તેને માર મારવામાં આવ્યો હતો. જયપુરીના મામા વકીલ હોવાથી તેમને આ અંગે વાત કરતા તેઓ 17મીએ પોલીસ સ્ટેશન પર જઈને ગેરકાયદે અટકાયત કરી હોવાની દલીલો કરતા પોલીસ દ્વારા તેને છોડી દેવામાં આવ્યો હતો. પરંતું પોલીસ સ્ટેશનથી આવ્યા બાદ જયપુરી આજે સાંજે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ પરિવાર દ્વારા મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે.