પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગાંધીનગરમાં વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને ડેરા તંબું તાણી બેઠા છે. ગુજરાતના વનરક્ષકો છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગરમાં મોરચો માંડી બેઠા છે. શાંતિથી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહેલા વનરક્ષકો સામે ગાંધીનગર પોલીસે બળ પ્રયોગ કરવાનો પ્રયત્નો કરતાં વનરક્ષકો ઉશ્કેરાયા હતા. પોલીસ અને વનરક્ષકો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું.
ગુજરાતના વનરક્ષકો કામથી અળગા રહીને ગાંધીનગર પહોંચતા હાલમાં જંગલના સુરક્ષાની જવાબદારી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને સોંપવામાં આવી છે. ખાસ કરીને મહિલા વનરક્ષકો પોતાના નાના બાળકો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. વનરક્ષકોની માગણી છે કે તેમનો ગ્રેડ પે સુધારવામાં આવે. વનરક્ષકો સહિત પોતાનાની માગણીઓને લઈને ગાંધીનગર પહોંચેલા વિવિધ કર્મચારી સંગઠનના કારણે સરકાર ઘેરાઈ ગઈ છે. હવે સ્થિતિ સ્ફોટક બની છે. હમણાં સુધી દેખાવકારો સામે શાંત રહેલી પોલીસે પણ બળપ્રયોગ કરવાની શરૂઆત કરી છે. મંગળવારના રોજ શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા વનરક્ષકો પાસે ગાંધીનગર પોલીસ પહોંચી હતી. આ વખતે પોલીસ સાથે ચર્ચા કરી રહેલા એક વનરક્ષકને પોલીસે ધક્કો મારતા પોલીસ અને વનરક્ષકો આમને સામને આવી ગયા હતા. જુઓ આ ઘર્ષણનો વીડિયો.