નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. કોર્ટએ તેમને આગોતરા (અંતરિમ) જામીન મંજૂર કર્યા છે. જોકે, આ જામીન સાથે કેટલીક શરતો પણ લગાવવામાં આવી છે.
આ મામલો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્ની સામે કરાયેલા આરોપો સાથે જોડાયેલો છે. પવન ખેરાએ તેમની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાયો હતો.
સુપ્રીમ કોર્ટે જામીન આપતા સ્પષ્ટ કર્યું છે કે પવન ખેરાને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. ઉપરાંત, જ્યારે પણ તેમને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવશે, ત્યારે તેઓએ ફરજિયાત હાજર રહેવું પડશે. કોર્ટએ તેમને કોઈપણ પ્રકારના પુરાવા સાથે છેડછાડ ન કરવા અથવા તેને પ્રભાવિત ન કરવા માટે પણ સૂચના આપી છે.
કોર્ટએ વધુમાં જણાવ્યું છે કે પવન ખેરા કોર્ટની મંજૂરી વગર દેશની બહાર જઈ શકશે નહીં. ટ્રાયલ કોર્ટને પણ જરૂરી જણાય ત્યારે વધારાની શરતો લાગુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જામીન માટે જે દસ્તાવેજો અને તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કેસના અંતિમ નિર્ણય પર અસર નહીં કરે.
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અંતે કોર્ટએ પવન ખેરાને આ મામલે આગોતરા જામીન આપી દીધા છે.








