Friday, April 19, 2024
HomeGujaratRajkotરાજકોટમાં ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય અને મેયરને થયો જનતાનો કડવો અનુભવ

રાજકોટમાં ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય અને મેયરને થયો જનતાનો કડવો અનુભવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: આજની પ્રજા મત આપે છે તો મતનો હિસાબ માગવાની તાકાત પણ ધરાવે છે. રાજકારણીઓ મત લેવા માટે લોભામણી જાહેરાતો કરીને મોટા મોટા વાયદા કરતા હોય છે. પરંતુ જ્યારે તેઓ વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ જાય ત્યારે પ્રજા સામે તેમને મોં સંતાડવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં (Rajkot) બનવા પામી છે. ચાલુ કાર્યક્રમમાં જનતાએ પોતાની સમસ્યાને લઈ હૈયાવરાળ ઠાલવી હતી. પ્રજાના સવાલોથી મેયર, ધારાસભ્ય સહિતના જન-પ્રતિનિધિઓને જાહેર કાર્યક્રમ છોડીને ભાગવાનો વારો આવ્યો હતો.

રાજકોટમાં કોઠારીયા રોડ પાસે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ (MLA Darshita Shah), રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રિમેશ ટીલાળા અને રાજકોટ મેયર પ્રદીપ ડવેએ (Rajkot Mayor Pradip Dav)કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન વર્ષોથી વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના સૂત્રોચાર સાથે રહીશો કાર્યક્રમમાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

- Advertisement -

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રસ્તાઓ ખોદી નાંખ્યા પણ કામ ન થતા રહીશો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકારણ ન આવતા સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જન પ્રતિનિધિઓ પાસે સવાલોનો મારો ચલાવીને કાર્યક્રમમાં હલ્લાબોલ કરી હતી. પરંતુ ધારાભ્ય સહિતના જન પ્રતિનિધિઓ પાસે જનતાના પ્રશ્નોના કોઈ જ જવાબ ન હોવાથી દક્ષિણના ધારાભ્ય રમેશ ટિલાળા, પશ્ચિમના ધારાભ્ય દર્શિતા શાહ અને મેયર પ્રદીપ ડવને જનતાના ઉગ્ર રોષ સામે મેદાન છોડીને ભાગવાની ફરજ પડી હતી.

રહીશોના જણાવ્યા અનુસાર “વર્ષોથી વિસ્તારમાં પાણી, ગટર, રોડ-રસ્તા સહિતની સમસ્યા છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતા કોઈ નિરાકરણ આવતુ નથી”. જેને લઈ રહીશોને જાણ થઇ કે, વિસ્તારમાં એક કાર્યક્રમમાં પ્રતિનિધિઓએ હાજરી આપી છે. તે દરમિયાન તમામ કોઠારિયા વિસ્તારના રહીશો એકત્રિત થઈ કાર્યક્રમ સ્થળે ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પ્રતિનિધિઓ જવાબ આપ્યા વિના કાર્યક્રમ છોડીને જતા રહેતા રહીશોએ આક્ષેપ કરતા કહ્યું કે, “ધારાસભ્યોને કાર્યક્રમમાં હાજરી આપવાનો સમય છે પણ જનતાની સમસ્યા સાંભાળવા માટે સમય નથી”.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે જન પ્રતિનિધિઓ મતદારોને રિઝવવા અવનવા પ્રયાસો કરતા હોય છે. વિશ્વાસમાં લઈ “જો તમે અમને ચૂંટશો તો કોઈપણ તકલીફ નહિ પડે” તેવા દાવાઓ કરી ઘણાં બધાં વાયદા આપીને દિવસે હથેળીમાં ચાંદ દેખાડતા હોય છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ કોણ તમે ને કોણ હું જેવો ઘાટ ઘડાતા જનતાને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે રાજકોટમાં પણ વાયદા કરેલા વિકાસના કામો અભરાઈએ ચડતાં પહેલી જ વાર ધારાસભ્ય બનેલા રાજકોટ પશ્ચિમ અને દક્ષિણના ધારાસભ્યોને જનતાના રોષનો ભોગ બનવું પડયું હતુ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular