નવજીવન ન્યૂઝ. પંજાબ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં 75 આમ આદમી ક્લિનિક ખોલવાની જાહેરાત કરી છે. લુધિયાણાના ગુરુ નાનક સ્ટેડિયમમાં 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર રાજ્ય સ્તરીય કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે આ જાહેરાત કરી હતી. CM ભગવંત માને એમ પણ કહ્યું હતું કે પંજાબે અંગ્રેજોના શાસન સામે સ્વતંત્રતા સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું.
ભગવંત માને કહ્યું, ‘પંજાબના દરેક ગામમાં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા શહીદોનું સ્મારક છે. હાલના સંજોગોમાં પણ ભારતીય સેનામાં ફરજ બજાવતા પંજાબી યુવાનો સરહદોની સુરક્ષા કરી રહ્યા છે.” CMના આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો કાળા શર્ટ, ટી-શર્ટ અને પાઘડી પહેરીને આવ્યા હતા, જેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા.
રિપોર્ટ અનુસાર પંજાબમાં 75 મોહલ્લા ક્લિનિક્સ પણ તૈયાર છે, જેમાંથી 9 લુધિયાણામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહોલ્લા ક્લિનિક્સમાં ડોક્ટર 12 કલાક કામ કરશે. જેમાં સેમ્પલ રૂમ અને ફાર્મસી પણ બનાવવામાં આવી છે. આ સાથે લોકોને ટેસ્ટ કરાવવા કે દવા લેવા માટે ક્યાંય બહાર જવું પડશે નહીં. આ મોહલ્લા ક્લિનિક્સ એસીથી સજ્જ છે. આ સાથે તમામ કામનો ઓનલાઈન રેકોર્ડ રાખવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા સરકારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું જરૂરી બનાવ્યું છે. આમ છતાં અધિકારીઓ અને રાજકારણીઓથી લઈને સામાન્ય જનતાએ માસ્ક પહેર્યા ન હતા. આને લઈને માન સરકારની ઘણી ટીકા થઈ રહી છે. આ સાથે આ ઘટનાને કોરોના સંક્રમણને આમંત્રણ આપતું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.








