Sunday, June 28, 2026
HomeGujaratગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી છૂટી છવાઈ જગ્યાએ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, સાથે જ ગુજરાતનાં 115 જેટલા તાલુકામાં ગઇકાલથી અત્યાર સુધી વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને વિજયનગર અને ખેડબ્રહ્માના 10 જેટલા ગામને એલર્ટમાં રાખવામા આવ્યા છે. હિંમતનગરમાં આવેલી હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે તલોદમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે હાલ સમગ્ર રાજ્યને વરસાદી વાદળોએ ઘેરી લીધું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

ઉપરાંત અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે 15 અને 16 ઓગસ્ટ ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહીની સાથે ગુજરાતનાં માછીમારોને દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ ગુજરાતનાં વિવિધ બંદરો ઉપર હાલ 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. જેનો મતલબ થાય છે કે સમુદ્રમાં ઊછળતાં મોજાંની સાથે 50 કિલોમીટર કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને માછીમારોને સાવચેત કરવા માટે આ સિગ્નલ લગાવવામાં આવે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular