Friday, April 17, 2026
HomeGujaratAhmedabadમને ખબર છે તું પણ મારા વગર રહી શકીશ નહીં, મને મળવા...

મને ખબર છે તું પણ મારા વગર રહી શકીશ નહીં, મને મળવા પાછી આવવાની છે

- Advertisement -

પ્રિય શિવા,

તું અમને છોડી ગઈ તેને આજે બરાબર છ મહિના થયા. બહુ અઘરું લાગે છે, તું મારી સાથે નથી તેવું લખતાં. એટલે તો હું પોતાને સતત સમજાવી રહ્યો છું કે તું મને છોડી શકે જ નહીં. તું મારી સાથે જ છે. 22 સપ્ટેમ્બરના રોજ તને એકદમ શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, હું આકાશ અને ભૂમિ તને કારમાં હૉસ્પિટલ લઈ ગયાં. એક દિવસ પહેલાં જ તારો જન્મ દિવસ હતો. મને ખબર હતી કે તું બહાદુર છે. તું આઈ.સી.યુ.માં હતી છતાં મને ભરોસો હતો કે, તારી જિજીવિષા અને તારી હિંમતને કારણે તું જલદી પહેલાં જેવી થઈ જઈશ, પણ તેવું થયું નહીં! છેલ્લાં ત્રણ મહિના હું એકએક પળ તારી સાથે હતો.

- Advertisement -

ડૉકટર્સ અને મારા જ્યોતિષ મિત્રો કહી રહ્યા હતા કે તારો સમય પૂરો થઈ ગયો છે, પણ મને વિશ્વાસ હતો કે તારી અને મારી જીદ્દ બધાને ખોટા પાડશે. તું પણ હિંમત હારી નહોતી અને હું પણ હિંમત હાર્યો નહોતો. તું જીવવા માટે અને હું તને જીવાડવા માટે… આપણે સાથે જંગ લડી રહ્યાં હતાં. તું છેલ્લે સુધી માનસિક રીતે અડીખમ રહી, પણ છેલ્લા સમયમાં હું હિંમત હારી ગયો હતો. હું આપણાં ઘરનાં મંદિર પાસે બેસી બાળકની જેમ રડી ભગવાનને વિનંતી કરતો કે તને બચાવી લે, પણ ખબર નહીં ભગવાન કેમ નિષ્ઠુર થઈ રહ્યો હતો! તારું શરીર ક્ષીણ થઈ રહ્યું હતું પણ મને રડતો જોઈ તું મને કહેતી, “રડો છો શું કામ? હું સારી થઈ જઈશ.”

તારીખ 4 જાન્યુઆરીએ ઘરમાં જ તારું બાયપૅપ ચાલુ હતું; હું તારી પાસે જ બેઠો હતો; તે મને કહ્યું, મારું માથું તમારા ખોળામાં લો ને. તું મારા ખોળામાં માથુ મૂકી સૂઈ જાય એ મને ગમતુ હતું. ત્યારે મને સારું તો લાગ્યું, સાથે ડર પણ લાગ્યો હતો. કદાચ હવે તે વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. મેં તારું માથું મારા ખોળામાં લીધું. આમ તો તને ઘણા દિવસથી ઊંઘ આવતી નહોતી, પણ મારા ખોળામાં તું ઘસઘસાટ સૂઈ ગઈ. હું તારાં માથા પર હાથ ફેરવી રહ્યો હતો. તને મળવા ઉજ્જવલ અને ગોપી રોજ આવતાં હતાં. તારા મોઢા ઉપર લાગેલું બાયપૅપ જોઈ ગોપી રડવા લાગી ત્યારે તે એને કહ્યું, “અરે! રડે છે કેમ? હું સારી થવાની જ છું.”

તે જ દિવસે તને મળવા વડોદરાથી અનેરી અને અક્ષય આવ્યાં. સાથે તેમની દીકરી નુરવી પણ હતી. તને નુરવી ખૂબ ગમતી. નુરવીને જોતાં જ તારા ચહેરા પર હાસ્ય આવ્યું. એ જોઈ મને સારું લાગ્યું હતું.

- Advertisement -

5મી જાન્યુઆરીએ બાયપૅપ ચાલું હતું પણ તારું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું. હું હિંમત હારી ગયો હતો. મારી પાસે મારા આંસુ અને લાચારી સિવાય કંઈ નહોતું. તને યાદ હશે… મેં તારા હાથ પકડીને કહ્યું હતું, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ તું જતી રહીશ તો હું એકલો પડી જઈશ. તું મારી સામે જોઈ રહી હતી. તારી પીડા મારાથી જોઈ શકાતી નહોતી. મેં તારા માથા પર હાથ મૂક્યો અને હિંમત એકઠી કરી કહ્યું, “હું તને મુક્ત કરું છું, તારા જવાનો સમય આવ્યો છે.”

તું મને છોડવા તૈયાર નહોતી. તે મને અઢળક પ્રેમ કર્યો હતો, આટલી જલદી મને થોડી છોડે? સાંજ થઈ, આકાશ તારી પાસે આવ્યો. તેણે તને કહ્યું, “પ્રાર્થનાની ચિંતા કરતી નહીં. હું તેનું ધ્યાન રાખીશ.”

તું મને કાયમ કહેતી કે, મારે તમારા કરતાં પહેલાં જવું છે. બસ પ્રાર્થનાનું લગ્ન થાય એટલો સમય રોકાવું છે. તા 6ની સવાર થવા આવી હતી. તારો શ્વાસ હજી ચાલુ હતો. મેં તારા માથા પર હાથ ફેરવતાં કહ્યું, “શિવા! હવે તારે જવું પડશે. તું પણ અમને મુક્ત કર.”

- Advertisement -

તારી આંખો બંધ હતી. ખબર નહીં, તને મારી વાત સમજાતી હતી કે નહીં! મેં તને કહ્યું, “તું મને છોડીને જવાની નથી. તું ભૂમિની દીકરી થઈ મારી પાસે પાછી આવવાની છે.”

બસ, આટલું જ કહ્યું ને પછી થોડીવારમાં હું એકલો પડી ગયો. ભૂમિ અને ઉજ્જવલાએ તને લીલી સાડી પહેરાવી. માથામાં મોગરાની વેણી અને સેથીમાં સિંદૂર ભર્યું. તને મોગરાની વેણી ખૂબ ગમતી હતી. ત્યારે તું ખૂબ સુંદર દેખાઈ રહી હતી. કદાચ લગ્ન કરીને આવી ત્યારે પણ આટલી સુંદર દેખાતી નહોતી!

આજે એ દિવસને બરાબર છ મહિના થયા છે. મને લાગે છે હજી ગઈકાલની જ વાત છે. મારી નજર સામે એ દૃશ્ય સતત દોડ્યા કરે છે. એક દિવસ, એક કલાક એવો નથી કે તું મારાથી અળગી થઈ હોય. તું યાદોમાં દોડી આવે એટલે તરત આંખો પણ ભીની થાય છે, પણ હવે મેં કોઈની પણ સામે રડવાનું બંધ કર્યું છે. કારણ કે મારા આંસુની કિંમત અને પીડા કદાચ તારા જેટલું કોઈ નહીં સમજે. હવે હું મને સાચવી લેવાનો પ્રયત્ન કરું છું. છતાં જ્યારે કોઈ પૂછે કે કેમ છો? ત્યારે બહુ ખરાબ લાગે છે. કારણ કે સારું નથી તો પણ ‘સરસ છું’ તેવું કહેવું પડે છે.

તારી આઈને મેં થોડા દિવસ પહેલાં જ ફોન કર્યો. તેમણે મને પૂછ્યું, “કેમ છો તમે?” મેં કહ્યું, “સારો છું.” તો આઈએ તરત કહ્યું, “મારી દીકરી હવે તમારી પાસે નથી તો કેવી રીતે સારા હશો?” મેં કહ્યું, “બીજું શું કહું?”

“આકાશ, ભૂમિ અને પ્રાર્થના મારું ખૂબ ધ્યાન રાખે છે.” મને પ્રાર્થનાએ કહ્યું, “એક દિવસ આઈ કહેતી કે હું જઈશ તો તારા બાબા એકલા પડી જશે.” તો શિવા! તારી વાત સાચી છે. આસપાસ ઘણા બધા હોવા છતાં બધાની વચ્ચે એકલો પડી રહ્યો છું, પણ મારે હવે આકાશ, ભૂમિ અને ખાસ પ્રાર્થના માટે મજબૂત દેખાવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રાર્થનાનું લગ્ન પણ બાકી છે. તું હતી તો ઘર ભરેલું રહેતું હતું. મારા મિત્રો અને મહેમાનો જાણ કર્યા વગર આવી શકતા હતા. પણ શિવા તને ખબર છે? તારા ગયા પછી હવે મહેમાન અને મિત્રો કોઈ આવતા નથી. કદાચ તેમને પણ હવે તારા વગરનાં ઘરમાં આવવું ગમતું નહીં હોય.

તું મારી તાકાત હતી. મારી આંખમાં આંસુ તને હરગીજ મંજૂર નથી તેની મને ખબર છે. એટલે પોતાને સાચવી લેવા હું રોજ સવારે પાંચ વાગે ઊઠી આપણે જે કીટલી પર ચ્હા પીવા જતાં હતાં ત્યાં જઈ ચ્હા પીવું છું. રનિંગ કરતો કરતો રિવરફ્રન્ટ જઉં છું. આપણે જે બાંકડા ઉપર બેસતાં હતાં ત્યાં જઈને બેસું છું અને તને યાદ કરાવતાં કહું છું, “શિવા! તને યાદ છેને? આપણે અહીંયાં જ બેસતાં હતાં.”

આપણે જ્યાં પણ સાથે જતાં હતાં, એ બધી જ જગ્યાએ હું જઉં છું ત્યારે મને સારું લાગે છે. તું મારી સાથે જ છે; તેવો અહેસાસ પણ થાય છે. આ ક્ષણે હું તને કહેવા માગું છું કે, મને એક સારો માણસ બનાવવામાં તે ખૂબ મહેનત કરી છે. મને ખબર છે, તું પણ મારા વગર રહી શકીશ નહીં. તું ભૂમિનાં પેટે પાછી આવવની જ છે. બસ, એટલું જ કહેવું છે કે, શક્ય એટલી વહેલી આવજે. એકલા એકલા બહુ ખરાબ લાગે છે. હવે તું નથી ત્યારે સવારથી સાંજ સુધી પ્રાર્થનાની ક્યારેય નહીં ખૂટનારી વાતો હું સાંભળું છું. આકાશ અને ભૂમિ પણ મારું અને પ્રાર્થનાનું ધ્યાન રાખે છે. રોજ ઘરની બહાર નીકળતા તારી તસવીર પાસે ઊભો રહીને કહું છું, “આવું છું હમણાં. અમારું ધ્યાન રાખજે.”

ચાલ, આજે આટલી વાત પૂરતી છે, પત્ર લખતો રહીશ.

તારો પ્રશાંત

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular