Tuesday, May 26, 2026
HomeGujaratઅરવલ્લીમાં પોલીસ ભરતીના ઉમેદવારોને મેદાનમાં મળી રહી છે ફ્રી ટ્રેનિંગ અને એક્સપર્ટ...

અરવલ્લીમાં પોલીસ ભરતીના ઉમેદવારોને મેદાનમાં મળી રહી છે ફ્રી ટ્રેનિંગ અને એક્સપર્ટ ટિપ્સ

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી પોલીસ ભરતીને લઈને રાજ્યભરના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો ખાખી વર્દીના સપનાને સાકાર કરવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ આ યુવાનોની વ્હારે આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ઉમેદવારો શારીરિક કસોટીમાં સફળતાપૂર્વક પાસ થઈ શકે તે માટે ખાસ તાલીમ અને માર્ગદર્શન આપવાની પ્રશંસનીય પહેલ શરૂ કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ આ આખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (RPI) કચેરીના અનુભવી અધિકારીઓ મેદાન પર હાજર રહીને ઉમેદવારોને જરૂરી તાલીમ આપી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા ખાસ કરીને પોલીસની તૈયારી કરતા યુવાનો માટે મેદાન ખુલ્લું મુકવામાં આવ્યું છે, જ્યાં દોડ સહિતની તમામ શારીરિક કસરતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

- Advertisement -

વર્તમાન સમયમાં દરરોજ સવાર અને સાંજ દરમિયાન સરેરાશ 100થી વધુ ઉમેદવારો આ મેદાનમાં પ્રેક્ટિસ માટે ઉમટી રહ્યા છે. અહીં માત્ર મેદાનની સુવિધા જ નહીં, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારોને દોડવાની સાચી ટેકનિક, સમયનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું અને પોતાની શારીરિક ક્ષમતા (Stamina) કેવી રીતે વધારવી તે અંગે પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. નિષ્ણાત અધિકારીઓના અનુભવનો લાભ મળવાને કારણે ઉમેદવારોના આત્મવિશ્વાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

પોલીસ ભરતીની તૈયારી કરતા સ્થાનિક યુવાનો માટે કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાને કારણે સમગ્ર જિલ્લામાં હકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘીદાટ ખાનગી એકેડમીઓમાં જઈ શકતા ન હોય તેવા સામાન્ય પરિવારના યુવાનો માટે પોલીસની આ પહેલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અરવલ્લી પોલીસની આ કામગીરી યુવાનોને યોગ્ય દિશા આપી તેમના સપના સાકાર કરવામાં મહત્વની કડી બની રહેશે.

અરવલ્લી પોલીસની આ સંવેદનશીલ અને પ્રેરણાદાયી કામગીરીએ સાબિત કર્યું છે કે ‘ખાખી’ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક પણ બની શકે છે. જ્યારે પોલીસ પોતે જ યુવાનોને તૈયાર કરવા મેદાનમાં ઉતરે છે, ત્યારે તે સમાજ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમની આ નિઃસ્વાર્થ પહેલ ખરેખર અન્ય જિલ્લાઓ માટે પણ અનુકરણીય છે, જે આવતીકાલના કર્મનિષ્ઠ પોલીસ જવાનો તૈયાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular