Friday, May 1, 2026
HomeGeneralએક પોલીસ કોન્સ્ટેબલે હર્ષ સંઘવીને કહ્યું સાહેબ મારા પિતાને કેન્સર છે, મારો...

એક પોલીસ કોન્સ્ટેબલે હર્ષ સંઘવીને કહ્યું સાહેબ મારા પિતાને કેન્સર છે, મારો માળો વિખરાઈ રહ્યો છે, મને મદદ કરો, જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન. અમદાવાદ): હર્ષ સંઘવી સાહેબ મારા પિતાને કેન્સર છે મારી બદલી હિંમતનગરથી પાંચસો કિલોમીટર દૂર કરવામાં આવી છે, મેં સ્વૈચ્છીક રાજીનામુ મુકયું છે પણ મારું રાજીનામુ સ્વીકારવામાં આવતુ નથી અને મને પોરબંદર હાજર થવા માટે દબાણ કરવામાં આવે છે મારી સાથે ન્યાય કરો. આ શબ્દો હિંમતનગરના પોલીસમાં કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમારે સોશીયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં સાંભળવા મળે છે.



પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમારની જીંદગીમાં એવુ બન્યુ કે કોરોનાની બીજી લહેરમાં નરેન્દ્રસિંહની મા જશીબા ઝપેટમાં આવી ગયા, ઘરે સારવાર લીધા બાદ પણ સ્થિતિ નહીં સુધરતા નરેન્દ્રસિંહ પોતાની જશીબાને લઈ સારવાર માટે ખુબ ભટકયા, પણ આખરે જશીબાએ ઓક્સિજનના અભાવે જીવ છોડ્યો, પોલીસમાં વીસ વર્ષ નોકરી કરનાર નરેન્દ્રસિંહને આખા હિંમતનગરમાં અનેક લોકો અને ડૉક્ટર ઓળખતા હતા, આમ છતાં સ્થિતિ એવી નિર્માણ થઈ હતી નરેન્દ્રસિંહની મદદ કોઈ કરી શક્યું નહીં. પોતાની નજર સામે ઓક્સિજનના અભાવે પોતાની માતાને આંખ સામે મરતી જોઈ, જેનો આઘાત નરેન્દ્રસિંહને એટલો લાગ્યો કે તેમણે પોલીસની નોકરી છોડી દેવાનો નિર્ણય કરી સ્વૈચ્છીક રાજીનામું પોલીસ વડાને મોકલી આપ્યું હતું, તમામ કાયદાકીય વિધિ પૂરી કર્યા બાદ નરેન્દ્રસિંહનું રાજીનામું મંજુર કરી તા 31મી ડિસેમ્બર 2021ના રોજ છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પણ તા 25 ઓક્ટોબર 21ના રોજ પે ગ્રેડના મુદ્દે પોલીસ આંદોલન શરૂ થયું, નરેન્દ્રસિંહનો આખો પરિવાર પોલીસમાં હોવાને કારણે પોલીસને આર્થિક રીતે થઈ રહેલા નુકસાનથી તેઓ વાકેફ હતા, એટલે તેમણે આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, નરેન્દ્રસિંહની જેમ જેટલા પોલીસવાળાએ આંદોલને જાહેરમાં સમર્થન આપ્યું તે તમામ બદલી જિલ્લા બહાર કરી દંડ કરવામાં આવ્યો હતો. જેમાં નરેન્દ્રસિંહની બદલી હિંમતનગરથી પોરબંદર કરવામાં આવી હતી. આ સ્થિતિને નરેન્દ્રસિંહ સંભાળે તે પહેલા બીજી ઘટના એવી બની કે નરેન્દ્રસિંહના પિતાને પેટનું કેન્સર હોવાની જાણકારી મળી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી.



એટલે નરેન્દ્રસિંહ પોરબંદરમાં પોતાની ફરજના સ્થળે હાજર થઈ રજા ઉપર ઉતરી પિતા પાસે પરત ફર્યા કારણ તેમની નોકરી કરતા તેમની સારવાર વધુ જરૂરી છે, પોરબંદર ખાતે ફરજ ઉપર ગેરહાજર હોવાને કારણે પોરબંદર પોલીસ દ્વારા સતત તેમને પરત આવવાનો લેખિતમાં આદેશ આપવામાં આવે છે, બીજી તરફ નરેન્દ્રસિંહ દ્વારા મુકવામાં આવેલી સ્વૈચ્છીક નિવૃત્ત પણ રદ કરી દેવામાં આવી છે, આખા મામલે વ્યથિત થયેલા નરેન્દ્રસિંહે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સંબોધતો વીડિયો બનાવી સોશીયલ મીડિયા મારફતે તેમનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે, આ મામલે નરેન્દ્રસિંહનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે મારા ઘરની અને પિતાની સ્થિતિ સારી નથી, હાલમાં પિતાની સારવાર વધારે જરૂરી છે, પણ હું પાંચસો કિલોમીટર દૂર રહું તો મારા પિતાની સારવાર કેવી રીતે થાય, મેં આ સંબંધે રજુઆત કરવા મારા પોલીસ વડા સહિત સંબંધિત અધિકારીઓને મળવાનો પ્રયાસ કર્યો પણ કોઈ મને મળવા સુધ્ધા તૈયાર નથી.

- Advertisement -

જેના કારણે જ આ વીડિયો બનાવી હું ગૃહમંત્રીનું ધ્યાન દોરવા માંગું છું કે, મારા પરિવારનો માળો વિખરાઈ રહ્યો છે, મેં રાજીનામું આપી દીધું છે બસ તેનો સ્વીકાર કરી લેવામાં આવે એટલી જ મારી વિનંતી છે કારણ અત્યારે નોકરી કરતા મારો પરિવાર વધારે મહત્વનો છે જુઓ Video…

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular