નવજીવન ન્ચૂઝ.અરવલ્લીઃ સામાન્ય રીતે દારૂનું વેચાણ કરતા બુટલેગરને પકડવાની જવાબદારી પોલીસની હોય પણ જો કોઈ પોલીસ કર્મચારી જ દારૂના ધંધામાં જોડાઈ જાય તો! જોકે આવું પહેલી વખત નથી બન્યું ઘણા પોલીસકર્મીઓ દારુના ધંધાની મબલખ કમાણી જોઈ એ રસ્તા પર દોડવા લાગ્યાના ઘણા કિસ્સાઓ છે. અમદાવાદની વિશેષ શાખામાં ફરજ બજાવતા તુષાર ગોરધન પટેલ નામના પોલીસ કર્મચારીને મેઘરજ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેને કારમાં બે મિત્રો સાથે દારૂની હેરાફેરી કરતો દબોચી લીધો છે. મેઘરજ મહિલા પીએસઆઈ પરમારે આ બિલકુલ ન ચલાવી લેતા બુટલેગર બનેલા પોલીસકર્મી અને તેના સાથીદારો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ પીએસઆઈ એચ.એસ પરમાર અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા ગેલી માતાના મંદિર નજીક રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાનમાં વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર આવતી હોવાની બાતમી પોલીસને મળી, બાતમી મુજબની કારને અટકાવી પોલીસે તપાસ કરતા કારના ગુપ્ત ખાનામાંથી બિયર ટીન-41 રૂ.6150/- મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન કાર ચાલક તુષાર પટેલે અમદાવાદમાં પોલીસકર્મી હોવાનું જાણતા પોલીસ ચોકી ઉઠી હતી.
મેઘરજ પોલીસે કાર ચાલક પોલીસકર્મી તુષાર ગોરધન પટેલ તેમજ કારમાંથી અન્ય બે બુટલેગરોને દબોચી લીધા અને વિદેશી દારૂ, મોબાઈલ અને કાર મળી રૂ.1.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
પોલીસકર્મી સહિતના આરોપીઓ કોણ કોણ
1) તુષાર ગોરધન પટેલ (રહે, નારાયણ પાર્ક, નિકોલ-અમદાવાદ)
2) સુરેશ ઉર્ફે મામા છગન પટેલ (રહે, સંસ્કાર ધામ સોસાયટી-નિકોલ, અમદાવાદ)
3 )રાજુ પોપટ કોટડીયા (રહે, વલ્લભ બંગ્લોઝ, નિકોલ રોડ, અમદાવાદ)








