નવજીવન ન્યૂઝ. પાટણ: ગુજરાતમાં સતત લાંચ લેતા અધિકારીઓને ACB દ્વારા પકડવામાં આવે છે, પરંતુ આ લાંચિયા બાબુઓ આ ધરપકડો અને કાર્યવાહીમાંથી શીખ લેતા નથી અને વધુને વધુ લાંચની માગણી કરીને સામાન્ય માણસોને હેરાન કરે છે. આજે આવા જ એક લાંચિયા અધિકારીની ACBએ પાટણમાં અટકાયત કરી છે. પાટણના નાયબ મામલતદારે જમીનને બિનખેતી કરવા માટે 5 લાખની લાંચની માગણી કરી હતી અને લાંચ સ્વીકારતા ACBએ આ અધિકારીને રંગેહાથે ઝડપી પડ્યો હતો.
ફરિયાદીને પોતાની જમીનને બિનખેતી કરવાની હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી પર કાર્યવાહી કરીને જમીનને NA કરી આપવા માટે નાયબ મામલતદાર અલ્પેશ ખેરે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી અને લાંચ આપવા માટે સ્થળ અને સમય પણ આપ્યો હતો. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ACBને આ અંગે ફરિયાદ કરી હતી.
ACBને ફરિયાદ મળતા આરોપી મામલતદાર અલ્પેશ ખેરે આપેલી સ્થળ અને સમય પર પાટણ ACBના PI એમ. જે. ચૌધરીએ લાંચનું છટકું ગોઠવું હતું અને આરોપીને રંગેહાથે ઝડપી લીધો હતો. હાલ ACB દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.








