Parvesh Verma Slap Video : પશ્ચિમ દિલ્હીના તિલક નગર વિસ્તારમાં રોડ નિરીક્ષણ દરમિયાન દિલ્હી PWD મંત્રી પરવેશ વર્માએ વીડિયો બનાવી રહેલા એક વ્યક્તિને થપ્પડ માર્યાનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. અહેવાલ મુજબ, આ ઘટના રોડની ગુણવત્તાને લઈને પરવેશ વર્મા અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય જરનેલ સિંહ વચ્ચે થયેલા ઉગ્ર બોલાચાલી દરમિયાન બની હતી.
વીડિયોમાં પરવેશ વર્મા એક વ્યક્તિનો મોબાઈલ ફોન નીચે ખેંચતા અને ત્યારબાદ તેને થપ્પડ મારતા જોવા મળે છે. બંને વચ્ચે થોડા સમય માટે સામસામેની સ્થિતિ સર્જાય છે, ત્યારબાદ એક સુરક્ષા કર્મચારી વચ્ચે આવીને બંનેને અલગ કરે છે. વીડિયો બનાવનાર વ્યક્તિની ઓળખ સાહિબ સિંહ તરીકે કરવામાં આવી છે, જે ધારાસભ્ય જરનેલ સિંહની સોશિયલ મીડિયા કામગીરી સંભાળે છે, તેમ અહેવાલોમાં જણાવાયું છે.
(આ વીડિયોમાં ઉગ્રતા છે, તમારી વિવેક બુદ્ધીથી વીડિયો જોશો.)
રોડ નિરીક્ષણ દરમિયાન વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે જરનેલ સિંહે વિસ્તારમાં નવા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા. AAP ધારાસભ્યએ રોડની સપાટીનો એક ભાગ હાથથી ઉખાડીને તેના ટુકડા મંત્રીને બતાવ્યા હતા અને રોડનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કર્યો હતો.
ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે રોડના કામને લઈને બોલાચાલી થઈ હતી. પરવેશ વર્માએ અગાઉની સરકાર પર પોતાના કાર્યકાળ દરમિયાન રોડનું નિર્માણ કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે જરનેલ સિંહે ચાલી રહેલા રોડના કામની ટકાઉપણાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. પરવેશ વર્મા સ્થળ પરથી જવા લાગ્યા ત્યારે જરનેલ સિંહ તેમની પાછળ જતા રહ્યા હતા અને સાહિબ સિંહ સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વીડિયોમાં પરવેશ વર્મા જરનેલ સિંહ તરફ ફરીને સાહિબ સિંહને મારતા દેખાય છે.
ANI સાથે વાત કરતા સાહિબ સિંહે આક્ષેપ કર્યો હતો કે તેઓ સમગ્ર વાતચીતનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા ત્યારે પરવેશ વર્માએ તેમના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી લીધો અને તેમને થપ્પડ મારી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મંત્રી સાથે આવેલા સુરક્ષા કર્મચારીઓએ તેમને ધક્કો માર્યો અને ધમકી આપી હતી. સાહિબ સિંહે જણાવ્યું કે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(આ વીડિયોમાં અપશબ્દ હોઈ શકે છે. તમારી વિવેક બુદ્ધીથી નિર્ણય કરીને જુઓ)
આ ઘટનાને લઈને AAPના નેતાઓએ પરવેશ વર્માની ટીકા કરી છે અને કાર્યવાહી કરવાની માગ કરી છે. રોડની ગુણવત્તાને લઈને ઉઠાવવામાં આવેલા આક્ષેપો અંગે પણ AAP ધારાસભ્ય અને પાર્ટીના નેતાઓ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના દિલ્હીમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામની ગુણવત્તાને લઈને BJP-led દિલ્હી સરકાર અને AAP વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે બની છે.








