Gujarati pilgrims stranded in Kedarnath sought help from the Gujarat government : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ છે. કેદારનાથ યાત્રામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અધવચ્ચે ફસાઈ ગયા છે. વરસાદે વિરામ લેતા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે અને 1300થી વધુ યાત્રિકોને રેસ્કયૂ કરાયા છે. ચાર ધામ યાત્રા માટે ગયેલા ગુજરાતીઓ પણ આ યાત્રામાં ફસાઈ જતા તેમણે ગુજરાત સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે.
અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી અનેક ગ્રુપ કેદારનાથના દર્શન કરવા ગયા છે અને કુદરતી કહેરના કારણે તેઓ અધવચ્ચે ફસાઈ ગયા છે. પાણી અને ભોજનના અભાવ વચ્ચે અનેક યાત્રિકોની હાલત કફોડી બની છે. કેટલાંક યાત્રાળુઓએ તેમના સ્વજનને મોકલેલા વીડિયો પરથી સ્થિતિ ગંભીર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખુલ્લા આકાશ નીચે તંબુઓમાં આશરો લઈ રહેલા લોકો અને પહાડો પર છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણની સ્થિતિ દર્શાવી છે. સુરતમાં રહેતા એક પરિવારના સ્વજન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ વીડિયો મોકલી સ્થિતિ વર્ણવી છે.
આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સુરતના અલથાણના રહિશ રંજનબહેન પંચાલે કેદારનાથથી એક હૃદયદ્રાવક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ રડતાં-રડતાં જણાવી રહ્યાં છે કે, ‘હું રંજન પંચાલ… અમે પરમ દિવસના કેદારનાથ આવ્યા છીએ. સતત વરસાદના કારણે અમે અહીંયા ફસાયા છીએ. ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમને અહીંયાથી સારી રીતે અમારા સ્થળે પહોંચાડવા માટે હેલ્પ કરે. અમારા ગ્રૂપમાં પણ બહુ બધા માણસો છે. પ્લીઝ અમને હેલ્પ કરો…’








