નવજીવન ન્યૂઝ. ગોધરા: ગોધરાના લીલેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ઘોડો રખડી રહ્યો હતો. જો કે આ ઘોડાએ શુક્રવારે રાહદારીઓની પાછળ દોટ મૂકીને કરડવાનો પ્રયાસ પણ કરતો હતો. બેકાબૂ થયેલા આ ઘોડાએ બે રાહદારીઓને બચકાં પણ ભર્યા હતા. અંતે ભારે જહેમત બાદ ઘોડાને પકડી પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના લીલેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક ઘોડો વિસ્તારમાં રખડી રહ્યો હતો. આ ઘોડાએ શુક્રવારે વિસ્તારમાં દહેશત મચાવી દીધી હતી. ઘોડો રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને જોઇને તેમની પાછળ દોડીને બચકાં ભરવાનો પ્રયત્ન કરતો હતો. ઉપરાંત આ ઘોડાએ એક જ દિવસમાં બે લોકોને બચકાં ભરી લીધા હતા. જેમાં હારુનભાઈ મન્સૂરી પોતાના ઘર પાસે ઊભા હત તે દરમિયાન ઘોડો અચાનક તેમની સામે આવી ગયો હતો. ઘોડાથી બચવા માટે થઈને તેમણે હાથ આગળ લાવતા હાથના અંગૂઠામાં ઘોડાએ બચકું ભરી લીધું હતું. જેથી હારુનભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું અંગૂઠાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ આ ઘોડાએ સાવલીવાડમાં રહેતા સોહિલભાઈ મન્સૂરી ગોન્દ્રા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ઘોડાએ આવીને પીઠના ભાગે બચકું ભર્યું હતું. સોહિલને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બેકાબૂ ઘોડાથી સમગ્ર વિસ્તારમાં દહેશત પ્રશરી ગઈ હતી. આ વાતની જાણ નગરપાલિકાના પૂર્વ સભ્ય યાકુબ બક્કરને થતાં તેમણે સ્થળ પર આવીને સ્થાનિકોની મદદથી બેકાબૂ બેનલા ઘોડાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘોડાએ તે લોકોની પણ પછાળ દોડીને બચકાં ભરવાના પ્રયત્ન કરતો હતો.
અંતે ઘોડાને પકડવા માટે નગરપાલિકા ફાયર બ્રિગેડ અને એનિમલ હેલ્પલાઇનને મદદ માટે જાણ કરવામાં આવી હતી અને રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અડધો કલાકના અંતે ભારે મહેનતથી ઘોડોને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘોડા બાબતે પશુ ચિકિત્સક ડો. ભૌમિક પંચાલે જણાવ્યુ હતું કે ઘોડાની પ્રાથમિક લક્ષણથી ઘોડાને હડકવાની અસર થઈ હોવાની શક્યતા યક્ત કરી હતી. ત્યારે આ વિસ્તારમાં લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે આખરે આ ઘોડાનો માલિક કોણ છે અને શા માટે તેને આવી રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
![]() |
![]() |
![]() |











