તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ): રાજકોટ શહેરમાં મુખ્યત્વે યુવાનોને નિશાન બનાવી જુગારના રવાડે ચઢાવતી ઓનલાઈન જુગારની બદ્દી બેફામ ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેર એલસીબી ઝોન-2ની ટીમ દ્વારા ગતરોજ તારીખ 18 જૂલાઈના રોજ ઓનલાઈન જુગાર રમતા એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી ગૌરવ કિશોરભાઈ ગોસ્વામી વિવો કંપનીના મોબાઈલ ફોનમાં AllPaanel નામની વેબસાઈટ પર આઈડી ખોલી ક્રિકેટનો સટ્ટો લગાવતો હતો. મહત્વની વાત છે કે આ આરોપી જુગારની રકમ લેવડ-દેવડ ગુગલ પે અને ફોન પે જેવા પ્લેટફોર્મથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શ કરતો હતો ત્યારે પોલીસ આ ખાતા ધારકો સુધી પહોંચી શકે તેમ છે.
ફરિયાદ પરથી મળતી માહિતી મુજબ રાજકોટ શહેર એલસીબી ઝોન-2ની ટીમના કર્મચારીઓને શહેરના કરણસિંહજી રોડ પર યુવાન ઓનલાઈન જુગાર રમતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પહોંચેલા કર્મચારીઓએ આરોપી ગૌરવ કિશોરગીરી ગૌસ્વામીના વિવો મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ જોતા અને બીજા મોબાઈલમાં Allpaanel નામની વેબસાઈટ ખોલી તેમાં શ્રીલંકા-પાકિસ્તાન મેચમાં રનફેરનો સટ્ટો લગાવતો પકડી પાડ્યો હતો. એલસીબી ઝોન-2ની ટીમે જાહેરમાં જુગાર રમતા આરોપી વિરૂધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
આ કેસમાં આરોપીને વેબસાઈટમાં જુગાર રમવા આઈડી કોણે આપ્યું અને પૈસાના વ્યવહારો કેમ થતા હતા તે મામલે પી.એસ.આઈ. બારૈયા જણાવે છે કે, આરોપીએ ઓનલાઈન લીંક મારફતે આઈડી મેળવ્યું હતું જેના પૈસાની લેવડ-દેવડ ગુગલ પે ફોન પે જેવી એપ્લિકેશન મારફતે થતું હતું. આ ગુગલ પે અને ફોન પે કે જે ખાતામાં વ્યવહારો થતા હતા તે પોલીસે મેળવી લીધા છે અને તે ખાતા ધારકો વિરૂધ્ધ કાર્યવાહી પોલીસ કરશે.
આ તમામ બાબતો વચ્ચે મોટો સવાલ છે કે, રાજકોટ શહેર પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ થયેલી ઘણી ફરિયાદોમાં પણ આ પ્રકારે જ આરોપીઓ ઓનલાઈન આઈ.ડી. લેતા ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરતા તેવા કિસ્સા છે પરંતુ કોઈ મોટી કાર્યવાહી થઈ હોય તેવી બાબત ધ્યાને નથી આવી તો આ કેસમાં શું થશે તેની લોકો રાહ જોઈ રહ્યાં છે. કારણ કે આ બદ્દી રાજકોટ શહેરના યુવાધનને બરબાદ કરી રહી છે છતાં તેને નાથવામાં પોલીસના પગલા અપૂરતા હોય તેવું લોકોનું માનવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 30 એપ્રિલ 2022ના રોજ દાખલ થયેલા ગુનાનો આરોપી પણ આજ વેબસાઈટ AllPaanel પર સટ્ટો રમી રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં પણ આરોપી ઓનલાઈન આઈડી મેળવી જુગાર રમતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે પરંતુ ઓનલાઈન મારફતે જુગાર રમતા સટ્ટોડીયા સાથે પૈસાની લેવડ-દેવડ કરે તેમના થકી મુખ્ય માથા સુધી પહોંચી કાર્યવાહી કરી હોય તેવું ધ્યાને આવ્યું નથી.