Wednesday, December 11, 2024
HomeGujaratદરેક લડાઈ જીતવા માટેની હોતી નથી,કયારેક માહ્યલાને જીવતો રાખવા લડવુ પડે છે

દરેક લડાઈ જીતવા માટેની હોતી નથી,કયારેક માહ્યલાને જીવતો રાખવા લડવુ પડે છે

- Advertisement -

છેલ્લાં ત્રણ મહિનાથી ખેડુત આંદોલન ચાલી રહ્યુ છે, ખેડુત આંદોલનના મુદ્દે મિડીયા પણ બે ભાગમાં વહેચાયેલુ છે,જો કે આ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે આમ તો મિડીયાનું કામ મોટા ભાગે પ્રજાની સાથે રહીં તંત્રના કાન પકડવાનું છે, પરંતુ લાગે છે હવે તેવુ પત્રકારત્વ ભુતકાળ બનતો જાય છે, પત્રકારત્વની શાળામાં જે પ્રકારની તાલીમ મળે છે તેમાં પરિસ્થિતિ સામે લડવાનું શીખવાડવામાં આવે છે, પરંતુ બહાર નિકળ્યા પછી સમજાય છે કે અહિયા તો આપણે પરિસ્થિતિને તાબે કેમ રહેવુ તેની તાલીમ મળે છે,જેના કારણે પત્રકારત્વની શાળાની તાલીમ અને વાસ્તવીક દુનિયામાં મળી રહેલી તાાલીમ વચ્ચે મોટા ભાગના પત્રકારોના મનમાં દ્વંધનો જન્મ થાય છે,આ માનસીક પરિસ્થિતિમાં પત્રકારને પોતાના વૃધ્ધ માતા-પિતા પત્ની, બાળકો અને સામાજીક જવાબદારીનું ભાન થાય છે ત્યારે તે બકબક કરતા પોતાના મનને શાંત રહેવાનો આદેશ આપે છે, જો કે તે પોતાના મનને તો શાંત કરે છે પણ તે ખુશ હોતો નથી.,

બહુ ઓછા પત્રકારો સામા પ્રવાહે તરવાની હિમંત કરી શકે છે, રક્ષીતસિંહ જેવા બહુ ઓછા પત્રકારો હોય છે જે આવતીકાલને જોયા વગર આંઘળી હિમંત કરે છે, આવા રક્ષીતસિંહ માત્ર પત્રકારત્વની દુનિયામાં નહીં તમામ ક્ષેત્રોમાં આ પ્રકારના માણસો હોય છે, રક્ષીતસિંહને નોકરી છોડતા પહેલા પોતાની સાથે બહુ લાંબી લડાઈ લડવી પડી હશે,રક્ષીતે જયારે નોકરી છોડવાનું મન બનાવ્યુ હશે ત્યારે પોતાની અંદર રહેલા કેટલા બધા ડરને હરાવવા પડયા હશે, નોકરી છુટી જવી એક ઘટના છે પણ કોઈ મુદ્દાને લઈ ખાસ કરી પોતાનો અંગત સ્વાર્થ ના હોય તેવા અન્ય કોઈના હિતમાં નોકરી છોડવી બહુ હિમંત માંગે તેવી ઘટના છે,ખેર રક્ષીતસિંહે તેવી હિમંત કરી નાખી, આવતીકાલે રક્ષીત સાથે શુ થશે અથવા તેની આવતીકાલ કેવી હશે તેની જાણકારી માટે સમયની જ રાહ જોવી પડશે.

- Advertisement -

દરેક દસકામાં બીજા માટે લડનાર જુજ લોકો હોય છે, તેનો અર્થ એવો પણ નથી કે જેઓ લડતા નથી તેઓ ડરપોક અને અપ્રમાણિક હોય છે, જેઓ લડતા નથી તેઓ પણ માણસ તરીકે એટલા જ ઉત્તમ હોય છે પરંતુ કેટલીક બાબતો ઈશ્વરી ભેટ જેવી હોય છે,કેટલાંક જન્મજાત લડવૈયા હોય છે કેટલાંક બીજાને લડતા જોઈ મેદાનમાં ઝંપલાવે છે. પણ સમસ્યા એવી છે કે જેઓ લડતા નથી તે નજર સામે દેખાતા સત્યને જાણતા નથી તેવુ નથી, તેમની સમજ અંગે પણ કોઈ શંકા નથી,એક લડાયક માણસને જે સમજાય છે તે બધુ જ લડાઈના બહાર બેઠેલાને પણ સમજાય છે,જેઓ મેદાનની બહાર બેઠા છે તેમની અંદર પણ ગુસ્સો અને નારાજગી હોય છે, પણ બધાની રક્ષીતસિંહ થવાની હિમંત હોતી નથી રક્ષીતસિંહ ના થઈ શકાય તો વાંધો નથી, પણ જેટલા પણ રક્ષીતસિંહ બહાર નિકળે છે તેમની ટીકા પણ થવી જોઈએ નહીં, પણ સામાન્ય રીતે તેવુ થતુ નથી, આપણે રક્ષીતસિંહ જેવી વ્યકિતને મુર્ખ,જીદ્દી અને ઉતાવળીયો માની બેસીએ છીએ.

કોઈ પણ લડાઈ એક સરખી પધ્ધતિથી લડાતી નથી, અને દરેક લડાઈ જીતવા માટેની હોતી પણ નથી, કયારેક પોતાની અંદરના માણસને જીતવા માટે પણ લડવુ પડે છે કદાચ રક્ષીતે પણ તેવુ જ કર્યુ છે પરંતુ હવે જેઓ મેદાનની બહાર બેઠા છે તેમને તેઓ રક્ષીત થઈ શકતા નથી તેનો રંજ છે,તેઓ પોતાનો રંજને શાંત કરવા માટે રક્ષીતની પીઠ થાબડવાને બદલે રક્ષીતને ભાંડવાનું શરૂ કરે છે, રક્ષીત તો પ્રતિકાત્મક છે, પણ બધા રક્ષીતોની વિવિધ ક્ષેત્રમાં આવી જ સ્થિતિ છે, જેઓ લડતા નથી ,તેઓ લડાઈ લડનારનો હિસ્સો બને નહીં તો વાંધો નહીં પણ બહાર બેઠેલા લોકો લડાઈ લડનારનો જુસ્સો તોડવાનો પ્રયત્ન કરે છે આપણે લડી શકીએ નહીં તો વાંધો નહીં પણ કયારેક લડાઈ લડનારની ટીકા કરવાને બદલે મૌન રહીએ તો પણ ઘણુ છે,સામાન્ય રીતે જેઓ લડતા નથી તેમના મનમાં એક પ્રકારનો દોષીત ભાવ હોય છે, જયારે તેઓ કોઈ લડનારને જુવે છે ત્યારે દોષીતભાવ બેવડાય છે તેવા સંજોગોમાં તેઓ પોતાની દોષીતભાવને શાંત કરવા જે લડે છે તેને ખોટો સાબીત કરવા તેની ઉપર તુટી પડે છે..

મેં પહેલા પણ કહ્યુ તેમ જેઓ લડે છે તેઓ ઉત્તમ છે પરંતુ જેઓ લડતા નથી તેઓ પણ માણસ તરીકે એટલા જ ઉત્તમ છે લડવુ અથવા ના લડવુ તે વ્યકિતગત પસંદગી છે પણ તેઓ અર્થ એવો પણ નથી જેઓ લડતા નથી તેઓ કાયર છે, જેવી લડાઈ નહીં લડનારની સમસ્યા છે તેવી લડાઈ લડનાર પણ સમસ્યા છે જેઓ લડાઈ લડે છે તેઓ પોતાને બીજા કરતા જુદા સમજે છે અને કહેવાતા બહાદુરીત્વનો ભોગ બને છે, આ માનસીક દશા જોખમી છે કારણ પોતે બીજા કરતા બહાદુર છે તેવી મનોદશા ભુલ કરાવી શકે છે, આમ જેઓ લડે છે અને જેઓ લડતા નથી તેમણે સાવચેતીપુર્વક પોતાનો સંભાળી લેવાની જરૂર છે જયારે એક ટોળુ કાયમ આપણી આસપાસ એવુ હોય છે જેમને કોઈ પણ ઘટના અંગે સ્નાનસુતક સંબંધ હોતો નથી પરંતુ તેઓ સતત હાકલા પડકારા કરતા હોય છે, તેઓ અમદાવાદના સોલાથી લઈ સીરીયા સુધીના પ્રશ્ન ઉપર બોલી શકે છે. આ ટોળાના દેકારામાં એક સુર હોતો હોતો,ટોળુ એક સાથે અલગ અલગ વાત કરે છે, સોશીયલ મિડીયાના યુગમાં આ પ્રકારનો ટોળાથી પોતાને બચાવી રાખવી જરૂરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular