સપ્ટેમ્બર 2020ની વાત છે, હું નવજીવન ટ્સ્ટની ઓફિસમાં બેઠો હતો, મને કોઈએ જાણ કરી કોઈ બે વ્યકિતઓ મળવા આવી છે,મેં તેમને બેસાડયા,એક આશરે પચ્ચીસ-સત્યાવીસ વર્ષનો યુવાન હતો, તેની સાથે તેની એકદમ યુવાન હતો, બંન્નેના પહેરવેશ ઉપરથી અંદાજ આવતો હતો કે તેઓ ખુબ સામાન્ય માણસ છે,તેમના વ્યવહાર અને શબ્દોમાં ડર સાથેનો સંકોચ પણ હતો, મેં તેમને આવવાનું કારણ પુછયુ તો જે ઉમંરમાં થોડો મોટો હતો,તેણે પોતાની સાથે રહેલા યુવાન તરફ ઈશારો કરતા કહ્યુ આ મારો નાનો ભાઈ ફૈઝાન છે, એટલુ બોલ્યા પછી તેના ચહેરા ઉપર એક પ્રકારની ઉદાસીનતા છવાઈ ગઈ,તેણે કહ્યુ સાહેબ મારે પણ ભણવુ હતું, પણ મારા પિતા પાસે પૈસા ન્હોતા,એટલે દસમાં પછી અમે ભણી શકયા નહીં .
મેં પુછયુ તમને મારુ નામ અને સરનામુ કોણે આપ્યુ , આ સાંભળતા આ યુવાન ઉપર ચમક આવી ગઈ, તે જાણે મને પુછી રહ્યો હોય તે રીતે કહ્યુ તમારી સાથે દિવ્ય ભાસ્કરમાં નાસીરભાઈ કામ કરતા હતાને… તેમણે અમને કહ્યુ ફૈઝાનને ભણાવજો.. અમે તો પૈસાના અભાવે ભણી શકયા નહીં એટલુ કહી તેણે ફૈઝાનના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ મારે તેને ભણાવો છો, તમારો જેવો પત્રકાર બનાવવો છે, મેં ફૈઝાન સામે જોઈ પુછયુ ફૈઝાન શુ કરે છે અને કયાં રહે છે, ફૈઝાનને સ્કુલનો બાળક જવાબ આપે તેમ અદબ વાળતા કહ્યુ 12ની પરીક્ષા પાસ કરી કોલેજનાં પહેલા વર્ષમાં છુ, પણ કોરોનાને કારણે કોલેજ બંધ છે ત્યાર પછી એક જ શ્વાસે વાત કરતા કહ્યુ બહેરામપુરામાં રહુ છુ ( અમદાવાદનો બહેરામપુરા વિસ્તારની મોટા ભાગની વસ્તી ખુબ ગરીબ છે, આ વિસ્તારમાં મોટી સંખ્યા મુસ્લિમ અને દલીતોની છે, આખી જીંદગી સાથે રહ્યા પછી રોજ એકબીજા વગર જેમને ચાલતુ નથી છતાં વર્ષોથી રાજકારણી પોતાની પોતાના સ્વાર્થ માટે અહિયા પલીતો ચાંપતા આવ્યા છે).
બહેરામપુરા શબ્દ સાંભળતા મારા મનમાં એક સાથે અનેક બાબતો દોડી ગઈ, મેં પુછયુ ફૈઝાન બહેરામપુરાથી નવજીવન ખાસ્સુ દુર છે તુ આવીશ કેવી રીતે, મારૂ વાકય પુરૂ થતાં ફૈઝાનનો ચહેરા ઉપર રોનક આવી ગઈ, તેણે તરત કહ્યુ મારી પાસે સાયકલ છેને.. હું સાયકલ લઈ આવીશ, મેં કહ્યુ સારૂ તને હું પત્રકારત્વમાં પ્રવેશ આપીશ હું બોલ્યો તેની સાથે ફૈઝાન અને તેના મોટા ભાઈના ચહેરા ઉપર જાણે અમેરીકાનો વીઝા મળ્યો હોય એટલે આનંદ નજરે પડયો, ફૈઝાન અમારી કોલેજનો સૌથી ઉમંરમાં નાનો વિધ્યાર્થી છે, ફૈઝાનના પિતા અને મોટા ભાઈ બહેરામપુરા પરિક્ષીતલાલનગરમાં ચ્હાની લારી ચલાવે છે, પણ એક ગરીબ પિતા અને ભાઈને શિક્ષણની કિમંત ખબર છે તેઓ ઈચ્છતા નથી તેમનો ફૈઝાન પણ ચાની લારી ઉપર ઉભો રહે અને પોતે જેમ અગવડોમાં જીવ્યા તેમ તે પણ જીવે.
આવો જ એક બીજો વિધ્યાર્થીને દર્શન તેના પિતાની પણ પાલડીમાં ચ્હાની લારી છે,તેને પણ પત્રકાર થવુ છે જો કે કોલેજ શરૂ થયા પછી બહુ થોડા દિવસ ફૈઝાનને સાયકલ આવવુ પડયુ કારણ ફૈઝાન કલાસના બીજા બધા વિધ્યાર્થીનો લાડકો છે, તેને કોઈને કોઈ પોતાની મોટર સાયકલ ઉપર લઈ આવે છે, અમારા કલાસમાં સૌથી વધુ ઉમંરના વિધ્યાર્થી ગોવીંદભાઈ સોંલકી છે તેમની ઉમંર 65 વર્ષ છે આમ સૌથી નાનો વિધ્યાર્થી 17નો અને સૌથી મોટા વિધ્યાર્થી 65ના છે, ગયા મહિને અમારા કેટલાંક વિધ્યાર્થી પ્રેકટીકલ તાલીમ માટે ખેડુત આંદોલનનું કવરેજ કરવા દિલ્હી ગયા હતા,જેમાં ફૈઝાન પણ હતો, અમારા કલાસની વિધ્યાર્થીની કિંજલનું કામ ફૈઝાનની ગુજરાતી સુધારવાનું છે, તે કામ તે બરાબર કરે છે.
શનિવારે 6 માર્ચના રોજ ફૈઝાનનો જન્મ દિવસ હતો, અમારી કોલેજમાં શનિવારે રજા હોય છે, પણ અમારા વિધ્યાર્થીઓ ફૈઝાનની જાણ બહાર એક પાર્ટીનું આયોજન કર્યુ હતું, બહેરામપુરામાં તેના ઘરે તેને કહ્યા વગર તેની જાણ બહાર કેક લઈ પહોંચી ગયા. આ પાર્ટી અંગે મને પણ જાણ હતી કલાસમાંથી મીલન, જયંત, હેમીલ આવ્યા હતા, હું પણ અચાનક પહોંચી ગયો ફૈઝાન સ્તબ્ધ થઈ ગયો, તેણે અમને કહ્યુ હું સાચુ જ માની શકતો નથી, તમે મારા ઘરે આવ્યા છો, કદાચ મને લાગે છે કે આ સપનુ છે જેના સુચનથી ફૈઝાન પત્રકારત્વની કોલેજનો હિસ્સો બન્યો તે નાસીરભાઈ પણ ત્યાં આવી ગયા, ફૈઝાન અને તેનો પરિવાર ખુબ ખુશ થયો, ફૈઝાનને પત્રકાર થવુ છે, મે કહ્યુ તે પત્રકાર તો થઈશ પણ માણસ તરીકે પણ સારા માણસ થવાનું છે તુ સારો માણસ પણ બનીશ અને સારો પત્રકાર પણ થઈશ અને લોકો અમને તારા નામથી ઓળખશે તેવુ તુ કામ કરીશ તેની મને ખબર છે.
ફૈઝાનના ઘરેથી પાછો ફરતી વખતે મને એકદમ શાંત હતું,જાણે દુનિયામાં બધુ જ સારૂ થશે તેવી લાગણી ઉપર હુ સવાર હતો, મન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યુ હું અલ્લાહના બંદા ફૈઝાનની જીંદગીને સૌહરતથી ભરી દેજે.