નવજીવન ન્યૂઝ. બિહાર: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો હતો. નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં 129 ધારાસભ્યના સમર્થનથી વિશ્વાસ મત મેળવી લીધો છે. RJDનો સાથ છોડીને NDAમાં ફરી એક વખત જોડાઈ ગયા બાદ નીતીશ કુમાર મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા છે. ત્યારે આજે તેમની સામે વિશ્વાસ મત મેળવવાની ચેલેન્જ હતી. જેમાં તેમણે વિશ્વાસ મત મેળવી લીધો છે. NDAને 129 ધારાસભ્યોના મત મળ્યા છે. વિશ્વાસ મત મેળવવા માટે વોટિંગ પ્રક્રિયા શરૂ થતા વિપક્ષે વોકઆઉટ કર્યું હતુ.
બિહાર વિધાનસભામાં કોની પાસે કેટલા ધારાસભ્ય
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે. બહુમત મેળવવા માટેનો આંકડો 122 છે. જ્યારે NDA પાસે 128 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપ પાસે 78 સીટ છે, નીતીશ કુમારની પાર્ટી JDU પાસે 45 સીટ તો હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM) પાસે 4 સીટ છે જ્યારે એક અપક્ષ ઉમેદવારનું સમર્થન છે. જ્યારે વિપક્ષનો પનો થોડો ટુંકો પડ્યો છે. વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં RJDના 79, કોંગ્રેસના 19, CPI(M)ના 2, CPIના 2 ધારાસભ્ય છે.
વિપક્ષે કર્યું વોકઆઉટ
વિશ્વાસ મત માટે મતદાન પહેલા તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર પ્રહાર કર્યા હતા. જેનો નીતીશ કુમારે જવાબ પણ આપ્યો હતો. ત્યાર બાદ વિશ્વાસ મત માટે વોટિંગ કરવામાં આવ્યુ હતુ. પરંતુ વોટિંગ પહેલા જ વિપક્ષે બિહાર વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતુ. ત્યાર બાદ વોટિંગ થતા 129 ધારાસભ્યોના સમર્થનથી NDA સરકારે વિશ્વાસ મત જીત્યો હતો.








