૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં ભારતનો વપરાશ ૩૧૧ લાખ ગાંસડી થશે: સીએઆઈ
ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા એક સપ્તાહથી વધી રહ્યા હોવાથી રૂ બજારને પણ ટેકો
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): રૂના (Cotton) ભાવ ગયા વર્ષ કરતાં ઊંચા છે અને વધુ વધવાની શક્યતા છે, નવા વર્ષની રજાઓ શરૂ થાય તે પહેલા ચીનના ગ્રાહકો આવી ધારણાથી પ્રભાવિત થઈને ગભરાટમાં ટેકનિકલી મોટાપાયે લેવાલ થઈ ગયા હતા. તેજીના ફંડામેનટલ્સ ધ્યાને લઈને, તક ચૂકી ના જવાય તેવા ભયને પગલે ભાવ વધી આવ્યા હતા ચીન અને વિયેટનામની મજબૂત માંગ તો ખરી જ સાથે અમેરિકન રૂ નિકાસના આંકડા વધુ એક વર્ષે ૩,૯૬,૭૦૦ ગાંસડી (૨૧૮ કિલો)ની ઊંચાઈએ પહોંચ્યા હતા. આઇસીઇ ન્યુયોર્ક વાયદો શુક્રવારે ૨.૦૮ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વધીને ૧૬ નવેમ્બર ૨૦૨૨ પછીની ઊંચાઈએ ૯૧.૧૮ સેંટ બોલાયો હતો. રૂ બજાર માટે ૧૧ ઓગસ્ટના સપ્તાહ પછીનો આ વધુ એક સાપ્તાહિક ઉછાળો હતો.
એક અહેવાલ મુજબ ચીનની આયાત પાંચ લાખ ગાંસડી વધી હતી, પણ સામે ભારત, પાકિસ્તાન, તુર્કી અને થાઈલેન્ડની આયાત ઘટતા, કૂલ વૈશ્વિક રૂ વેપાર બે લાખ ગાંસડી આસપાસ ઘટ્યો હતો. ઓસ્ટ્રેલીયા બેનિનમાં ઉત્પાદન ઘટ્યું હતું પણ સામે અન્ય દેશમાં વધવા સાથે ૨૦૨૩-૨૪ના વૈશ્વિક ઉત્પાદનનો અંદાજ, આ મહિને ૩.૫૫ લાખ ગાંસડી ઘટાડવામાં આવ્યો હતો. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)એ તેના તાજા અભ્યાસ અનુમાનોમા કહ્યું હતું કે ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં ભારતનો વપરાશ ૩૧૧ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) થશે, જયારે ગાંસડીનું કૂલ પ્રેસિંગ ૨૯૪.૧૦ લાખ ગાંસડી અંદાજિત છે.
સીએઆઈએ ભારતના અન્ય રાજ્યોના રૂ ઉત્પાદક એસોસિયેશનો અને વેપારી સૂત્રો પાસેથી મેળવેલા આંકડાના પૃથકરણને આધાર બનાવ્યા હતા. કપાસ પાકને પિન્ક બોલવોર્મ રોગચાળો લાગતાં ઉત્પાદનમાં નોંધપાત્ર મોટો ખાંચરો પડ્યો છે. ૨૦૧૭-૧૮માં આવા રોગચાળા વખતે પાક ૩૦.૬૨ ટકા અને ૨૦૨૨-૨૩માં ૧૦.૮૦ ટકા ઉત્પાદન ઘટ આવી હતી. આમ છતાં પાકના મોટા આંકડા આવ્યા છે, તે કોટન ઉદ્યોગ માટે નોંધપાત્ર ઘટના ગણાવાય છે. ઓકટોબર ૨૦૨૩ની તુલનાએ નવેમ્બરમાં બ્રાઝિલથી રૂ આયાત, ૧૨ ટકા વધીને ૨૫૩.૧૨ હજાર ટન થઈ હતી. નવેમ્બર ૨૦૨૨ કરતાં આ આયાત ૫.૫ ટકા ઘટી હતી. બેન્ચમાર્ક રાજકોટ હાજર બજારમાં રૂના સરેરાશ ભાવ વધીને રૂ. ૬૯,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ હતા.
હમાસ તરફથી યુદ્ધ રોકો અપીલ ઇઝરાયેલે નકારી કાઢતા, ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા એક સપ્તાહથી વધી રહ્યા હોવાથી રૂ બજારને પણ ટેકો સાંપડ્યો હતો. ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ, પોલીયેસ્ટર યાર્નને મોંઘા બનાવતા, વિકલ્પ તરીકે કોટનયાર્ન તરફ આકર્ષણ વધારે છે. આને લીધે જૂના પાકના રૂ વાયદા સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૨૩ના લેવલે પહોંચી ગયા છે. અમેરિકન કૃષિ મંત્રાલયે પણ વર્તમાન વર્ષના સરેરાશ રૂ ભાવ વધારીને ૭૭ સેંટ કર્યા છે.
અમેરિકન કૃષિ મંત્રાલયે ફેબ્રુઆરી ૨૦૨૪ના વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ (વસદા)નો અહેવાલ ગત સપ્તાહે રજૂ કર્યો હતો. એક તરફ ૨૦૨૩-૨૪નો આરંભિક સ્ટોક નીચો મુકાયો હતો, બીજી તરફ ઉત્પાદન ઘટતા સપ્લાય પણ ઓછી થઈ હતી. તેણે ફેબ્રુઆરીનો જાગતિક રૂ સ્ટોક ૭ લાખ ગાંસડી ઘટાડયો હતો.
આર્જેન્ટિનાના ૨૦૨૨-૨૩ના રૂ પાકના આંકડા ઘટાડવામાં આવ્યા તેને પગલે, ફેબ્રુઆરી આરંભિક સ્ટોક જાન્યુઆરીની તુલનાએ ૨.૫ લાખ ગાંસડી ઓછો હતો. વાસદાનો માસિક અહેવાલ કહે છે કે અમેરિકામાં ૧.૫ લાખ ગાંસડી રૂ વપરાશ ઘટાડી હવે ૧૭.૫ લાખ ગાંસડી અંદાજવામાં આવ્યો છે. અલબત્ત, નિકાસ બે લાખ ગાંસડી વધી હતી. આથી નેટ એન્ડીંગ સ્ટોક ૧ લાખ ગાંસડી ઘટીને ૨૮ લાખ ગાંસડી મુકાયો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796