Sunday, May 31, 2026
HomeGeneralNews Makers of news room: 'યાદ રાખજે કે વડોદરાનો નં-1 ક્રાઈમ રિપોર્ટર...

News Makers of news room: ‘યાદ રાખજે કે વડોદરાનો નં-1 ક્રાઈમ રિપોર્ટર તો વિજય પટેલ જ છે’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા: કેટલાંક પત્રકારો એવા હોય છે જે ન્યૂઝ રૂમમાં સૌથી વધુ ચર્ચાતા “ન્યૂઝ” હોય છે. જેમની હાજરીથી ન્યૂઝ રૂમ ઈન્ટરેસ્ટીંગ બને છે, મારા પત્રકારત્વ દરમિયાન એવા કેટલાંક લોકોને જોયા જે ન્યૂઝ મેકર્સ ઓફ ન્યૂઝ રૂમ હતા. આ લોકો માત્ર એક લેખમાં સમાઈ જાય એવા લોકો નથી, એટલે આ સિરીઝ એમના વ્યકિતત્વનો આયનો નથી પણ ન્યૂઝરૂમમાં પડતા તેમના પ્રતિબિંબને ઝીલવાનો પ્રયાસ છે.



- Advertisement -

વિજય પટેલ : ક્રાઈમ રીપોર્ટર No 1

વડોદરામાં એક અંગ્રેજી છાપામાં એક સારી સ્ટોરી છપાઈ હતી જે અમારા ત્યાં ‘મિસિંગ’ હતી. તત્કાલીન સુપર ટેમ્પરામેન્ટલ એડિટરને એટલી તો ખબર હતી કે બીજાની જેમ વિજયને પુછાય નહીં! એટલે એડિટરે મોર્નિંગ મિટીંગમાં એ સ્ટોરી બતાવી. વિજય ખુન્નસથી પહેલાં એ સ્ટોરી સામે અને પછી એટલા જ ખુન્નસથી જાણે એ સ્ટોરી પેલા રીપોર્ટરે નહીં પણ એડીટરે લખી હોય એમ એડીટર સામે જોઈ રહ્યો! પછી મહામહેનતે ગુસ્સો ગળા નીચે ઉતારતાં બોલ્યો, “હું આપું છું સ્ટોરી”.

એ પછી સાત દિવસ એણે રમખાણ મચાવ્યું, રોજ એક એકસલુઝિવ સ્ટોરી અને એ પણ સામેના છાપાવાળાઓના માથામાં વાગે એવી ફાઈલ કરી. રિપોર્ટર્સની નાનકડી દુનિયામાં મોટો ભળભળાટ થવો સ્વાભાવિક હતો. સાતમે દિવસે પેલા અંગ્રેજી છાપાના રીપોર્ટરે થાકીને વિજયને સાંજે ફોન કર્યો, એ ફોન આવ્યો ત્યારે વિજય પોતાની જગ્યાએ બેસી કામ કરી રહ્યો હતો, એણે ઇન કમિંગ કોલમાં નામ જોયું, એ જગ્યા પરથી ઊભો થયો અને આખા ન્યૂઝરૂમમાં સંભળાય એવા અવાજે એણે પેલા રિપોર્ટરને કહ્યું “ તું પેલા ( બીજા એક છાપાનો રિપોર્ટર) સાથે મળીને ગમે તેટલી સ્ટોરી કરી લે પણ યાદ રાખજે કે વડોદરાનો નં-૧ ક્રાઈમ રીપોર્ટર તો વિજય પટેલ જ છે!”

- Advertisement -



That was vijay patel, NO 1!

નમ્રતા અને મિતભાષીપણું જેવા અવગુણો વિજયે કયારેય પાળ્યા નહોતા, એ પોતાની જાતને વડોદરાનો નં ૧ ક્રાઈમ રિપોર્ટર ગણતો અને ગણાવતો. એ માટે જે કરવું પડે એ કરતો. એડીટરને લાગતું કે એ ઓફિસ આવતી વખતે રોજ શર્ટ પહેરે ત્યારે જાતે જ એક અદ્રષ્ય No 1 નો મેડલ પણ પહેરીને નીકળતો. એ સેલ્ફ મોટીવેટેડ હતો, આવા લોકો ન્યૂઝરૂમ માટે એસેટ હોય છે.

- Advertisement -

ક્રાઈમ રિપોર્ટીંગ જેવા “ગળાકાપ” સ્પર્ધા વાળા ક્ષેત્રમાં પોતાની જાતને જાહેરમાં No 1 ગણાવવું અને રોજ સાબિત કરતાં રહેવું એ આસાન કામ નથી હોતું એટલે જ સંખ્યાબંધ રિપોર્ટર્સ પોતાને નં 1 ગણતા હોય છે પણ જાહેરમાં એવું કહેવાની હિંમત કરતાં હોતા નથી.

એની ભાષા અને એટીટયૂડ અણીદાર રહેતા, સાચવીને ન રહો તો તમારો ઈગો ઘવાઈ જાય! વડોદરામાં રાયટ થાય એટલે વિશ્વજીતના ફોન પર રીંગ પર રીંગ વાગવા માંડે, વિશ્વજીત “ બાવામાનપુરા”, “પાણીગેટ” એમ એક પછી એક નામો બોલવા માંડે, થોડી વારે બધુ ચેક કરીને વિજય બખાળા કાઢે “ સાહેબ, સામાન્ય HM (હિન્દુ મુસ્લિમ રાયટ) છે , આ કાળીયો ખોટી ખોટી માહિતી આપે છે. વિજય અને વિશ્વજીત મિત્રો અને જૂના સાથીદારો, એટલે વિશ્વજીત વિજયના આ બખાળાને હસતો હસતો જોઈ રહે. વિશ્વજીતની બર્થ ડે હોય ત્યારે એ જેટલો ખુશ થાય એથી વધુ કાળી ચૌદસના દિવસે ખુશ હોય, આજે તો પેલાની (વિશ્વજીતની) બર્થ ડે છે. એમ બધાને કહ્યા કરે. વિજયના આ તોફાનમાં વિશ્વજીત પણ જોડાય અને હસતો હસતો એની ખરેખર બર્થ ડે હોય એમ વિજયના અભિનંદન સ્વીકારે. આ બન્ને વચ્ચે મનભેદ કયારેય ન હતા.



એક વખત એડિટરે ફરમાન કાઢયું કે તમામે હવેથી ટાઈપ કરીને જ કોમ્પ્યુટર પર જ કોપી ફાઈલ કરવાની રહેશે. વિજય એમ કંઈ આવું સાંખી ના લે એટલે એડીટરે પણ એની બાજુમાં ટાઈપીંગની પ્રેકટીસ કરવા બેસવું પડતું, એક દિવસ ૨૫૦૦ વર્ડ ટાઈપ કર્યા બાદ એણે એડીટરને રોકડું પરખાવ્યું, “ સાહેબ તમારું સારું નહીં થાય”!!! એડીટરે શાંતિથી કહ્યું એ હું જોઈશ , તમે ટાઈપ કરો! લાઈલાજે વિજય ટાઈપ શીખ્યો!!!

વિજય ન્યૂઝરૂમમાં લખતો હોય એટલા પુરતું એનો અવાજ શાંત રહે બાકી ઘટનાઓ અને વ્યક્તિઓ વિશેના એના અણીદાર ઓપિનિયન્સ અને નિરીક્ષણો ચાલતા રહે.
નવા બનેલા એડીટરે પ્રથમ સંબોધનમાં કહેલું, તમારે જયારે ફિલ્ડમાં જરૂર પડે ત્યારે હું આવીશ, તમારી સાથે તમારે માત્ર કોલ કરી દેવાનો. વિજય એડીટરની પરીક્ષા કરવાની તક છોડે નહીં. બે દિવસ બાદ વડોદરાની જૂની RTO કચેરીમાં રાત્રે આગ લાગી. RTO કચેરીમાં રાત્રે માણસો તો હોય નહીં, આગમાં ડોકયુમેન્ટ કે રાચરચીલું સળગે, વિજય આ જાણતો હતો. પણ રાત્રે ૩:૧૫ એ એણે એડીટરને ફોન કર્યો, નિત્યક્રમ મુજબ રાતે ૨:૪૫ વાગે ઉંઘેલા એડીટરને જગાડયા કે ચાલો “સ્પોટ” પર.
આગ મોટી નથી, ગંભીર નથી એ જાણતા હોવા છતાં એડીટરે એની સાથે જવું પડયુ કારણ કે એડીટરને ચકાસવાની વિજયની આ આગવી રીત હતી.

ક્રાઈમ રિપોર્ટર હોવા છતાં વડોદરામાં અન્ય ક્ષેત્ર પર પણ એની ચાંપતી નજર રહેતી. તે દિવસે મોર્નિંગ મિટીંગ પત્યા પછી એ એડીટર પાસે બેઠો અને કહ્યું કે આ વાટેકરને કહો કે અન્યોન્ય બેંકના સમાચારો પર ધ્યાન રાખે એ ત્યાંથી એના ડેઈલી રુટિન મુજબ ફાયર બ્રિગેડની ઓફિસે પહોંચ્યો.



૧૫-૨૦ મિનિટમાં ઓફિસમાં ફોન આવ્યો કે વિજયની તબિયત ખરાબ છે અમે ડોકટર પાસે લઈ જઈએ છીએ. એડીટર અને વિશ્વજીત તરત એ ડોકટરના દવાખાને પહોંચ્યા, અધખૂલા બારણામાંથી દેખાતું હતું કે વિજય સૂતો હતો, ડોકટરે બહાર આવીને કહ્યું, “હી ઈઝ કોલેપ્સ્ડ”. દસ મિનિટ લાગી એડીટર અને વિશ્વજીતને એ સમજતાં કે એમનો પરાજય થયો છે! વિજયનો હાર્ટએટેક મેસિવ હતો.

એ ઘટનાને પંદરેક વર્ષ વીતી ગયા છે છતાં આજે પણ જયારે કોઈ નવા રિપોર્ટરને એ એડીટર પહેલી વાર જૂએ છે ત્યારે એની આંખો એ અદ્રષ્ય નં-૧ના મેડલને શોધતી હોય છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular